Entertainment

મુંબઈમાં ગોળીબાર કરી ટાઈગર શ્રોફની હત્યાનો પ્રયાસ : એકની અટકાયત

By GS Team
18 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈના જુહૂમાં રવિવારે સાંજે એક્ટર ટાઈગર શ્રોફ પર બાઈક સવાર 3 અજાણ્યા શખ્સોએ 7 ગોળીઓ વરસાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ટાઈગર બચી ગયો, પરંતુ તેના ડ્રાઈવર સહિત 2 અન્યને ઈજા થઈ હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોલીસે 1 શંકાસ્પદની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ગોળીબાર કરી  ટાઈગર શ્રોફની હત્યાનો પ્રયાસ : એકની અટકાયત

મુંબઇ : બોલિવુડ હસ્તીઓ પર હુમલાના સિલસિલામાં રવિવારે સાંજે જેકી શ્રોફના પુત્ર તથા એક્ટર ટાઈગર શ્રોફ પર જુહૂમાં ગોળીબાર કરી તેની હત્યા કરવાનો પ્રયાસ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફ બચી ગયો હતો પરંતુ તેના ડ્રાઈવર તથા એક રિક્ષાચાલક તથા અન્ય એક ચાહકને ઈજા થઈ હતી. બનાવના થોડા જ સમયમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે જારી થયેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. ચાહકો ટાઈગર શ્રોફનો વીડિયો ઉતારી રહ્યા હતા તે જ વખતે બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરો બિલકુલ ફિલ્મી સ્ટાઈલથી તેની કાર પર ગોળીઓ વરસાવી ફરાર થઈ ગયા હતા. રાતે સાંતાક્રુુઝ વિસ્તારમાંથી એક શકમંદની અટકાયત કરાઈ હતી જોકે, તે અંગે તત્કાળ વિગતો પ્રાપ્ય થઈ ન હતી.
સાંજે સાત વાગ્યાના અરસામાં ૩૬ વર્ષીય ટાઇગર એક બર્થ ડે પાર્ટીમાં હાજરી આપ્યા બાદ બીએમડબલ્યૂ કારમાં બેસી તેમના નિવાસસ્થાને જઇ રહ્યો હતો. ટાઈગર શ્રોફ અહીં આવ્યો હોવાની જાણ થતાં કેટલાક ચાહકો ગેટ બહાર તેનો વીડિયો ઉતારવા જમા થયા હતા. કેટલાક પાપારાઝી ફોટગ્રાફર પણ તેમાં સામેલ હતા. તે વખતે અચાનક જ બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ સાત ગોળીઓ છોડી હતી. ગોળીબાર કરી આ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ગોળીબારને કારણે સ્થળ પર નાસભાગ અને અફડાતફડી થઈ ગઈ હતી. જોકે, કેટલાક લોકો કાર તરફ ધસ્યા હતા અને ટાઈગર હેમખેમ હોવાની ખાતરી કરી હતી. જોકે, તેના ડ્રાઈવર ફિરદૌસ તથા યોગેશ ચૌહાણ નામના બ્લોગરને ઈજા થઈ હતી. ફિરદૌસને ડાબા હાથ પર ગોળી વાગી હોવાનું કહેવાય છે. જ્યારે ચૌહાણને છાતી પર ગોળી વાગી હતી.
ટાઈગર શ્રોફને પણ કારનો કાચ વાગતાં ઈજા થઈ હતી. બાદમાં ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફની ટીમ તરફથી ટાઈગર સંપૂર્ણ સલામત હોવાનું જણાવાયું હતું.
ઘટનાની જાણ થતાં જ ટોચના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ડઝનેક ટીમો રચીને સીસીટીવી ફૂટેજ ઉપરાંત ઠેર ઠેર નાકાબંધી કરી સમગ્ર શહેરની પોલીસને એલર્ટ કરી હુમલાખોરોની ભાળ મેળવવા પ્રયાસો શરુ કરાયા હતા. ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચી વાહનની તપાસ કરી હતી તથા ગોળીબારની વિગતો અંગે ચોક્કસ પુરાવા એકઠા કર્યા હતા.
બનાવના થોડા સમયમાં જ એક ઓડિયો સંદેશ સોશિયલ મીડિયા પર મૂકાયો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે ટાઈગર શ્રોફને અગાઉ પણ ધમકીઓ અપાઈ હતી. તેમ છતાં પણ તેણે અવગણના કરતાં આ હુમલો કરાયો છે. જોકે, પોલીસ આ પોસ્ટની સત્યતા ચકાસી રહી છે.
આ ઘટના બાદ તરત જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે વાત કરી હતી અને બનાવની માહિતી મેળવી આરોપીઓને પકડવા લેવાઈ રહેલાં પગલાંની વિગતો માગી હતી. સલમાન ખાન અને રોહિત શેટ્ટીને ત્યા ગોળીબાર તથા બાબા સિદ્દિકીની હત્યા બાદ વધુ એક બોલિવુડ હસ્તી પર ગોળીબાર થતાં મનોરંજન ઉદ્યોગમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

  • ટાઈગરને ફોન કર્યો હતો, સમજ્યો નહિ એટલે આ રીતે સમજણ આપી છે
    મુંબઈ : લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટાઈગર શ્રોફ પર ગોળીબારની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવમાં આવ્યો હતો કે ટાઈગર શ્રોફને આ પહેલાં પણ ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ''આજે ટાઈગર શ્રોફનું કામ થયું છે, આ ઘટનાની જવાબદારી અનિલ પંડિત અને હશ્મન સંધુ લે છ અમે તેને કોલ કરીને સમજાવ્યું હતું પણ તે સમજ્યો નહોતો, તેથી આજે હવે તેને વધુ સારી રીતે સમજણ આપી છે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે પણ અમારી વાત નહીં માને અથવા સલમાન સાથે કામ કરશે, હવે પછીનો નંબર તેનો હશે. વેઈટ અને વોચ જે અન્ય ગુ્રપના લોકો અમારા નામથી ફેમસ થવાનું વિચારે છે તેમને પણ જલદી મારીને ફેમસ કરશું.'' બીજી બાજુ ટાઈગર ગોળીબાર બાદ સ્વયં કાર ચલાવી ડ્રાઈવરને હોસ્પિટલમાં લઈ ગયો હતો.