Entertainment

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ: શૂટર્સે રણબીર કપૂરના ઘરની પણ કરી હતી રેકી, સલમાન હતો પ્રાઇમ ટાર્ગેટ!

By GS Team
22 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં ટાઇગર શ્રોફના વાહન પર ફાયરિંગ કરનારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સે રણબીર કપૂરના બાંદરા સ્થિત બંગલાની પણ રેકી કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ષડયંત્રમાં વધુ તપાસ તેજ કરી છે. યુએસ સ્થિત ગેંગસ્ટર અનિલ પંડિતના કહેવા પર આ હુમલો થયો હતો. સલમાન ખાન પર હુમલો શક્ય ન બનતા ટાઇગર શ્રોફને 'ઈઝી ટાર્ગેટ' બનાવાયો હતો. ત્રણ મુખ્ય આરોપીઓ 31 ઑક્ટોબર સુધી રિમાન્ડ પર છે. કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ: શૂટર્સે રણબીર કપૂરના ઘરની પણ કરી હતી રેકી, સલમાન હતો પ્રાઇમ ટાર્ગેટ!

Tiger Shroff Shooters Recceed Ranbir Kapoor Home: મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફના વાહન પર થયેલા ગોળીબારના મામલે મુંબઈ પોલીસની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા સામે આવ્યા છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા આ ષડયંત્રમાં સામેલ શૂટર્સે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરના બાંદરા સ્થિત નિવાસસ્થાનની પણ રેકી કરી હોવાની માહિતી બહાર આવી છે. પોલીસે હવે બોલિવૂડની અન્ય સેલિબ્રિટીઝને ટાર્ગેટ કરવાના સંભવિત મોટા ષડયંત્રની દિશામાં તપાસ તેજ કરી છે. કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર, ટાઇગર શ્રોફ પર આ હુમલો ગેંગ સાથે જોડાયેલા યુએસ સ્થિત ગેંગસ્ટર અનિલ પંડિતના કહેવા પર કરવામાં આવ્યો હતો.

રણબીર કપૂરના ઘરની રેકી અને સેલેબ્સ પર સંકટ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ ફાયરિંગની ઘટના પહેલાં રણબીર કપૂરના બાંદરા ખાતેના બંગલાની આસપાસ જઈને સર્વેલન્સ (રેકી) કર્યું હતું. તપાસ એજન્સીઓ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ રેકી આ જ કાવતરાનો ભાગ હતી કે પછી અન્ય અભિનેતાઓને નિશાન બનાવવાની કોઈ અલગ યોજના ઘડવામાં આવી રહી હતી. જોકે, ઉપલબ્ધ વિગતો અનુસાર રણબીર કપૂર તેમનો કન્ફર્મ ટાર્ગેટ હતો કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવો મળ્યો નથી, પરંતુ સમગ્ર બોલિવૂડ જગતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

પહેલાં સલમાન ખાન હતો નિશાના પર, પછી ટાઇગર શ્રોફને બનાવ્યો 'ઈઝી ટાર્ગેટ'

અહેવાલો અનુસાર, શૂટર્સ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમનો મુખ્ય ટાર્ગેટ અભિનેતા સલમાન ખાન હતો. આરોપીઓએ સલમાન ખાનના ઘરની રેકી પણ કરી હતી. પરંતુ વર્ષ 2024માં તેમના ઘર બહાર થયેલા ફાયરિંગ બાદથી સલમાન ખાનને મુંબઈ પોલીસ દ્વારા 'Y-પ્લસ' સુરક્ષા આપવામાં આવી છે. તેમના ઘરની બહાર 24 કલાક સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ, બેરિકેડિંગ અને કાફલા સાથે ચુસ્ત પહેરો હોવાથી હુમલાખોરોએ સલમાન ખાન પર હુમલો કરવાનો પ્લાન પડતો મૂક્યો હતો.

ત્યારબાદ આરોપીઓએ ટાઇગર શ્રોફ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શૂટર્સે સોશિયલ મીડિયા ફેન પોસ્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ પેજીસ પરથી માહિતી મેળવી હતી કે ટાઇગર શ્રોફ દર રવિવારે જુહુના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમવા આવે છે અને તેમની સાથે કોઈ ખાસ સરકારી કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી. ઓછી સુરક્ષા હોવાના કારણે હુમલાખોરોએ ટાઇગર શ્રોફને એક આસાન ટાર્ગેટ ગણીને તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો.

મુખ્ય ત્રણ આરોપીઓ 31 ઑક્ટોબર સુધી રિમાન્ડ પર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કોટા ખાતેથી ટ્રેનમાંથી ઝડપાયેલા ત્રણ મુખ્ય શૂટર્સને મુંબઈ લાવી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમને 31 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો છે. આ આરોપીઓમાં હરિયાણાના સોનીપતનો રહેવાસી રેહાન ઉર્ફે સુક્કા, મૂળ બિહારના બેગુસરાયનો અને મુંબઈમાં રહેતો રિતિક કુર્મી ઉર્ફે રોશન તેમજ હરિયાણાનો ફૂલ સિંહ સામેલ છે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ગુનામાં વપરાયેલા હથિયારો રિકવર કરવા, તોડી નખાયેલા બે મોબાઇલ ફોનનો ડેટા મેળવવા અને કોલ ડિટેઇલ રૅકોર્ડ્સ(CDR)ની તપાસ માટે કસ્ટડી જરૂરી છે.

હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ: બે મહિલાઓ સહિત વધુ પાંચ પકડાયા

ડીસીપી રાજ તિલક રોશને જણાવ્યું હતું કે દિલ્હી અને હરિયાણા પોલીસની સંયુક્ત મદદથી હાથ ધરાયેલા દરોડામાં હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓમાં સોનીપતના કુણાલ (21) અને સુમિત (19) તેમજ યુપીની રાધા (23) અને બબીતા (23) સામેલ છે. અનિલ પંડિતની સૂચના મુજબ કુણાલ અને સુમિતે અમૃતસરથી પિસ્તોલ અને 20 રાઉન્ડ કારતૂસ મેળવ્યા હતા, જેને બંને મહિલાઓ ટ્રેન મારફતે મુંબઈ લાવીને શૂટર્સ સુધી પહોંચાડતી હતી. પોલીસે હાલ હથિયારોની આખી સપ્લાય ચેઈન અને ડિજિટલ પુરાવાઓની તપાસ વધુ સઘન બનાવી છે.