'તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે...', દેવાદાર અભિનેતાની પત્ની માટે ઇમોશનલ પોસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajpal Yadav's Birthday Post for Wife: બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ હાલમાં ફિલ્મો કરતાં ચેક બાઉન્સ કેસને લઈને વધુ ચર્ચામાં છે. એક તરફ તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે કે, 14 વર્ષ બાદ તેમને પક્ષ રજૂ કરવાની તક મળી, તો બીજી તરફ ₹22 કરોડના નવા દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન 55 વર્ષના રાજપાલ યાદવે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને પત્ની રાધાનો આભાર માન્યો છે.
પત્નીને પરિવારનો ‘હીરો’ ગણાવતાં ‘ભૂલભૂલૈયા’ના અભિનેતાએ કહ્યું કે, તેઓ ભાગ્યશાળી છે કે તેમના જીવનમાં રાધા જેવી વ્યક્તિ આવી, જેણે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ તેમનો સાથ છોડ્યો નથી.
શનિવારે રાધાનો જન્મદિવસ હતો. આ પ્રસંગે રાજપાલ યાદવે પત્ની સાથેની એક સુંદર તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં રાધા હંમેશાં તેમની સાથે ખડકની જેમ અડીખમ ઊભી રહી છે.
રાજપાલ યાદવનો ચેક બાઉન્સ કેસ મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલો મધ્યસ્થી માટે મોકલ્યો છે. આ સાથે જ યોગ્ય શરતોને આધીન રાજપાલ યાદવને પાસપોર્ટ જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
રાજપાલ યાદવે લખ્યું- મારા જીવનમાં તમારું સૌથી મોટું ઋણ છે
રાજપાલ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પત્ની માટેની પોસ્ટમાં લખ્યું કે, ‘માતાપિતા, ગુરુ (દદ્દા), મારી અંદરના મનોરંજન કુમાર (MRK) અને પરમપિતા પરમેશ્વર, પરમાત્મારૂપી બ્રહ્માંડ પછી જો મારા જીવનમાં કોઈનું સૌથી મોટું ઋણ હોય, તો તે મારી પ્રિય રાધાનું છે. આ ઋણ હું હૃદયપૂર્વક અને ખુશીથી હંમેશાં માટે સ્વીકારું છું. મને એ વાતનો ગર્વ પણ છે કે તું મારા જીવનમાં આવી. જીવનની ભાગદોડના દરેક વળાંક પર અને દરેક મુશ્કેલ ઘડીમાં તે ધીરજ જાળવીને મારો સાથ ક્યારેય છોડ્યો નથી.’
‘મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ…’
રાજપાલ યાદવે આગળ લખ્યું કે, ‘મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ તે મારા બાળકોને સારી રીતે ભણાવ્યાં અને તેમને જીવનના પાઠ શીખવ્યા. આ મારું સપનું હતું, પરંતુ તેં તેને પૂરું કર્યું. આજ સુધી તે મારી પાસે કંઈ માગ્યું નથી. તેના બદલે તે મારા અને મારા પરિવારની ખુશીઓ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.’
રાજપાલ યાદવે કહ્યું- મારી જાન રાધા, તું હીરો છે!
પોસ્ટના અંતમાં પત્નીની પ્રશંસા કરતાં રાજપાલ યાદવે લખ્યું કે, ‘સાચે જ, તું આપણા પરિવારનો એક હીરો છે. આ બધાં માટે હું જીવનભર તારો આભારી હતો, આજે પણ છું અને હંમેશાં રહીશ. મારી સ્વીટહાર્ટ, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ, મારી જાન રાધા!’
રાજપાલ યાદવની બીજી પત્ની છે રાધા યાદવ
રાજપાલ યાદવના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્ની કરુણાનું બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ દુર્ભાગ્યવશ નિધન થયું હતું. પહેલી પત્નીથી તેમને જ્યોતિ નામની એક દીકરી છે. ત્યારબાદ રાજપાલ યાદવે વર્ષ 2003માં રાધા સાથે લગ્ન કર્યાં હતા. આ દંપતીને હર્ષિતા અને રેહાંશી નામની બે દીકરીઓ છે.
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો
આ દરમિયાન ANI સાથે વાત કરતા રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, અદાલતે તેમને પક્ષ રજૂ કરવાની તક આપી છે અને તેઓ કોર્ટના આદેશોનું પાલન કરશે. અભિનેતાએ કહ્યું કે,‘સૌથી પહેલાં હું માનનીય સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર માનવા માગું છું કે તેમણે 14 વર્ષમાં પહેલીવાર મને મારો પક્ષ રજૂ કરવાની તક આપી. સુપ્રીમ કોર્ટ જે પણ આદેશ આપશે, તેનું હું દરેક સંજોગોમાં પાલન કરીશ.’




