Get The App

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું! જાણીતા અભિનેતાનું શૂટિંગ બાદ દરિયામાં ડૂબતાં નિધન

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું! જાણીતા અભિનેતાનું શૂટિંગ બાદ દરિયામાં ડૂબતાં નિધન 1 - image

Rahul Banerjee Death: બંગાળી ફિલ્મ ઉદ્યોગમાંથી એક અત્યંત ચોંકાવનારા અને શોકાતૂર સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીનું નિધન થયું છે. એક સિરિયલના શૂટિંગ બાદ દીઘામાં તેમનું મોત થયું હતું. તેમના અવસાનના સમાચાર સાંભળીને માત્ર તેમના પરિવાર અને નજીકના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લીડ એક્ટ્રેસ સાથે દરિયા કિનારે ટહેલવા ગયા હતા

રાહુલ બેનર્જી આ દિવસોમાં સ્ટાર જલસાની લોકપ્રિય સિરિયલ 'ભોલે બાબા પાર કરેગા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. આ સંદર્ભમાં સમગ્ર શૂટિંગ યુનિટ દીઘા પાસે તલસારી પહોંચ્યું હતું. જ્યાં શૂટિંગ પૂરું થયા બાદ રાહુલ સિરિયલની લીડ એક્ટ્રેસ સાથે દરિયા કિનારે ટહેલવા અને પાણીનો આનંદ માણવા ગયા હતા. આ દરમિયાન તે મોજાની લપેટમાં આવી ગયા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યાં હાજર ટેકનિશિયનોએ જ્યારે તેમને ડૂબતા જોયા ત્યારે તેઓ તરત જ તેમને બચાવવા માટે દોડ્યા અને ભારે જહેમત બાદ તેમને બહાર કાઢ્યા હતા.

અભિનેતાના નિધનની પુષ્ટિ

ફેડરેશન વતી દિગંત બાગચીએ આ દર્દનાક ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે રાહુલને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા હતા. તેમને તાત્કાલિક નજીકની દીઘા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. જો કે, મોતનું અસલી કારણ પાણીમાં ડૂબવું હતું કે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો તે હજુ સુધીસ્પષ્ટ થયું નથી. પૂર્વ મિદનાપુર જિલ્લા પોલીસે અભિનેતાના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે.

સીએમ મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક

બંગાળના સીએમ મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું, 'મને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું? તે મારા મનપસંદ કલાકારોમાંના એક હતા અને એક અદભૂત વ્યક્તિ હતા.'

ઓટોપ્સી પૂર્ણ થયા બાદ કારણ જાહેર કરાશે

આ મામલે પૂર્બા મેદિનીપુર જિલ્લાના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસે કહ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ ડૂબવાને કારણે થયું હોવાનું જણાય છે, પરંતુ પોલીસ દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે. કાયદાકીય પ્રક્રિયા અને ઓટોપ્સી પૂર્ણ થયા બાદ જ તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર... જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે

કોણ હતા રાહુલ અરુણોદય બેનર્જી?

રાહુલ ટોલીવુડનો જાણીતો ચહેરો છે. ટેલિવિઝનમાં આવતા પહેલા રાહુલે ઘણા થિયેટરોમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય પ્રોગ્રામ 'ખેલા'માં આદિત્યની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સફળતા બાદ તેમને એક ફિલ્મની ઓફર મળી, જેનાથી તેમને વધુ મોટી ઓળખ મળી. રાહુલનો પોડકાસ્ટ પ્રોગ્રામ 'સહજ કથા' પણ ઘણો લોકપ્રિય થયો છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે લાંબા સમય સુધી એક સિરિયલમાં પણ જોવા મળ્યા હતા. પછી લાંબા બ્રેક બાદ તેમણે સિરિયલમાં વાપસી કરી હતી. હાલમાં તે સિરિયલ 'ભોલે બાબા પાર કરેગા'માં જોવા મળ્યા હતા. તેમણે સિરિયલ 'હરગૌરી પાઈસ હોટેલ'માં પણ કામ કર્યું હતું. રાહુલે રાજ ચક્રવર્તીની ફિલ્મ 'ચિરદિની તુમી જે આમાર' થી ટોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષો પછી પણ તે ફિલ્મના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. ફિલ્મમાં તેમની સાથે તેમની રિયલ લાઈફ પત્ની પ્રિયંકા સરકાર હતી.