Editorial

માણસ એટલે? આત્માની આસપાસ ખડકાયેલું મડદું...

By GS Team
8 Aug 20266 mins read
TukuTouch Logo
બ્રિટિશ લેખક માલ્કમ લૉરીની 2 જ નવલકથાઓ પ્રકાશિત થઈ, જેમાંની 'અન્ડર ધ વોલ્કેનો' 20મી સદીની મહાન નવલકથાઓમાં સ્થાન પામી. આ નવલકથા 2 નવેમ્બર, 1938ના રોજ મેક્સિકોના એક નગરમાં, બે જ્વાળામુખી વચ્ચે આકાર લે છે. વાર્તા ભૂતપૂર્વ બ્રિટિશ કાઉન્સેલ જ્યોફ્રી ફર્મિનની છે, જે શરાબના વ્યસની છે. પ્રકાશક જોનાથન કેપના સૂચનો છતાં, લૉરીએ ફેરફાર વગર નવલકથા છપાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

માણસ એટલે? આત્માની આસપાસ ખડકાયેલું મડદું...
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • મહાન લેખક બનવા માટે કેટલાં પુસ્તક લખવા પડે? જો તમે માલ્કમ લૉરી હો તો ફક્ત બે પુસ્તક પૂરતાં છે! આ બ્રિટીશ લેખકના જીવતેજીવ બે જ નવલકથાઓ પ્રગટ થઈ, જેમાંની 'અન્ડર ધ વોલ્કેનો' વીસમી સદીની સૌથી મહાન નવલકથાઓમાં સ્થાન પામી. વિશ્વસાહિત્યમાં કલ્ટ સ્ટેટસ ધરાવતા આ લેખકની ઘટનાપ્રચુર, વિષાયયુક્ત જિંદગીમાં ડોકિયું કરવા જેવું છે…

મહાન લેખક બનવા માટે કેટલાં પુસ્તક લખવા પડે? જો તમે માલ્કમ લૉરી હો તો ફક્ત બે પુસ્તક પૂરતાં છે! આ બ્રિટીશ લેખકના જીવતેજીવ બે જ નવલકથાઓ પ્રગટ થઈ હતી - ચોવીસ વર્ષની ઉંમરે 'અલ્ટ્રામરીન' અને એના ૧૪ વર્ષ પછી 'અન્ડર ધ વોલ્કેનો', બસ. હા, મૃત્યુ પછી એમની ટૂંકી વાર્તાઓ અને કવિતાઓના સંગ્રહ છપાયા, અન્ય નવલકથાઓ અને બીજું થોડું પણ સાહિત્ય પણ આવ્યું. કદાચ એમણે પોતે પણ કલ્પ્યું નહીં હોય કે એમની 'અન્ડર ધ વોલ્કેનો' વીસમી સદીની સૌથી મહાન નવલકથાઓમાં સ્થાન પામશે.
માલ્કમ લૉરી (જન્મઃ ૧૯૦૯, મૃત્યુઃ ૧૯૫૭) પરંપરાગત અર્થમાં 'મેઇનસ્ટ્રીમ' સાહિત્યકાર નથી તેથી એમનું નામ લોકજીભે અને લોકસ્મૃતિમાં ભલે ઓછું ચડયું હોય, પણ વિશ્વસાહિત્યમાં એમને 'કલ્ટ સ્ટેટસ' મળ્યું છે તે હકીકત છે. એમને ચાહનારા માત્ર ચાહીને અટકી જતા નથી, તેઓ માલ્કમ લૉરીના ભક્ત બની જાય છે. એવું તે શું છે માલ્કમ લૉરી અને એમના સાહિત્યમાં?
માલ્કમ લૉરીનું આયુષ્ય ફક્ત ૪૭ વર્ષ હતું, પણ તેઓ ભરપૂર ઘટનાપ્રચુર જીવન જીવ્યા. ઘટનાપ્રચુર અને વિષાદયુક્ત. તેઓ ઉત્તમ જીવન જીવ્યા એવું તો કેમ કહી શકાય, પણ જેટલું જીવ્યા, ઊંડાણપૂર્વક અને પૂરેપૂરી વૈચારિક સ્પષ્ટતા સાથે જીવ્યા. ધનિક પરિવારમાં જન્મેલા માલ્કમ વીસ વર્ષના થાય તે પહેલાં જ આલ્કોહોલિક બની ગયા હતા. મૃત્યુપર્યંત તેઓ શરાબમાં ડૂબેલા રહ્યા. પોતાની ગહનતમ પીડાના તેઓ સતત સાક્ષી બની રહ્યા.
