Education

વિદેશમાં ભણવાનો મોકો, બ્રિટનમાં સ્કોલરશિપ માટે અરજીઓ મગાવાઈ, તમે એપ્લાય કર્યું?

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
બ્રિટન સરકારે Chevening Scholarship 2027-28 માટે અરજીઓ શરૂ કરી છે. ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ બ્રિટનની યુનિવર્સિટીમાંથી 1 વર્ષનો ફૂલી ફંડેડ માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ કરી શકશે. અરજદારે ભારતનો નાગરિક હોવો જરૂરી છે, 2 વર્ષનો કાર્ય અનુભવ અને ઓછામાં ઓછા 2 વર્ષ ભારત પરત ફરવા સંમત થવું પડશે. અરજીની અંતિમ તારીખ 6 ઓક્ટોબર 2026 છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશમાં ભણવાનો મોકો, બ્રિટનમાં સ્કોલરશિપ માટે અરજીઓ મગાવાઈ, તમે એપ્લાય કર્યું?

Chevening Scholarship 2027-28: બ્રિટન સરકારે Chevening Scholarship 2027-28 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્કોલરશિપ એવા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ઉત્તમ તક માનવામાં આવી રહી છે, જેઓ બ્રિટનની કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એક વર્ષનો પૂર્ણપણે ફંડેડ (ફૂલી ફંડેડ) માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ કરવા માંગે છે. સ્કોલરશિપનો હેતુ એવા પ્રતિભાશાળી ઉમેદવારોને આગળ વધવાની તક આપવાનો છે, જેમનામાં નેતૃત્વ ક્ષમતા હોય અને જેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના દેશમાં પોઝિટિવ યોગદાન આપવા માંગતા હોય. આ સ્કોલરશિપ બ્રિટનના ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ અને તેના પાર્ટનર સંગઠનો દ્વારા ફંડ કરવામાં આવે છે. આ હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોને બ્રિટનની પાત્ર યુનિવર્સિટીઓમાં એક વર્ષનો માસ્ટર્સ પ્રોગ્રામ કરવાની તક મળે છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે શું છે પાત્રતા?

Chevening Scholarship 2027-28 માટે અરજી કરનારા ઉમેદવારોએ નિર્ધારિત પાત્રતાની શરતો પૂરી કરવી પડશે. ભારતીય અરજદારો માટેની જરૂરી શરતો અનુસાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. સ્કોલરશિપ પૂર્ણ થયા બાદ તેણે ઓછામાં ઓછા 2 વર્ષ ભારત પરત ફરીને રહેવા માટે સહમતી દર્શાવવી પડશે. ઉમેદવાર પાસે એવી અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ જે યુકેની અપર સેકન્ડ ક્લાસ એટલે કે 2:1 ઓનર્સ ડિગ્રીની સમકક્ષ હોય. અરજી માટે ઓછામાં ઓછો 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જરૂરી છે. જે લગભગ 2800 કલાક બરાબર છે. ઉમેદવારે બ્રિટનના ત્રણ પાત્ર માસ્ટર કોર્સ માટે અરજી કરવાની રહેશે. ઉમેદવારને ઓછામાં ઓછા એક પસંદ કરેલા કોર્સમાંથી અનકંડિશનલ ઓફર લેટર મેળવવો પડશે.

6 ઓક્ટોબર સુધી એપ્લાય કરી શકશો

આ સ્કોલરશિપ માટે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2026 છે. અરજીની ડેડલાઈન સવારે 11:00 વાગ્યા (UTC) સુધીની છે, જે ભારતીય અરજદારો માટે તે જ દિવસે ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે, 'તમે અંતિમ સમયની રાહ જોયા વગર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લો અને તમામ જરૂરી માહિતી તથા ડોક્યુમેન્ટ્સ યોગ્ય રીતે સબમિટ કરી દો.'

કેવી રીતે કરવી અરજી?

Chevening Scholarship માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારે સૌથી પહેલાં ઓફિશિયલ Chevening વેબસાઈટ પર પોતાની પાત્રતા ચકાસવાની રહેશે. ત્યારબાદ અકાઉન્ટ બનાવીને અરજી ફોર્મમાં પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ભરવાની રહેશે. અરજી દરમિયાન ઉમેદવારોએ ત્રણ પાત્ર યુકે માસ્ટર્સ કોર્સ સિલેક્ટ કરવાના રહેશે અને બે રેફરીની જાણકારી પણ આપવાની રહેશે. આ ઉપરાંત અરજીમાં નેતૃત્વ ક્ષમતા, કરિયર પ્લાન અને યુકેમાં પસંદ કરાયેલા કોર્સ અંગેની પોતાની પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબો અને નિબંધ પણ સામેલ કરવાના રહેશે. અરજી સબમિટ કરતાં પહેલાં ઉમેદવારે તમામ માહિતી ચકાસી લેવાની રહેશે. અરજી સબમિટ કર્યા બાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગામી તબક્કામાં સામેલ થવું પડશે અને જરૂરિયાત મુજબ મંગાવવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવાના રહેશે.

કયા ઉમેદવારો પર રહેશે ફોકસ?

આ સ્કોલરશિપની પસંદગીમાં ઉમેદવારની લીડરશિપ ક્ષમતા, એકેડમી સિદ્ધિઓ, પ્રોફેશનલ એક્સપિરિયન્સ, કરિયર પ્લાન અને નેટવર્કિંગ ક્ષમતા જેવા પાસાઓને મહત્વ આપવામાં આવે છે. સ્કોલરશિપનો હેતુ એવા ઉમેદવારોને તક આપવાનો છે, જેઓ ભવિષ્યમાં પોતાના ક્ષેત્ર અને દેશમાં સકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા ધરાવતા હોય.