Entertainment

આમિર ખાનના સાવકા ભાઈની હાલત દયનીય, ચૉલમાં રહેવા મજબૂર; ખાવાના પણ ફાંફા હોવાનો પૂર્વ પત્નીનો ખુલાસો

By GS Team
24 Jul 20264 mins read
TukuTouch Logo
ટીવી અભિનેત્રી ઈવા ગ્રોવરે આમિર ખાનના સાવકા ભાઈ હૈદર અલી ખાન સાથેના લગ્નજીવનના ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણીએ જણાવ્યું કે લગ્નના 3 દિવસ પછી જ ઘરેલું હિંસા શરૂ થઈ હતી. હૈદર સિઝોફ્રેનિયાથી પીડાતો હતો અને દારૂનો વ્યસની હતો. 5 વર્ષ બાદ છૂટાછેડા થયા અને પુત્રીની કસ્ટડી ગુમાવી. આજે હૈદર ગરીબીમાં જીવે છે. આમિર ખાન આ પરિવારથી દૂર રહેતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

આમિર ખાનના સાવકા ભાઈની હાલત દયનીય, ચૉલમાં રહેવા મજબૂર; ખાવાના પણ ફાંફા હોવાનો પૂર્વ પત્નીનો ખુલાસો

Dark Reality Beyond Stardom: મનોરંજન જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. 'કરિશ્મા કા કરિશ્મા', 'કોરા કાગઝ' અને 'સપના બાબુલ કા… બિદાઈ' જેવી જાણીતી ટેલિવિઝન સીરિયલ્સની અભિનેત્રી ઈવા ગ્રોવરે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના ભૂતકાળ અને અંગત જીવનના સૌથી અંધકારમય પ્રકરણ પરથી પડદો હટાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં ઈવાએ બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાનના સાવકા ભાઈ હૈદર અલી ખાન સાથેના પોતાના લગ્નજીવનના કડવા અનુભવો, ઘરેલું હિંસા અને પુત્રીની કસ્ટડી ગુમાવવા અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સાથે જ તેણે જણાવ્યું કે આજે હૈદર અલી ખાન અત્યંત ગરીબીની હાલતમાં જીવી રહ્યો છે અને તેની પાસે ખાવાના પણ ફાંફા છે.

ઈવા ગ્રોવરે ખુલાસો કર્યો કે તે હૈદર અલી ખાન સાથે ભાગી ગઈ હતી કારણ કે તેમનો સંબંધ આંતરધર્મીય હતો. માત્ર 19 દિવસની મુલાકાત બાદ હૈદરે તેને પ્રપોઝ કર્યું હતું અને બંનેએ લગ્ન કરી લીધા હતા.

"લગ્નના ત્રીજા જ દિવસે હૈદરે મારપીટ શરૂ કરી"

અભિનેત્રીના જણાવ્યા અનુસાર, હૈદર અલી ખાન સિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડિત હતો, પરંતુ લગ્ન પહેલાં તે આ સ્થિતિથી બિલકુલ અજાણ હતી. ઈવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે,

"લગ્નના માત્ર ત્રીજા જ દિવસે મેં પ્રથમ વખત હૈદરનું હિંસક સ્વરૂપ જોયું. લગ્ન પહેલાંના 18 દિવસમાં મેં માત્ર તેનો સારો સ્વભાવ જ જોયો હતો, પરંતુ લગ્નના ત્રીજા દિવસે એક અંગત ક્ષણ દરમિયાન તેણે મને માર મારવાનું શરૂ કર્યું."

ઈવાએ ઉમેર્યું કે હૈદરની માનસિક સ્થિતિ, અતિશય દારૂ પીવાની આદત અને એક્ટિંગ કરિયર બનાવવા માટે નોકરી છોડ્યા બાદ વધેલી નિરાશાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. તે ખૂબ જ શંકાશીલ બની ગયો હતો અને ઈવા ડ્રાઈવર સાથે બેઠી છે તેવા કાલ્પનિક અને ખોટા આરોપો લગાવતો હતો. સવારથી સાંજ સુધી તે દારૂના નશામાં ધૂત રહેતો હતો. હૈદરના માતા-પિતા પણ રડીને તેને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તેનું હિંસક વર્તન બંધ થયું નહોતું.

