Entertainment

'દરેક માતા-પિતાને વરુણ જેવો દીકરો મળે...', લાઈવ ઇવેન્ટમાં દીકરાની આ વાત પર રડી પડ્યા ડેવિડ ધવન

By GS Team
23 May 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવન પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. સ્ટેજ પર પોતાના પુત્ર વરુણ ધવન વિશે વાત કરતી વખતે પિતા ડેવિડ ધવન પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને તેમની આંખો નમ થઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'દરેક માતા-પિતાને વરુણ જેવો દીકરો મળે...', લાઈવ ઇવેન્ટમાં દીકરાની આ વાત પર રડી પડ્યા ડેવિડ ધવન

David Dhawan Emotional for Varun: બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવન પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. સ્ટેજ પર પોતાના પુત્ર વરુણ ધવન વિશે વાત કરતી વખતે પિતા ડેવિડ ધવન પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને તેમની આંખો નમ થઈ ગઈ હતી.

દીકરા વરુણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ડેવિડ ધવને જણાવ્યું કે, “દરેક માતા-પિતાને વરુણ જેવો જ દીકરો મળવો જોઈએ. જ્યારે હું હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે પોતાનું તમામ કામ છોડીને હોસ્પિટલમાં મારી સાથે જ સૂતો હતો. એક કલાકાર તરીકે પણ તેના પ્રદર્શનમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડાયરેક્ટર તરીકે તમે તેની પાસે જેવી અપેક્ષા રાખશો, તેવું જ શ્રેષ્ઠ પરિણામ તે આપશે. પરંતુ એક પિતા તરીકે હું એટલું જ કહીશ કે ઈશ્વર દરેકને આવો દીકરો આપે.”

પિતા-પુત્રની જોડીની આ ચોથી ફિલ્મ

‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મમાં વરુણ ધવનની સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રાજપાલ યાદવ, જોની લીવર, ચંકી પાંડે અને મનીષ પોલ જેવા દિગ્ગજ કલાકારો પણ કોમેડીનો તડકો લગાવતા નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ ધવન અને વરુણ ધવનની જોડીની આ સાથે ચોથી ફિલ્મ છે. આ પહેલા આ સુપરહિટ પિતા-પુત્રની જોડી ‘મેં તેરા હીરો’, ‘જુડવા 2’ અને ‘કુલી નંબર 1’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે.

વરુણ ધવન જોવા મળશે ડબલ રોલમાં

આ ફિલ્મની વાર્તા એક એવા યુવકની આસપાસ ફરે છે જે પ્રેમમાં વારંવાર નિષ્ફળ જાય છે અને ત્યારબાદ પોતાની કિસ્મત બદલવા માટે તેને અણધારી મદદ મળે છે. રસપ્રદ વાત એ છે કે, વરુણ ધવન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળવાનો છે. જેમાં એક તરફ તેનો માસૂમ 'બોય-નેક્સ્ટ-ડોર' લુક હશે, તો બીજી તરફ તે વધુ મેચ્યોર અવતારમાં જોવા મળશે.

આ પણ વાંચો: ઐશ્વર્યાના રોયલ બ્લુ ગાઉન સામે આલિયા ભટ્ટનો પિંક લુક ફીકો પડ્યો? સોશિયલ મીડિયા પર ફેન્સ આમનેસામને

બોક્સ ઓફિસ પર વરુણ ધવન છવાશે?

વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ પહેલા તે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે મેજર હોશિયાર સિંહ દહિયાનું શાનદાર પાત્ર ભજવ્યું હતું. આ બ્લોકબસ્ટર ફિલ્મે વિશ્વભરમાં ₹450 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, ત્યારે હવે ફેન્સ તેની આ આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ ફિલ્મ કેટલો બિઝનેસ કરે એ જોવું રહ્યું.