કળામાં અભિવ્યક્તિ પામતી અંતરંગ વેદના પ્રાયઃ ઊંચી કક્ષા ધારણ કરી લેતી હોય છે. 'અન્ડર ધ વોલ્કેનો' નવલકથા ઘણે અંશે આત્મકથનાત્મક છે. આ કૃતિની સર્જનક્રિયાની વાત ભારે ઇન્ટરેસ્ટિંગ છે. પશ્ચિમના સાહિત્યજગતમાં નવલકથા, નવલિકાસંગ્રહ, નિબંધસંગ્રહ, સ્મરણકથા જેવાં ગદ્યનાં પુસ્તકો જ નહીં, કવિતાસંગ્રહ સુધ્ધાં છપાતાં પહેલાં પ્રોફેશનલ એડિટરની બારીક નજર તળેથી પસાર થતાં હોય છે. વિદ્વાન એડિટર કાંટછાંટ કરે, ઉમેરા સૂચવે, જરૂર લાગે ત્યાં સૂર બદલવાનું કે ચુસ્ત બદલવાનું સૂચન કરે, આ ફેરફારો શા માટે યોગ્ય છે તે વિશે લેખક સાથે ઊંડી ચર્ચા કરે. લેખક પછી તે અનુસાર નવો ડ્રાફ્ટ તૈયાર કરે, જેને આખરે પુસ્તકનું સ્વરૂપ મળે. ભારતમાં પણ અંગ્રેજી પ્રકાશનોમાં આ એક્સરસાઇઝ થતી હોય છે. 'અન્ડર ધ વોલ્કેનો' નવલકથા પ્રકાશિત થઈ તે પહેલાં માલ્કમ લૉરી અને જોનાથન કેપ નામના પ્રકાશક-કમ-એડિટર વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. જોનાથન કેપે એમને ખૂબ બધાં સૂચનો કર્યાં હતાં. જોનાથનનો ઉદ્દેશ હતો કે નવલકથા એટલી બધી અઘરી ન હોવી જોઈએ કે વાંચક મૂંઝાઈ જાય. અઘરું પુસ્તક વેચાય પણ ઓછું. જોનાથને લખ્યુંઃ
'તમારી નવલકથા બહુ જ લાંબી છે, લાંબાં લાંબાં વર્ણનોને કારણે વાર્તાપ્રવાહ થંભી જાય છે. વળી, કથાની ગતિ પણ અસ્પષ્ટ છે. તમારું મુખ્ય પાત્રની શરાબી હોવાની વાતનું સતત પુનરાવર્તન થયા કરે છે. વળી, અઘરાં - ન સમજાય એવાં પ્રતીકો તેમજ વિદેશી ભાષાના શબ્દપ્રયોગોથી બાપડા વાચક પર બોજ આવી પડે છે.'
