Editorial

આફ્રિકન દેશો પર ટ્રમ્પ સખ્ત, જિનપિંગ નરમ : વેપારના સમીકરણો બદલાશે

By GS Team
18 Sep 20265 mins read
TukuTouch Logo
આફ્રિકાના 55 દેશોની સંયુક્ત GDP $3.4 ટ્રિલિયન છે. ચીન આફ્રિકાના વિકસતા બજારમાં પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે. બ્રિક્સ બેઠકમાં શી જિનપિંગે 53 આફ્રિકન દેશોને ચીન સાથેના વેપારમાં ટેક્સમુક્તિ અને BRI લોન યુઆનમાં ચૂકવવાની જાહેરાત કરી. ટ્રમ્પની આક્રમક નીતિઓથી અમેરિકા-આફ્રિકાનો વેપાર ઘટ્યો છે, જ્યારે ચીનનો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આફ્રિકન દેશો પર ટ્રમ્પ સખ્ત, જિનપિંગ નરમ : વેપારના સમીકરણો બદલાશે
  • વર્લ્ડ વિન્ડો
  • આફ્રિકાના 55 દેશોની સંયુક્ત જીડીપી 3.4 ટ્રિલિયન ડોલર છે. આફ્રિકાના વિકસી રહેલા માર્કેટને સર કરવા ઘણાં દેશો પ્રયાસો કરે છે, પણ ચીન મેદાન મારી જાય તેવી શક્યતા છે

