દિલીપ જોશી છોડી દેશે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો? અટકળો પર મેકર્સે જુઓ શું જવાબ આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jethalal is Here to Stay: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કરોડો ચાહકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોને અલવિદા કહી રહ્યા છે. આ સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર શોના પ્રોડક્શન હાઉસ અને મેકર્સે સત્તાવાર રીતે પોતાની ચૂપકીદી તોડી છે.
મેકર્સે અફવાઓનું કર્યું ખંડન, દિલીપ જોશી શોનો હિસ્સો રહેશે
ચોતરફ ફેલાઈ રહેલી આ નકારાત્મક અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે દિલીપ જોશી શો છોડીને ક્યાંય જઈ રહ્યા નથી. પ્રોડક્શન ટીમે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "દિલીપ જોશી શોના આધારસ્તંભ છે અને તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો અભિન્ન હિસ્સો છે અને ભવિષ્યમાં પણ રહેશે. સોશિયલ મીડિયા પર જે પણ અહેવાલો ફરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. નકલીછે." મેકર્સના આ ખુલાસા બાદ ફેન્સે મોટી રાહતનો શ્વાસ લીધો છે.
અગાઉ પણ ફેલાઈ હતી અફવા
વાસ્તવમાં, અગાઉ દિશા વાકાણી (દયાબેન), શૈલેષ લોઢા (તારક મહેતા) અને ભવ્ય ગાંધી (ટપ્પુ) જેવા ઘણા દિગ્ગજ કલાકારો અગાઉ શો છોડી ચૂક્યા છે. આ દરમિયાન એટલે કે લગભગ 2024માં સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થયો હતો કે દિલીપ જોશી અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર દલીલો થઈ છે અને વાત મારામારી સુધી પહોંચી ગઈ છે, જેના કારણે દિલીપ જોશીએ શો છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, ત્યારે પણ પ્રોડક્શન હાઉસ અને ખુદ દિલીપ જોશીની નજીકના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ વિવાદ નથી અને શૂટિંગ હંમેશની જેમ સામાન્ય રીતે ચાલુ છે. આ વખતે પણ પ્રોડક્શન હાઉસે આ વિશે ચોખવટ કરી છે કે તેઓ શોના ખૂબ જ મહત્ત્વના આધારસ્તંભ છે.
દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી સતત જેઠાલાલ ગડાના પાત્રથી દેશ-વિદેશના કરોડો લોકોને હસાવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, જેઠાલાલ વિના આ શોની કલ્પના કરવી પણ અશક્ય છે. હાલમાં શોની આખી ટીમ નવા એપિસોડ્સના શૂટિંગમાં વ્યસ્ત છે, જેથી દર્શકોને અગાઉની જેમ જ ગોકુલધામ સોસાયટીનો ભરપૂર મનોરંજન ડોઝ મળતો રહેશે.