આટલું કહીને પછી જોનાથને સૂચન કર્યું કે તમે ફલાણા-ફલાણા ને ફલાણા પ્રકરણને ટૂંકાવો, તમારા નાયકનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ સ્પષ્ટ કરો, એના પૂર્વજીવનની વાતો વાચકોને કહો, અને મનમાં ઉડતા આડાઅવળા વિચારોને તમે જે રીતે લખ્યા છે તે જરા સરળ બનાવો ને વાચકોને સમજાય એવી રીતે લખો. તો શું જિંદગીમાં જેમનું હજુ સુધી એક જ પુસ્તક પ્રગટ થયું હતું એવા માલ્કમ લૉરી નામના આ લેખકશ્રી પ્રકાશકની વાત માની ગયા? હોતું હશે? એમણે જવાબમાં ૩૧ પાનાં લાંબો પત્ર લખ્યો, જેમાં એમણે લખ્યુંઃ
'કોઈ બપોરે તમે શરાબની બોટલ ખોલીને ચોપડી વાંચવા બેસો એ રીતે તમે આ નવલકથાને વાંચી શકો છો.. અને આ નવલકથાને તમે એક સિમ્ફની અથવા ઓપેરા કે કાઉબોય ફિલ્મની જેમ પણ માણી શકો છો. આ નવલકથા સંગીત છે, કવિતા છે, ગીત છે, ટ્રેજેડી છે, કોમેડી છે, ફારસ છે વગેરે વગેરે. તે તમને છીછરી, ગહન, મનોરંજક, કંટાળજનક કંઈ પણ લાગી શકે છે - એ તો જેવો તમારો ટેસ્ટ. આ નવલકથા એક ભવિષ્યવાણી છે, એક રાજકીય ચેતવણી છે, એક સાંકેતિક ઉખાણું છે…'
માલ્કમ લૉરીએ પોતાના પત્રમાં વિગતવાર સમજાવ્યું કે મારી નવલકથાનું પ્રત્યેક પ્રકરણ મેં એક ચક્રની અંદર બીજું ચક્ર ઘુમી રહ્યું હોય તે રીતે ડિઝાઇન કર્યંુ છે. નવલકથાનું કોમ્પલેક્સ સ્ટ્રક્ચર, બહુસ્તરીય પ્રતીકો, વેરવિખેર વિચારોને એક તાંતણે બાંધ્યા હોય એવી કથનશૈલી (સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ), એકેએક પ્રકરણની આંતરિક સંરચના, સમગ્ર નવલકથાનું વિઝન અને ઝીણામાં ઝીણી વિગત - આ સઘળું અત્યંત સભાનતાપૂર્વક અને આયોજનપૂર્વક લખાયું છે. આમાંનું કશું જ 'અમસ્તું જ' કે લખવા ખાતર લખાયું નથી, અને તેથી હું તમારું એક પણ સૂચન સ્વીકારતો નથી! જો તમારે મારી નવલકથા છાપવી હોય તો એક પણ શબ્દ કે વિરામચિહ્ન સુધ્ધાં આઘોપાછો કર્યા વગર, એ અત્યારે જ છે એ જ રીતે છાપવી પડશે!
પરિણામ? પબ્લિશર-કમ-એડિટર કન્વિન્સ થઈ ગયા! એમણે કશા જ ફેરફાર વગર ૧૯૪૭માં 'અંડર ધ વોલ્કેનો' પુસ્તક છાપ્યું, જે પછી વીસમી સદીની સૌથી મહાન નવલકથાઓમાં સ્થાન પામ્યું. એક નવલકથાકાર પોતાની કૃતિનો કેવી રીતે બચાવ કરી શકે? માલ્કમ લૉરીનો આ પત્ર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આધુનિક વિશ્વસાહિત્યમાં માલ્કમ લૉરીનો આ પત્ર તેથી જ સાહિત્યકારોની સર્વકાલીન શ્રેષ્ઠોત્તમ કેફિયતોમાં સ્થાન પામે છે. માલ્મક લૉરી અને જોનાથન કેપ વચ્ચે થયેલા પત્રવ્યવહારનું પણ અલાયદું પુસ્તક બન્યું છે - 'માલ્કમ લૉરીઃ સિલેક્ટેડ લેટર્સ ઓર મેકિંગ ઓફ અ માસ્ટરપીસ'.
