Deepika Padukone Flaunts Baby Bump: બોલિવૂડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. દીપિકા હાલમાં પોતાની બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે, જ્યારે રણવીર સિંહ ‘ડોન ૩’ છોડવાના સમાચારને કારણે લાઈમલાઈટમાં છે. આ દરમિયાન આ સ્ટાર કપલ સોમવારે મુંબઈના પોશ વિસ્તાર બાંદરા સ્થિત પોતાના નવા ઘરની મુલાકાતે પહોંચ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વિઝિટની તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
નવા ઘરની બાલ્કનીમાં વિતાવ્યો સમય
રણવીર અને દીપિકા પોતાના નવા આલીશાન ઘરના બાંધકામ અને ઇન્ટિરિયરના કામની પ્રગતિ જોવા માટે ત્યાં પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં આ કપલ ઘરના અલગ-અલગ હિસ્સાઓમાં ફરીને કામની વિગતો અંગે ચર્ચા કરતું અને હસતાં-મુખે જોવા મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંનેએ પોતાના નવા ઘરની બાલ્કનીમાં ઊભા રહીને ઘણો સમય વિતાવ્યો હતો. જોકે, નેટીઝન્સ અને ફેન્સનું સૌથી વધુ ધ્યાન દીપિકાના બેબી બમ્પ પર કેન્દ્રિત થયું હતું.
દીપિકાના ચહેરા પર દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો
તસવીરોમાં દીપિકા પાદુકોણના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સાફ ઝળકી રહ્યો હતો. તેણે વ્હાઇટ કલરનો લૂઝ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ કમ્ફર્ટેબલ અને બ્યુટીફુલ લાગતી હતી. બીજી તરફ, રણવીર સિંહ કેઝ્યુઅલ રેડ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ્સમાં જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, દીપિકા અને રણવીરે તાજેતરમાં જ એક જોઈન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ઘરે બીજા બાળકના આગમનની જાહેરાત કરી હતી. આ ખાસ પોસ્ટમાં તેમની પ્રથમ પુત્રી ‘દુઆ’ પણ જોવા મળી હતી. દીપિકા અને રણવીરે નવેમ્બર 2018માં ઇટાલીના લેક કોમોમાં ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા અને સપ્ટેમ્બર 2024માં તેમની પ્રથમ પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું.
આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે આ પાવર કપલ
બીજી પ્રેગ્નેન્સીની સાથે-સાથે દીપિકા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ પૂરા કરી રહી છે. સાઉથ આફ્રિકાથી પરત ફર્યા બાદ તેણે શાહરૂખ ખાન સાથેની આગામી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ સિવાય તે એટલીની આગામી ફિલ્મ ‘રાકા’માં અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બીજી તરફ, રણવીર સિંહ પોતાની આગામી ઝોમ્બી એડવેન્ચર ફિલ્મ ‘પ્રલય’ની તૈયારીઓમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


