16 વર્ષથી દર્શકોને ડરાવતી હોરર ફિલ્મના છઠ્ઠા પાર્ટનું ટ્રેલર રિલીઝ, 7000 કરોડની કરી છે કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Insidious 6 Trailer: હોલિવૂડની સૌથી લોકપ્રિય અને ડરામણી હોરર ફ્રેન્ચાઇઝી 'ઇન્સિડિયસ'ની છઠ્ઠી સિક્વલ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. સોની પિક્ચર્સે 'ઇન્સિડિયસ: આઉટ ઓફ ધ ફર્ધર'નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાક્ષસો અને આત્માઓ અંધારી દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં પગ મૂકે છે. આ ફિલ્મ 21 ઓગસ્ટના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે અને તેની એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
બ્લુમહાઉસ અને એટોમિક મોન્સ્ટરના કો-પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી 'જેમ્મા' નામના પાત્રની આસપાસ ફરે છે, જે રોલ અભિનેત્રી અમેલિયા ઇવે નિભાવ્યો છે. જેમ્મા તેની પુત્રી સાથે તે જ ઘરમાં રહે છે જ્યાં તેનું બાળપણ વિત્યું હતું. એક દિવસ તેને ખબર પડે છે કે તે 'ધ ફર્ધર' નામની એક રહસ્યમય દુનિયામાં જઈ શકે છે, જે આત્માઓ અને રાક્ષસોનું ઘર છે. તેનામાં એ શક્તિ પણ છે કે તે ત્યાંથી આત્માઓને આપણી વાસ્તવિક દુનિયામાં લાવી શકે છે. જ્યારે રાક્ષસોને આ શક્તિની જાણ થાય છે, ત્યારે આખી દુનિયા તેમના માટે એક ખતરનાક રમતનું મેદાન બની જાય છે.
સ્ટાર કાસ્ટ અને ડાયરેક્શન
આ ફિલ્મમાં 'ઇન્સિડિયસ' સીરીઝની સૌથી લોકપ્રિય કેરેક્ટર 'એલિસ રેનિયર'ના રોલમાં ફરી એકવાર લિન શે જોવા મળશે, જે આત્માઓ સામે લડતી સ્પેશાલિસ્ટ તરીકે જાણીતી છે. આ ઉપરાંત બ્રેન્ડન પેરિયા, મેજી રિચર્ડસન-સેલર્સ, સેમ સ્પ્રુએલ અને લોરા ગોર્ડન જેવા કલાકારો પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન અને સ્ક્રિપ્ટ જેકોબ ચેસે તૈયાર કરી છે, જ્યારે જેસન બ્લુમ, ઓરેન પેલી, જેબ્સ વાન અને લી વ્હેનલ તેના પ્રોડ્યુસર્સ છે.
બોક્સ ઓફિસ પર મજબૂત ટ્રેક રેકોર્ડ
'ઇન્સિડિયસ' ફ્રેન્ચાઇઝી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 74 કરોડ ડૉલર (આશરે ₹7000 કરોડ)થી વધુની કમાણી કરી ચૂકી છે. વર્ષ 2010માં શરૂ થયેલી આ સીરીઝની અગાઉની પાંચેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ભારે સફળ રહી હતી. આ નવી ફિલ્મમાં કહાનીને એક નવો વળાંક આપવામાં આવ્યો છે, જ્યાં ભૂત-પ્રેત માત્ર ઘર પૂરતા સીમિત ન રહેતા સીધા માનવ જગતમાં ઘૂસણખોરી કરે છે. જો તમે હોરર ફિલ્મોના શોખીન હોવ, તો 21 ઓગસ્ટે સિનેમાઘરોમાં આ થ્રિલર અનુભવ તમારા માટે તૈયાર છે.









