શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનો અભિનેતા ડ્રગ્સ કેસમાં ઝડપાયો, મુંબઈના કાશીમીરામાંથી 2ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bollywood Drugs Connection Rohullah Mehdi: મુંબઈના મીરા રોડના કાશીમીરા વિસ્તારમાંથી ડ્રગ્સ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા' માં કામ કરી ચૂકેલો અભિનેતા રૂહુલ્લાહ મેહદી પણ સામેલ છે. કાશીમીરા પોલીસે NDPS કેસમાં મોટી કાર્યવાહી કરીને 28 ગ્રામ MD ડ્રગ્સ અને આશરે ₹5.60 લાખની કિંમતના માદક પદાર્થો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસની FIRમાં મોડેલ અને એક્ટર રૂહુલ્લાહ મેહદી ડાર ઉર્ફે રોહૂનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે.
શાહિદની ફિલ્મ 'દેવા' ના એક્ટરની ધરપકડ
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્નેપચેટ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ દ્વારા MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. પોલીસે બનાવટી ગ્રાહક બનીને આરોપીઓને પકડવા માટે જાળ બિછાવી હતી. દહીસર ચેક નાકા પાસે ઠાકુર મોલ નજીક કાસિફ નામના વ્યક્તિને ડ્રગ્સની ડિલિવરી માટે બોલાવીને અટકાયતમાં લેવાયો હતો. કાસિફની પૂછપરછ દરમિયાન રૂહુલ્લાહ મેહદીનું નામ સામે આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મલાડ સ્થિત એક સ્ટુડિયો બહાર શૂટિંગ દરમિયાન રૂહુલ્લાહ મેહદીની અટકાયત કરી હતી. મૂળ જમ્મુ-કાશ્મીરના બડગામનો રહેવાસી અને હાલ ગોરેગાંવમાં રહેતો રૂહુલ્લાહ શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા' ઉપરાંત કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો છે.
પાંચ દિવસના પોલીસ રિમાન્ડ
કોર્ટે આરોપી રૂહુલ્લાહ મેહદીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, તેણે અત્યાર સુધી કોને કોને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું, અને શું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય લોકો સુધી પણ ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું હતું કે નહીં.









