Entertainment

કલ્પનાથી પણ વધુ ડાર્ક અને રહસ્યમય, 'Dune: Part Three'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
હોલીવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેનિસ વિલેન્યુવની સાયન્સ-ફિક્શન ટ્રિલોજીની આખરી ફિલ્મ 'Dune: Part Three'નું ટ્રેલર રિલીઝ થયું છે. તિમોથી શલામે સ્ટારર આ ફિલ્મનો અંતિમ ભાગ વધુ ડાર્ક અને રોમાંચક હશે. વાર્તા 17 વર્ષ આગળ વધશે, જ્યાં પોલ એટ્રીડિસ ગેલેક્સી પર સમ્રાટ બન્યા પછી ગંભીર પરિણામોનો સામનો કરશે. રોબર્ટ પેટિન્સન 'સ્કાયટેલ' નામના નવા વિલન તરીકે જોવા મળશે. આ ફિલ્મ 18 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલ્પનાથી પણ વધુ ડાર્ક અને રહસ્યમય, 'Dune: Part Three'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Dune Part Three Trailer Release: હોલીવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેનિસ વિલેન્યુવની મોસ્ટ અવેટેડ સાયન્સ-ફિક્શન ટ્રિલોજીની આખરી ફિલ્મ ‘Dune: Part Three’નું શાનદાર ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અભિનેતા તિમોથી શલામે સ્ટારર આ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલરની ઝલક જોતાં સ્પષ્ટ થાય છે કે ડેનિસ વિલેન્યુવની આ સફરનો અંતિમ ભાગ અગાઉના બંને પાર્ટ કરતાં ઘણો વધારે ડાર્ક, રહસ્યમય અને રોમાંચક રહેવાનો છે. આ વખતે વાર્તામાં પોલ એટ્રીડિસ (તિમોથી શલામે) માટે ભવિષ્ય વધુ ધૂંધળું અને પડકારોથી ભરેલું જોવા મળશે, સાથે જ ઝેન્ડાયા, જેસન મોમોઆ અને વિશાળકાય સેન્ડવોર્મ્સ (રેતીના કીડા) પણ મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે.

17 વર્ષ આગળ વધશે વાર્તા: સત્તા મળ્યા બાદ બદલાશે સમીકરણો

પ્રખ્યાત લેખક ફ્રેન્ક હર્બર્ટની નવલકથા ‘Dune Messiah’ પર આધારિત આ ફિલ્મની વાર્તા ‘Dune: Part Two’ના અંતથી સીધી 17 વર્ષ આગળનો લીપ લેશે. વાર્તામાં પોલ એટ્રીડિસ સમગ્ર ગેલેક્સી પર સમ્રાટ તરીકે સત્તા મેળવ્યા બાદ ઊભા થતા ગંભીર પરિણામોનો સામનો કરતો જોવા મળશે. ટ્રેલરમાં એક ચોંકાવનારો ખુલાસો થાય છે કે સામ્રાજ્ય પર નિયંત્રણ મેળવ્યા બાદ પોલની ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ નબળી પડી ગઈ છે. ટ્રેલરના એક સંવાદમાં પોલ સ્વીકારે છે કે, "ભવિષ્ય મારી સાથે વાત કરવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે, પરંતુ હવે હું જોઈ શકતો નથી કે આગળ શું આવવાનું છે."

રોબર્ટ પેટિન્સનની એન્ટ્રી: પોલ સામે નવો ખતરો

આ ફાઈનલ ચેપ્ટરમાં પોલ એટ્રીડિસ સામે એક નવો અને અત્યંત ખતરનાક વિલન ઊભો થતો જોવા મળશે. પ્રખ્યાત અભિનેતા રોબર્ટ પેટિન્સન આ ફિલ્મમાં ‘સ્કાયટેલ’ નામના પાત્રમાં જોવા મળશે, જે એક માયાવી અને રૂપ બદલવામાં માહિર વિલન છે. સ્કાયટેલ પોલને સત્તા પરથી હટાવવા માટે મોટું ષડયંત્ર રચી રહ્યો છે. ટ્રેલરમાં તેનો એક દમદાર ડાયલોગ છે, "અમે ઇમ્પીરિયલ પાવરના મુખ્ય કેન્દ્ર પર જ હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ." જે દર્શાવે છે કે તે સત્તા પલટો કરવા માટે પૂરી તૈયારી સાથે આવ્યો છે.

સંબંધોની કટોકટી અને ડંકન ઇડાહોનું પુનરાગમન

ટ્રેલરમાં ફ્રેમેન યોદ્ધા ચાની (ઝેન્ડાયા)ના પાત્રને પણ મોટો સ્પેસ આપવામાં આવ્યો છે. પ્રિન્સેસ ઇરુલાન (ફ્લોરેન્સ પ્યુ) સાથે પોલના લગ્ન થયા બાદ ચાની અને પોલ વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ અને જટિલતા આવી ગઈ છે, અને ચાની હવે સંતાનની ઈચ્છા રાખે છે.

આ ઉપરાંત, ટ્રેલરનું સૌથી મોટું સરપ્રાઈઝ ડંકન ઇડાહો (જેસન મોમોઆ)ની વાપસી છે, જે અગાઉ પોલ અને તેની માતા જેસિકા (રેબેકા ફર્ગ્યુસન)નું રક્ષણ કરતા શહીદ થઈ ગયો હતો. સ્કાયટેલ દ્વારા ડંકનને એક ‘ઘોલા’ (ક્લોન કરાયેલું સ્વરૂપ) તરીકે ફરી જીવતો કરવામાં આવ્યો છે અને તેને પોલને એક ‘ગિફ્ટ’ તરીકે મોકલવામાં આવે છે. ટ્રેલરમાં આ બંને વચ્ચેની એક ખાસ સિક્વન્સ પણ જોવા મળે છે.

કલાકારોની મજબૂત સ્ટારકાસ્ટ

ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, રેબેકા ફર્ગ્યુસન, જાવિઅર બાર્ડેમ અને ફ્લોરેન્સ પ્યુ પોતાના દમદાર પાત્રો સાથે પરત ફરી રહ્યા છે. આ પાર્ટમાં પ્રિન્સેસ ઇરુલાન તરીકે ફ્લોરેન્સ પ્યુના રોલને વધુ વિસ્તારવામાં આવ્યો છે. વળી, અન્યા ટેલર-જોય પણ ‘આલિયા એટ્રીડિસ’ તરીકે જોવા મળશે, જે તેના ભાઈ પોલની પરમ ભક્ત બની ચૂકી છે. નવા કલાકારોમાં રોબર્ટ પેટિન્સન ઉપરાંત ઇસાચ ડી બેન્કોલે પણ પોલના ભૂતપૂર્વ ફેદાયકીન ડેથ કમાન્ડો તરીકે એન્ટ્રી લીધી છે.

સિનેમા જગતની આ સૌથી ભવ્ય સાયન્સ-ફિક્શન ટ્રિલોજીનો અંતિમ ભાગ, એટલે કે ‘Dune: Part Three’ આગામી 18 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.