શું છે 'અંડર ધ વોલ્કેનો'માં? આખી નવલકથા એક જ દિવસમાં આકાર લે છે. એ દિવસ છે, બીજી નવેમ્બર, ૧૯૩૮. લોકાલ છે, મેક્સિકોનું એક નગર, જે બે જ્વાળામુખી પર્વતો (વોલ્કેનો)ની વચ્ચે વસેલું છે. નાયકનું નામ જ્યોર્ફી ફર્મિન છે, જે એક ભૂતપૂર્વ બ્રિટિશ કાઉન્સેલ છે. એ બુદ્ધિશાળી અને સુસંસ્કૃત છે, સમાજમાં એનું સારું સ્ટેટસ છે, પણ એ શરાબનો ભયંકર વ્યસની બની ચૂક્યો છે. સવારે ઉઠતાંની સાથે જ એના હાથમાં દારૂનો ગ્લાસ આવી જાય છે. મધરાત સુધી તે ઢીંચતો રહે છે. એવું નથી કે શરાબ એને સુખ આપે છે. સચ્ચાઈ એ છે કે શરાબ વગર એ જીવી શકે તેમ નથી. એને વર્ષો પહેલાં છોડી ચૂકેલી પત્ની તે દિવસે અચાનક આવી પહોંચે છે. પત્ની કદાચ નવેસરથી શરૂઆત કરવા માગે છે. એના દિલમાં હજુય જ્યોફ્રી માટે પ્રેમ બચ્યો છે. એ ઇચ્છે છે કે આપણે મેક્સિકો છોડીને કોઈ શાંત જગ્યાએ જતાં રહીએ અને સુખની જિંદગી જીવીએ. બીજાં પાત્રો ઉમેરાય છે - જ્યોફ્રીનો સાવકો ભાઈ અને બાળપણનો દોસ્તાર. ચારેય વચ્ચે વાતચીત ચાલતી રહે છે. વાતચીતમાં ફાસીઝમ, બદલાઈ રહેલા મેક્સિકો, ધીમે પગલે આવી રહેલું બીજું વિશ્વયુદ્ધ ચર્ચાતાં જાય છે. સ્મૃતિઓ, પસ્તાવો, અપરાધભાવ, ઈર્ષ્યા અને ભય સપાટી પર આવતાં જાય છે. જ્યોફ્રી સતત શરાબ પી રહ્યો છે, અને દિવસ પૂરો થાય તે પહેલાં એક એવી આઘાતજનક ઘટના બને છે કે…
આગળ શું થાય છે તે તમે ખુદ નવલકથામાં વાંચી લેજો!

મારા હૃદયમાં રાખનો સ્વાદ ભરાઈ ગયો છે
માલ્કમ લૉરીનાં લખાણોમાંથી તારવેલા કેટલાક અંશો પ્રસ્તુત છે. માલ્કમના આંતરિક વિશ્વની, એમની સર્જનાત્મકતાની એક ઝલક એમના આ શબ્દોમાંથી મળે છેઃ

  • ઓહ, કેટલી અર્થહીન અને ખોખલી આ દુનિયા છે! દિવસો તુચ્છ, બેચેન અને સસ્તી ક્ષણોથી ભરાયેલા છે, રાત બીબાંઢાળ કડવી પ્રવૃત્તિઓથી છલકાય છે, સૂર્ય કોઈ પણ પ્રકારની તેજસ્વિતા વગર ચમક્યા કરે છે, ચંદ્ર રાતની ગેરહાજરીમાં જ ઊગી નીકળે છે. મારા હૃદયમાં રાખનો સ્વાદ ભરાઈ ગયો છે, અને મારા ગળું હિબકાં ભરી ભરીને તંગ થઈ ગયું છે. ખોવાયેલો આત્મા એટલે શું? એ વસ્તુ જે પોતાના સાચા રસ્તાથી ભટકી ગઈ છે અને પરિચિત અંધકારમાં અથડાઈ-કૂટાઈ રહી છે.
  • માણસ એટલે શું? આત્માની આસપાસ ખડકાયેલું નિર્જીવ મડદું…
  • મને પુસ્તકની પ્રસ્તાવનાઓ ગમે છે. હું એ વાંચી જાઉં છું. ક્યારેક પ્રસ્તાવનાથી આગળ પણ વાંચું છું.
  • બન્ને આખરે આમનેસામને થયા. બે મૂંગા, અબોલ કિલ્લાની જેમ.
  • જેની હત્યા થઈ ગઈ છે એ માણસ પોતાના હત્યારાને કેવી રીતે સમજાવી શકશે કે હું ભૂતની જેમ તારી આસપાસ નાચતો નહીં રહું?
  • એની ટ્રેજેડી એ છે કે આખી દુનિયામાં એ એક જ એવો લેખક બચી ગયો છે, જે નોર્મલ છે અને તેથી જ એ વધારે એકલવાયો છે ને એનો અપરાધભાવ વધારે તીવ્ર બની ગયો છે.
  • એકમાત્ર મૃત્યુને જ માણસના રુદનથી કશો ફરક પડતો નથી.