'દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?': સિંગર મિકા સિંહના નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mika Singh Pakistan statement: પ્રખ્યાત સિંગર મિકા સિંહે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો, ત્યાંના લોકો અને શીખ ધર્મસ્થળોની મુલાકાતો અંગે ખુલીને વાત કરી છે. પાકિસ્તાની મુસ્લિમો અને દુબઈના મુસ્લિમો પ્રત્યે લોકોના અલગ-અલગ દ્રષ્ટિકોણ પર તેણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન 50 વર્ષીય સિંગરએ પાકિસ્તાન પ્રત્યેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
મિકા સિંહે પાકિસ્તાની અને દુબઈના મુસ્લિમોની સરખામણી કરી
પાકિસ્તાનની મુલાકાતને યાદ કરતા મિકાએ જણાવ્યું હતું કે, 'ત્યાંના મુસ્લિમોએ ગુરુદ્વારાઓની સંભાળ રાખવામાં અને સેવા કરવામાં ખૂબ જ મદદ કરી હતી. એવામાં મને પ્રશ્ન થાય કે લોકો પાકિસ્તાની મુસ્લિમોથી કેમ અકળાય છે, જ્યારે દુબઈના મુસ્લિમો તેમને ખૂબ ગમે છે.'
મિકાએ કહ્યું, 'પાકિસ્તાન ખરાબ નથી, પાકિસ્તાનના લોકો ક્યાંયથી ખરાબ નથી. ખબર નહીં કેમ આપણને પાકિસ્તાનના જ મુસ્લિમો ખરાબ લાગે છે, પરંતુ દુબઈના મુસ્લિમો બહુ સારા લાગે છે. આ વાત મને આજ સુધી સમજાઈ નથી. પાકિસ્તાન અને ત્યાંના લોકો સ્વભાવગત ખરાબ નથી.'
પાકિસ્તાની કલાકારો અને ભારતીય કલાકારોના પ્રવાસ પર મત
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા અંગે મિકાએ સ્પષ્ટ કહ્યું કે, 'મને પાકિસ્તાની સિંગર્સ સામે કોઈ વાંધો નથી. જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે બોલિવૂડ અને દરેક વ્યક્તિ તેમનું સ્વાગત કરે છે.'
કલાકારોના પાકિસ્તાન પ્રવાસ અંગે વાત કરતા તેણે કહ્યું કે, 'જો કોઈ કલાકાર ખાનગી કાર્યક્રમ કરવા માટે પાકિસ્તાન જાય, પૈસા કમાઈને ભારત પાછો આવે તો તેમાં કંઈ ખોટું નથી. આ બાબત છુપાઈને નથી થતી, વ્યક્તિ ફ્લાઈટ દ્વારા ખુલ્લેઆમ જાય છે અને આખી દુનિયા તેને જુએ છે.'
શીખ ધર્મસ્થળો સાથે જોડાયેલી ભાવનાત્મક યાદો
મિકા સિંહે જણાવ્યું કે, પાકિસ્તાન સાથે મારો એક અલગ જ અંગત સંબંધ અને લગાવ છે કારણ કે ત્યાં મહત્ત્વપૂર્ણ શીખ ધર્મસ્થળો આવેલા છે.' નાનક સાહિબ અને પંજા સાહિબનો ઉલ્લેખ કરતા સિંગરે કહ્યું કે, 'જ્યારે મને ત્યાં પરફોર્મન્સ કરવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મને એવું લાગ્યું કે જાણે મને ત્યાં 'બોલાવવામાં' આવ્યો છે. મારા માટે આ માત્ર પૈસાનો મામલો નથી, પરંતુ ગુરુદ્વારાના દર્શન કરવા એ મારી પ્રાથમિકતા હતી.'
2019ના વિવાદ અને પ્રતિબંધ પર પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2019માં કરાચી (પાકિસ્તાન) ખાતે એક પ્રી-વેડિંગ ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા બદલ મિકા સિંહ પર ભારતીય ફિલ્મ ઉદ્યોગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ બાદ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસિસોએશન (AICWA) અને FWICE દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી મિકા સિંહે માફી માંગી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તે કાર્યક્રમ અગાઉથી નક્કી કરાયેલ પ્રોફેશનલ વચન હતું. તેની માફી બાદ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને તેણે ફરી કામ શરૂ કર્યું હતું.




