Entertainment

1000થી વધુ ફિલ્મો કરનાર કોમેડી કિંગ બ્રહ્માનંદમના મોટા ભાઈનું દર્દ છલકાયું, વ્યથા સાંભળી ફેન્સ પણ ભાવુક

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
તેલુગુ અભિનેતા બ્રહ્માનંદમના મોટા ભાઈ શ્રીવદને ભાવુક અપીલ કરી છે. વતનમાં એકલા રહેતા શ્રીવદને જણાવ્યું કે, 6 ભાઈ-બહેનોમાંથી હવે માત્ર 2 જ જીવિત છે. તેમણે નાના ભાઈ બ્રહ્માનંદમ શહેરમાં આવીને મળ્યા વિના જ પાછા જતા રહેતા, ફોન ન કરતા હોવાની વ્યથા વ્યક્ત કરી. 1-2 મિનિટનો સમય કાઢી વાત કરવાની આશા સેવી.

Summarized by AI; it may make mistakes. Check important info

1000થી વધુ ફિલ્મો કરનાર કોમેડી કિંગ બ્રહ્માનંદમના મોટા ભાઈનું દર્દ છલકાયું, વ્યથા સાંભળી ફેન્સ પણ ભાવુક

Emotional Plea Of Elder Brother: તેલુગુ સિનેમાના દિગ્ગજ હાસ્ય કલાકાર અને 'કોમેડી કિંગ' તરીકે જાણીતા બ્રહ્માનંદમ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ તેમની કોઈ ફિલ્મ કે કોમેડી નહીં, પરંતુ તેમનો પારિવારિક સંબંધ છે. અભિનેતાના મોટા ભાઈ શ્રીવદને તાજેતરમાં એક વાતચીત દરમિયાન બ્રહ્માનંદમ સાથેના તેમના સંબંધો અને ઓછી થતી વાતચીત અંગે ખુલીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. વતનમાં એકલા રહેતા શ્રીવદને જણાવ્યું કે, જીવનના આ પડાવ પર તેમને પોતાના પરિવાર અને સ્વજનોની ખોટ સાલે છે. તેમના નિવેદનમાં કોઈ ફરિયાદ કરતાં નાના ભાઈને મળવાની અને વાત કરવાની તીવ્ર ઇચ્છા વધુ જોવા મળી હતી.

6 ભાઈ-બહેનોમાંથી માત્ર 2 જ બચ્યા

પોતાના મનની વ્યથા વ્યક્ત કરતાં શ્રીવદને જણાવ્યું હતું કે,

"અમે કુલ 6 ભાઈ-બહેન હતાં. તેમાંથી 4 લોકોનું નિધન થઈ ચૂક્યું છે અને હવે માત્ર અમે બંને જ જીવિત બચ્યા છીએ. હું એકલો જ મારા વતનમાં રહી ગયો છું."

નાના ભાઈના એક ફોન કૉલની રાહ: 'અન્નય્યા, કેમ છો?'

પોતાના નાના ભાઈ પ્રત્યે દર્દ વ્યક્ત કરતાં શ્રીવદને કહ્યું,

"બ્રહ્માનંદમ તાજેતરમાં શહેરમાં આવ્યા હતા, પરંતુ મને મળ્યા વિના જ પાછા જતા રહ્યા. મને હંમેશાં એવી આશા રહે છે કે મારો નાનો ભાઈ ક્યારેક ફોન કરીને મને પૂછશે— 'અન્નય્યા (મોટા ભાઈ), કેમ છો?' પરંતુ તે મને ક્યારેય ફોન કરતો નથી.”

તેમના આ ભાવુક નિવેદને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ચાહકો પણ આ સંબંધ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વ્યસ્તતા વચ્ચે પણ 1-2 મિનિટ ફાળવવાની આશા

ખાસ વાત એ છે કે શ્રીવદને આ અંતર માટે નાના ભાઈ બ્રહ્માનંદમને સીધા જવાબદાર ઠેરવ્યા નથી. તેમણે સમજાવતાં કહ્યું કે, બ્રહ્માનંદમ એક મોટા કલાકાર છે, તેમની પ્રોફેશનલ લાઇફ ખૂબ વ્યસ્ત છે અને શૂટિંગના કારણે સતત ટ્રાવેલિંગ કરવું પડે છે. પરંતુ એક મોટા ભાઈ તરીકેની આશા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું,

"તે એક મહાન કલાકાર છે અને શૂટિંગમાં વ્યસ્ત હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે મને ફોન કરવા માટે 1 અથવા 2 મિનિટનો સમય તો કાઢી જ શકે છે. જ્યારે મહાન લોકો પોતાના સ્વજનો સાથે વાત કરે છે, ત્યારે તેમને સાચો આનંદ મળતો હોય છે."

1000થી વધુ ફિલ્મો અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

બ્રહ્માનંદમની સિદ્ધિઓની વાત કરીએ તો, ભારતીય સિનેમામાં તેમણે એક અજોડ સ્થાન હાંસલ કર્યું છે:

  • 4 દાયકાથી વધુની કારકિર્દી: 4 દાયકાથી વધુ સમયની એક્ટિંગ કરિયરમાં તેઓ 1000થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે.
  • ગિનીસ વર્લ્ડ રેકોર્ડ: કોઈ જીવંત અભિનેતા તરીકે સૌથી વધુ ફિલ્મોમાં કામ કરવાનો 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ' તેમના નામે નોંધાયેલો છે.
  • પદ્મશ્રી એવોર્ડ: ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2009માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી'થી નવાજ્યા હતા.

સિનેમા જગતની ઝાકમઝોળ વચ્ચે મોટા ભાઈનું આ ભાવુક નિવેદન બ્રહ્માનંદમના અંગત જીવનના અત્યંત સંવેદનશીલ પાસાને સામે લાવે છે. હવે સૌ કોઈ એ આશા રાખી રહ્યું છે કે આ બે ભાઈઓ વચ્ચે ફરીથી જૂનો સ્નેહ અને વાતચીત શરૂ થાય.