Entertainment

'16 કલાક કામ કરાવ્યું, પૈસા માંગ્યા તો ગાળો આપી..', લાપતા લેડિઝના સ્ટ્રગલિંગ અભિનેતાએ નોંધાવી FIR

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
'લાપતા લેડીઝ' ફેમ એક્ટર સતેન્દ્ર સોનીએ ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને એક્ટ્રેસ પ્રગતિ ચૌહાણ વિરુદ્ધ ઝીરો FIR નોંધાવી છે. સતેન્દ્રએ દંપતી પર પૈસા ન આપવા, મારપીટ, ધમકી, ગેરકાયદેસર બાનમાં રાખવા અને અપમાનિત કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટના આગામી ફિલ્મ 'પેડ પાલકી'ના શૂટિંગ દરમિયાન મધ્યપ્રદેશમાં બની હતી. સતેન્દ્રનો દાવો છે કે તેમને 3 લાખ રૂપિયા ફી નક્કી થઈ હતી, પરંતુ શૂટિંગ દરમિયાન તેમની શારીરિક રચનાની મજાક ઉડાવવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'16 કલાક કામ કરાવ્યું, પૈસા માંગ્યા તો ગાળો આપી..', લાપતા લેડિઝના સ્ટ્રગલિંગ અભિનેતાએ નોંધાવી FIR
IMAGE - instagram/satendrassoni/

Satendra Sony: ફિલ્મ 'લાપતા લેડીઝ'માં પોતાના અભિનયથી જાણીતા બનેલા એક્ટર સતેન્દ્ર સોનીએ ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને તેમની પત્ની તથા એક્ટ્રેસ પ્રગતિ ચૌહાણ વિરુદ્ધ ઝીરો FIR નોંધાવી છે. એક્ટરે આ દંપતી પર બાકી નાણાં ન આપવા, મારપીટ કરવી, ધમકી આપવી, ગેરકાયદેસર રીતે બાનમાં રાખવા અને અપમાનિત કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ સમગ્ર ઘટના તેમની આગામી ફિલ્મ 'પેડ પાલકી'ના શૂટિંગ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.

3 લાખ રૂપિયામાં નક્કી થઈ હતી ફી

સતેન્દ્ર સોનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ એક સ્ટ્રગલિંગ એક્ટર છે અને એક્ટિંગ જ તેમની કમાણીનું એકમાત્ર સાધન છે. તેમણે પોતાને શારીરિક વામનતા(dwarfism) હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આશરે દોઢ વર્ષ પહેલાં તેમની મુલાકાત ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ સાથે થઈ હતી. ત્યારબાદ એપ્રિલ 2026માં તેમને 'પેડ પાલકી' ફિલ્મ માટે રોલ ફાઇનલ કરીને દરરોજના 30 હજાર રૂપિયા લેખે કુલ 3 લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી. તેમને 50 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીના નાણાં શૂટિંગ દરમિયાન હપ્તામાં આપવાનું વચન અપાયું હતું, પરંતુ મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ થતાં જ સ્થિતિ બદલાઈ ગઈ હતી.

શૂટિંગ સેટ પર ગેરવ્યવસ્થા અને શારીરિક રચનાની મજાક

એક્ટરે આક્ષેપ કર્યો છે કે શૂટિંગ લોકેશન પર ભારે ગેરવ્યવસ્થા હતી. કલાકારો માટે શરૂઆતમાં વેનિટી વેન નહોતી, સાફ-સફાઈની યોગ્ય સુવિધા નહોતી અને વાસી ખોરાક પીરસવામાં આવતો હતો. આ ઉપરાંત, શૂટિંગ દરમિયાન તેમની શારીરિક રચના અને નાના કદની મજાક ઉડાવવામાં આવી હતી. સ્થાનિક લોકો તેમની પરવાનગી વગર તેમને ઊંચકીને ફોટા પાડતા હતા અને પ્રોડક્શન ટીમે તેમની સુરક્ષા અંગે કોઈ ધ્યાન આપ્યું નહોતું. જ્યારે તેમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો ત્યારે ડાયરેક્ટરની પત્ની પ્રગતિ ચૌહાણે તેમને ગાળો આપીને અપમાનિત કર્યા હતા.

પેનિક અટેક, 16 કલાક કામ અને જાનથી મારી નાખવાની ધમકી

સતેન્દ્રનો દાવો છે કે આ સતત માનસિક ત્રાસને કારણે તેમને પેનિક અટેક આવ્યો હતો. શૂટિંગ લોકેશન પર કોઈ તબીબી સુવિધા નહોતી અને 16 કલાક કામ કરાવવા છતાં ખાવામાં માત્ર એક સમોસું આપવામાં આવ્યું હતું. જ્યારે તેમણે અને ફિલ્મના લીડ એક્ટર શ્રીધર દુબેએ પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ડાયરેક્ટરે આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં નામ લખી દેવાની અને તેમની પત્નીએ ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે.

પોલીસે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો, મુંબઈ આવીને નોંધાવી FIR

ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટર્સે પોતાની બાકી નીકળતી ફી ચૂકવવાની માંગ કરી હતી, પરંતુ કોઈ સહમતી સધી શકાઈ નહોતી. આખરે પોલીસ સુરક્ષા વચ્ચે સતેન્દ્ર સોની અને અન્ય કલાકારો મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ પહોંચીને સતેન્દ્રએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ઝીરો FIR નોંધાવી છે. હાલમાં આ મામલે એક્ટરના આરોપો જ સામે આવ્યા છે, જ્યારે ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને પ્રગતિ ચૌહાણ પક્ષ તરફથી સ્પષ્ટતા આવવાની બાકી છે.