પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'ના સેટ પર અભિનેતા રાજેશ શર્માને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actor Rajesh Sharma Hospitalized : બોલિવૂડ અને બંગાળી ફિલ્મોના જાણીતા સહ-અભિનેતા રાજેશ શર્મા હાલમાં પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. એક ફિલ્મના શૂટિંગ સેટ પર તેમને કોઈ ઝેરી કીડાએ ડંખ માર્યો છે, જેના કારણે તેમની તબિયત સતત બગડતી ગઈ હતી. હાલતમાં સુધારો ન થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
બંગાળી અભિનેત્રી સુદીપા ચેટર્જીએ 8 જુલાઈએ એક પ્રેસ નોટ જાહેર કરીને, આ દુર્ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજેશ શર્મા હૈદરાબાદમાં પ્રભાસની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન શૂટિંગ સેટ પર જ એક કીડાએ તેમના પગમાં બચકું ભરી લીધું હતું, જેનું ઝેર ધીમે-ધીમે તેમના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું.
શૂટિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
સુદીપાએ લખ્યું કે, પ્રખ્યાત અભિનેતા રાજેશ શર્માની ફિલ્મ 'રામોજી ફિલ્મ સિટી'માં શૂટ થઈ રહી હતી, ત્યારે કોઈ ઝેરી કીડા અથવા કરોળિયાએ ડંખ માર્યો હતો. શૂટિંગ પૂરું થયા પછી રાજેશ શર્મા ત્યાં હાજર સ્થાનિક ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે જગ્યાની આસપાસ ખૂબ જ ગીચ ઝાડીઓ આવેલી હતી, જ્યાં આ ઘટના બની હતી. શરૂઆતમાં આ બાબત બહુ ગંભીર ન લાગતા તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જરૂરી માન્યું ન હતું.
પરંતુ, આશરે 6 કલાક પછી તેમના જમણા પગમાં અસહ્ય દુખાવો શરૂ થયો, અને તબિયત લથડવા લાગી. આમ છતાં તેઓ કોલકાતા જતી ફ્લાઈટમાં સવાર થઈ ગયા હતા. મુસાફરી દરમિયાન જ તેમને જોરદાર તાવ આવી ગયો, અને બેચેની વધવા લાગી. બીજા દિવસે તેમને કોલકાતાની મણિપાલ હોસ્પિટલ (ઢાકુરિયા)માં દાખલ કરવામાં આવ્યા. અત્યારે 1 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેમને સતત તાવ આવી રહ્યો છે, અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમના જમણા પગમાં ઈન્ફેક્શન (ચેપ) ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો છે, જે આંગળીઓથી લઈને ઘૂંટણ સુધી પહોંચી ગયો છે, અને પગ પર મોટા-મોટા ફોલ્લા પડી ગયા છે.
રાજેશ શર્માની સ્થિતિ નાજૂક
સુદીપાના જણાવ્યા અનુસાર, રાજેશ શર્માની તબિયત અંગે હાલ ડોક્ટરો પણ ચોક્કસ કશું કહી શકતા નથી. તેઓ અભિનેતાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, અને અત્યારે તેમને જોખમથી બહાર કહી શકાય તેમ નથી. ડોક્ટરોને એ વાતની ચિંતા છે કે, જો ઈન્ફેક્શન વધુ ફેલાશે તો લોહી ગંઠાઈ જવાનો (બ્લડ ક્લોટ) ખતરો વધી શકે છે, અને જો આ ક્લોટ ફેફસાં સુધી પહોંચી જાય તો, સ્થિતિ જીવલેણ બની શકે છે. હોસ્પિટલ તરફથી 9 જુલાઈએ તેમની તબિયત અંગે સત્તાવાર મેડિકલ અપડેટ જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પ્રભાસ હાલમાં હૈદરાબાદમાં પોતાની ફિલ્મ 'સ્પિરિટ'નું શૂટિંગ કરી રહ્યા છે, જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે, અને રાજેશ શર્મા પણ આ ફિલ્મનો એક મહત્વનો હિસ્સો છે.









