Entertainment

‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું...’ પદ્મ ભૂષણ મળ્યા બાદ અલકા યાજ્ઞિક ભાવુક

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
સંગીત જગતની સુપ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિકને કળાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા પ્રતિષ્ઠિત 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા છે. મંગળવારે, 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કુલ 65 હસ્તીઓને સન્માનિત કર્યા હતા, જેમાં અલકા યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર છેલ્લા લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર રહેલી ગાયિકાએ આ સન્માન સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની તબિયત વિશે મોટો ખુલાસો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું...’ પદ્મ ભૂષણ મળ્યા બાદ અલકા યાજ્ઞિક ભાવુક

Alka Yagnik Health Update: સંગીત જગતની સુપ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિકને કળાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા પ્રતિષ્ઠિત 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા છે. મંગળવારે, 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કુલ 65 હસ્તીઓને સન્માનિત કર્યા હતા, જેમાં અલકા યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર છેલ્લા લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર રહેલી ગાયિકાએ આ સન્માન સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની તબિયત વિશે મોટો ખુલાસો કર્યો છે.

મંચ પર ચડવા માટે લેવી પડી મદદ, વીડિયો જોઈ ચાહકો ચિંતિત

રાષ્ટ્રપતિ ભવનથી સામે આવેલા એક વીડિયોમાં 60 વર્ષની ગાયિકા અલકા યાજ્ઞિક એક વ્યક્તિની મદદ લઈને મંચ તરફ આગળ વધતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેમના કરોડો ચાહકો તેમની તબિયતને લઈને ચિંતિત થઈ ગયા હતા. ત્યારબાદ અલકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોની ચિંતાનો જવાબ આપ્યો હતો અને પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું અલકા યાજ્ઞિકે?

પોતાના દિલની વાત શેર કરતા અલકા યાજ્ઞિકે લખ્યું કે, “છેલ્લા 2 વર્ષથી હું જાહેર જીવન અને સમાચારોની દુનિયાથી દૂર છું. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાથી અને પોતાની સફર શેર કરવાથી પણ મેં અંતર જાળવ્યું છે. તમારામાંથી ઘણા લોકો જાણે છે કે હું એક મુશ્કેલ હેલ્થ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી હતી. આ સમગ્ર મુશ્કેલ સમયગાળા દરમિયાન તમારો પ્રેમ, પ્રાર્થનાઓ, સંદેશાઓ અને અડગ સમર્થન મારા દરેક પગલે મારી સાથે રહ્યા છે.”

તેમણે આગળ ઉમેર્યું, “આજે જ્યારે હું આ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ સન્માન સ્વીકારવા આવી છું, ત્યારે મારું હૃદય આભારની લાગણીથી ભરાઈ ગયું છે. ભલે આ ટ્રોફી પર મારું નામ લખાયેલું હોય, પરંતુ તે એટલું જ મારા દરેક શ્રોતાનું પણ છે, જેમણે પોતાની જિંદગીમાં મારી અવાજને સ્થાન આપ્યું અને મારા ગીતોને પેઢી દર પેઢી સુધી પહોંચાડ્યા.”

આ પણ વાંચો: નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી અભિનેત્રી! ડાયરેક્ટરની હેરાનગતિના કારણે ફિલ્મ છોડી

'હું ધીમે-ધીમે ફરી પગભર થઈ રહી છું'

પોતાની રિકવરી વિશે વાત કરતા અલકા યાજ્ઞિકે લખ્યું કે, “આ ક્ષણ માત્ર મારા કામની કદર નથી, પરંતુ પ્રેમ અને હિંમતમાંથી મળતી શક્તિની યાદ અપાવનારી ક્ષણ પણ છે. હું ધીમે-ધીમે ફરીથી પોતાના પગ પર ઊભી થઈ રહી છું અને આજે અહીં હાજર રહેવા માંગતી હતી. હું ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમણે મને આ અસાધારણ સન્માન આપ્યું છે.”

પોસ્ટના અંતમાં તેમણે તમામ ચાહકોનો આભાર માનતા લખ્યું કે, “આજે મેં માત્ર એક પુરસ્કાર સ્વીકાર્યો નથી, પરંતુ લાખો લોકોનો અદભુત પ્રેમ પણ અનુભવ્યો છે.”