પુત્રીના જન્મ બાદ છૂટાછેડા અને 10 વર્ષ સુધી વિરહ

ઈવા ગ્રોવરે આ નરક સમાન લગ્નજીવનને બચાવવા માટે 5 વર્ષ સુધી અથાગ પ્રયાસો કર્યા હતા. તેને આશા હતી કે બાળકના જન્મ પછી બધું ઠીક થઈ જશે, પરંતુ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. પુત્રીના જન્મની સાથે જ છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ અને ઈવાને તેના માસૂમ બાળક સાથે પિયર મોકલી દેવામાં આવી. શૂટિંગ યુનિટના સભ્યો અને સંબંધીઓએ ઈવાના શરીર પરના ઈજાના નિશાનો જોઈને તેની માતાને સમજાવી કે જો તે ત્યાં રહેશે તો જીવતી નહીં બચે, ત્યારબાદ અંતે બંનેના ડિવોર્સ થયા હતા.

જોકે દુઃખનો પહાડ અહીં જ ન તૂટ્યો. જ્યારે ઈવાની પુત્રી 3 વર્ષની થઈ, ત્યારે પારિવારિક વિખવાદ અને કોઈના સપોર્ટ વિના કાનૂની ગૂંચવણોના કારણે પુત્રીની કાયમી કસ્ટડી હૈદરના પરિવારને સોંપી દેવામાં આવી. ઈવાએ પોતાની પુત્રીને આગામી 10 વર્ષ સુધી જોઈ પણ નહોતી. જોકે, તે દર મહિને બાળકીના શિક્ષણ માટે ગુપ્ત રીતે પૈસા મોકલતી હતી. હવે તેની પુત્રી 19 વર્ષની થઈ ગઈ છે અને તે અઠવાડિયામાં એક કે બે વાર ઈવાને મળવા આવે છે.

આમિર ખાન સાથેના સંબંધો અંગે મોટો ખુલાસો

ઈન્ટરવ્યુ દરમિયાન ઈવાએ આમિર ખાન અને હૈદરના પરિવાર વચ્ચેના સંબંધો પર પણ મોટો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું કે હૈદર અને તેની બહેન આમિર ખાનના પિતા તાહિર હુસૈનના સગા સંતાનો નહોતા, પરંતુ તેમની બીજી પત્ની શહનાઝ ખાનના અગાઉના લગ્નથી થયેલા સંતાનો હતા. આમિર ખાન આ પરિવારથી હંમેશા અંતર જાળવી રાખવાનું પસંદ કરતા હતા.

જ્યારે તાહિર હુસૈન પોતાના અંતિમ દિવસોમાં હતા, ત્યારે આમિર ખાન તેમને સંભાળ માટે પુણે લઈ ગયા હતા અને હૈદરની માતાને તેમને મળવા દેવામાં આવ્યા નહોતા. આ આઘાતમાં હૈદરની માતાએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને બાદમાં બ્રેઈન હેમરેજ થવાને કારણે તેમનું અવસાન થયું હતું.

"આજે ચૉલમાં રહે છે, ખાવાના પણ ફાંફા છે"

પોતાની સાથે થયેલા તમામ અત્યાચારો છતાં ઈવા ગ્રોવરે માનવતાના ધોરણે હૈદર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે

‘આજે હૈદર અલી ખાન અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે. તેની પાસે પોતાનું કોઈ ઘર નથી. ક્યારેક કોઈ તેને ચૉલમાં રહેવા દે છે, તો ક્યારેક કોઈ મિત્ર તેની મદદ કરે છે. તેની આસપાસ એવા લોકો છે જે તેને સતત દારૂ પીવડાવે છે, પરંતુ તેની સંભાળ રાખનારું કોઈ નથી. ગમે તે થયું હોય, પરંતુ માનવતાના દૃષ્ટિકોણથી તે ક્યારેક મારો પતિ હતો. હું માત્ર ભગવાનને પ્રાર્થના કરું છું કે તેને શાંતિ મળે, તેણે ઘણું સહન કર્યું છે.’