VIDEO: પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા અરુણા ઈરાની, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી; બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuku Kohli Funeral: અજય દેવગનને 'ફૂલ ઔર કાંટે' ફિલ્મથી પહેલો બ્રેક આપનારા દિગ્ગજ ફિલ્મ નિર્માતા કુકુ કોહલીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મંગળવારે 25 ઓગસ્ટના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું છે. કુકુ કોહલીના અંતિમ સંસ્કાર 26 ઓગસ્ટ, બુધવારના રોજ મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે.
કુકુ કોહલીની અંતિમયાત્રા સવારે 10 વાગ્યે અંધેરી વેસ્ટ સ્થિત તેમના ગ્રીન એકર્સ ઘરેથી નીકળી હતી. તેમના પત્ની પીઢ અભિનેત્રી અરુણા ઇરાની સહિત કોહલી પરિવારના સભ્યો કુકુ કોહલીને અંતિમ વિદાય આપતી વેળાએ ભાંગી પડ્યા હતા. આ સ્થિતિમાં અરુણા ઇરાનીને પરિવારજનોએ ચાલવામાં ટેકો આપ્યો હતો. કુકુ કોહલીને અંતિમ વિદાય આપવા માટે બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. સ્મશાનગૃહમાં રોહિત શેટ્ટી, કેટરિના કૈફ, વિકી કૌશલ, શામ કૌશલ, અશોક પંડિત જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.
કોહલીના અંતિમ દિવસો
કોહલીને લથડતી તબિયતને પગલે 24 ઓગસ્ટ, સોમવારના રોજ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરુણા ઈરાનીના ભાઈ બલરાજ ઈરાનીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, ‘તેઓ (કુકુ) બિલકુલ સ્વસ્થ હતા અને આજે સાંજે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો હતો. તેઓ અમારી સાથે વાત કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. ત્યારે ડોકટરો દ્વારા તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા, તેમ છતાં તેમનો જીવ બચી શક્યો નહોતો અને સાંજે 5 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અજય દેવગને ગુરુને યાદ કર્યા
અજય દેવગન કુકુને તેમની પહેલી ફિલ્મના દિગ્દર્શક કરતાં ઘણું વધારે માનતા હતા. 1991માં તેમણે જ યુવા અભિનેતાને ‘ફૂલ ઔર કાંટે’થી મોટો બ્રેક આપ્યો હતો. અજય દેવગને સોશિયલ મીડિયામાં આ દિગ્દર્શકને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેમના પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો તે યાદ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘કેટલાક લોકો તમારા જીવનનો માર્ગ હંમેશા માટે બદલી નાંખે છે. કુકુજી મારા માટે તે લોકોમાંથી એક હતા. મારા પર વિશ્વાસ મૂકવા માટે હંમેશા આભારી છું. કુકુજી, તમારી ખૂબ જ યાદ આવશે. ઓમ શાંતિ.’
90ના દાયકાના બોલિવૂડના ફિલ્મ નિર્માતા
અવતાર કોહલી તરીકે જન્મેલા કુકુ કોહલીએ કારકિર્દીની શરૂઆત સહાયક દિગ્દર્શક તરીકે કરી હતી. તેઓ રાજ કપૂરની 1971ની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં સહાયક હતા અને પછી દિગ્દર્શનમાં જોડાયા હતા. 1991માં ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મથી તેમનું દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ થયું. આ ફિલ્મમાં અજય દેવગન, મધુ, અમરીશ પુરી, અરુણા ઈરાની અને જગદીપે અભિનય કર્યો હતો અને તે ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.
કોહલીએ તે જ વર્ષે કોહરામ સાથે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને 1994માં તેમણે ‘સુહાગ’નું દિગ્દર્શન કર્યું હતું. જેમાં ફરી અજય દેવગન, અક્ષય કુમાર, કરિશ્મા કપૂર અને નગ્માએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ અજય દેવગન અને કુમારની જોડીના કારણે સફળ રહી હતી. તેમની છેલ્લી દિગ્દર્શક ફિલ્મ ‘વો તેરા નામ થા’ હતી, જે 2004માં રિલીઝ થઈ હતી. કુકુના પરિવારમાં તેમની પત્ની, અભિનેત્રી અરુણા ઈરાની છે. તેમની પહેલી પત્ની રીટા કોહલીથી તેમને બે બાળકો પૂજા અને કરિશ્મા પણ છે.