આફ્રિકન દેશો એટલે ગરીબી, ભૂખમરો, બેરોજગારી, નિરક્ષરતા, ગૃહયુદ્ધોથી સર્જાતી અંધાધૂંધી, પૂરપ્રકોપ જેવી કુદરતી હોનારતોનો સિલસિલો, ગમે ત્યારે ફાટી નીકળતો રોગચાળો…
આખી દુનિયામાં આફ્રિકન દેશોને આ દૃષ્ટિથી જોવામાં આવે છે. આ ચિત્ર ઘણે અંશે યથાર્થ પણ છે. આફ્રિકા ખંડમાં આવેલા ૫૪માંથી ૧૪ દેશો અત્યારે ગૃહયુદ્ધમાં જોતરાયેલા છે. મિડલ ઈસ્ટ પછી સૌથી વધુ બળવાખોર જૂથો આફ્રિકામાં સક્રિય છે. આફ્રિકાના ૨૪ દેશોમાં એક ડઝનથી વધારે આતંકવાદી જૂથો સક્રિય છે. આખી દુનિયાની નજરમાં આફ્રિકા એટલે અભાવો-અજંપો-અરાજકતામાં જીવતા લોકોનો વિસ્તાર.
આ પરિસ્થિતિ હોવા છતાં છેલ્લાં દોઢેક દશકાથી આફ્રિકાની સ્થિતિ ઘણી સુધરી છે. ૨૦૦૮થી ૨૦૨૫ના ગાળામાં કેટલાય આફ્રિકન દેશોના લોકોની ખરીદશક્તિમાં વધારો થયો છે. ઈજિપ્ત, સાઉથ આફ્રિકા જેવા દેશોનું રિટેલ માર્કેટ તો વિકસ્યું જ છે, પરંતુ તે સિવાયના ટાન્ઝાનિયા, ઝિમ્બામ્બે, યુગાન્ડા, ઈથિયોપિયા જેવા ગરીબ દેશોમાં પણ લોકોની ખરીદશક્તિ એક દશકામાં ૫૦ ટકા સુધી વધી છે. રીઅલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રોથ જોવા મળ્યો તેની સાથે ફર્નિચરથી લઈને કાર સુધીની ચીજવસ્તુઓની ડિમાન્ડ વધી છે. આફ્રિકન દેશોમાં પર્ચેસ પાવર પેરિટી (પીપીપી) ઈકોનોમી વધીને ૧૦-૧૨ વર્ષમાં ઓલમોસ્ટ બમણી થઈને ૧૦ ટ્રિલિયન ડોલરે પહોંચી ગઈ છે. આફ્રિકાની પીપીપી ઈકોનોમીમાં ૫.૪ ટકાના દરે વાર્ષિક વૃદ્ધિ થઈ રહી છે અને એ કારણે ઘણાં દેશોની નજર આફ્રિકા પર મંડાઈ છે.
આફ્રિકાના મહત્ત્વના ટ્રેડ પાર્ટનર્સમાં અમેરિકા, ચીન, યુરોપિયન સંઘ, ભારત, યુએઈ - આ પાંચ મોખરે રહેતા આવે છે. ચીન સૌથી મોખરે છે. ચીન-આફ્રિકન દેશોનો દ્વિપક્ષીય વેપાર ૩૫૦ અબજ ડોલર છે. એમાં ચીનની નિકાસ ૨૨૫ અબજ ડોલર છે ને આયાત ૧૨૫ અબજ ડોલર છે. લગભગ આટલો જ વેપાર યુરોપિયન સંઘ આફ્રિકન દેશો સાથે કરે છે. ચીન, યુરોપિયન સંઘ પછી આફ્રિકન દેશો સાથે વેપારની બાબતમાં યુએઈ ૧૬૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે. ભારત અને આફ્રિકન દેશો વચ્ચે વાર્ષિક ૧૦૦ અબજ ડોલરનો વેપાર થાય છે. અમેરિકા-આફ્રિકાનો વેપાર પણ ઓલમોસ્ટ ૧૦૦ અબજ ડોલર જેટલો રહેતો હતો, પરંતુ ટ્રમ્પે ઘણાં આફ્રિકાના દેશો પર ૩૦થી ૫૦ ટકા ટેરિફ લગાડયો તેના કારણે બંને વચ્ચેના વેપારને ફટકો પડયો. વેપાર ઘટીને ૬૦ અબજ ડોલરે આવી ગયો. ટ્રમ્પ ટેરિફના મુદ્દે દુનિયાભરના દેશોને રંઝાડે છે. આફ્રિકન દેશો પણ એમાંથી બાકાત નથી.
ટ્રમ્પે એક રાષ્ટ્રના અધ્યક્ષ વર્તે એમ નહીં, પણ એક વેપારી વર્તે એમ વર્તીને આફ્રિકાના દેશોને કહ્યું, અમેરિકા આફ્રિકાના દેશોને અબજોની સ્વાસ્થ્ય સહાય કરવા તૈયાર છે. દવાઓનો જથ્થો આપવાથી માંડીને હોસ્પિટલો બાંધવા સુધી અમેરિકા મદદ કરશે, પરંતુ તેના બદલામાં આફ્રિકાએ મેડિકલ ડેટા શેર કરવો પડશે. અમેરિકન મેડિકલ કંપનીઓ પ્રાથમિકતા આપવી પડશે. અમેરિકા માટે માર્કેટ ઓપન કરવું પડશે. આ પ્રસ્તાવ સામે આફ્રિકાના ઘણાં દેશોએ નિવેદનો આપ્યા કે અમને આવી સહાયતા મંજૂર નથી. આ તો મારી સંપ્રભુતા સામે જોખમ સર્જે તેવો પ્રસ્તાવ છે. ઝિમ્બામ્બે, ઘાના, ઝામ્બિયા જેવા દેશોએ શબ્દો ચોર્યા વગર ટ્રમ્પને કહી દીધું, અમને આવી ખેરાત મંજૂર નથી. અમે અછતમાં ચલાવી લઈશું.
ટ્રમ્પ આફ્રિકાના દેશો સામે આક્રમક થયા એ જોઈને ચીનના પ્રમુખ જિનપિંગે તુરંત નરમ વલણ બતાવ્યું. આ વર્ષે એપ્રિલમાં જ ટ્રમ્પે આફ્રિકાના દેશોને ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. ઘણાં દેશો સાથે દ્વિપક્ષીય વેપારના ભાગરૂપે ચીને ટેક્સ ઘટાડયો તેની અસર વેપારમાં થઈ. છ જ મહિનામાં વેપાર વધ્યો. સામે ટ્રમ્પના કડક વલણના કારણે છેલ્લાં એક વર્ષમાં આફ્રિકા-અમેરિકાના વેપારમાં ૩૫થી ૪૦ અબજ ડોલરનો ઘટાડો થયો. એટલું જ નહીં, યુરોપમાં જે અમેરિકન કંપનીઓના યુનિટ છે એ ત્યાંથી વેપાર કરે છે એને પણ ફટકો પડયો. ચીને ટેક્સમાં રાહત આપીને અમેરિકાને તો ફટકો આપ્યો જ, સાથે સાથે યુરોપિયન સંઘના વેપારમાં પણ ભાગ પડાવ્યો. છેક હમણાં સુધી યુરોપિયન સંઘ આફ્રિકન દેશોના ટ્રેડ પાર્ટનર્સમાં પહેલા ક્રમે હતું. હવે એ સ્થાન ચીને લઈ લીધું છે.
ચીન આફ્રિકામાં યુરોપિયન સંઘ, ભારત, યુએઈના હિસ્સામાં ભાગ પડાવીને મોનોપોલી સર્જવા ધારે છે. જિનપિંગે આ સ્ટ્રેટજીના ભાગરૂપે દિલ્હીમાંથી આફ્રિકન દેશોને રાહત આપતી જાહેરાત કરી દીધી. બ્રિક્સની બેઠક દિલ્હીમાં મળી એમાં જિનપિંગે ૫૫માંથી ચીન સાથે સીધા વેપારી સંબંધો ધરાવતા ૫૩ દેશોને ટેક્સમાંથી મુક્તિ આપી. જિનપિંગે કહ્યું, ચીનના દરવાજા આફ્રિકાના આ દેશો માટે ખુલ્લા છે. ટેક્સ ચૂકવ્યા વગર આફ્રિકન દેશો ચીનમાં વેપાર કરી શકશે. આફ્રિકન કંપનીઓને કારખાના સ્થાપના હશે તો પણ ચીન અનુકૂળ વાતાવરણ આપશે.
જિનપિંગની આ જાહેરાતથી આફ્રિકન દેશોને કોઈ ફાયદો થવાનો નથી. ચીનનું અર્થતંત્ર આયાત આધારિત નથી, નિકાસ આધારિત છે. તેને આફ્રિકામાંથી ખનીજો, કોફી, કોટન, કૃષિની કાચી પેદાશો સિવાય ભાગ્યે જ કશું આયાત કરવાનું થાય છે, પણ આવી જાહેરાત કરવાથી આફ્રિકન દેશો અમેરિકાની તુલનાએ ચીનને વધારે સન્માન આપે, આફ્રિકન માર્કેટમાં ચીની કંપનીઓનો પ્રવેશ વધારે આસાન બને. જો એમ થાય તો જ ચીન આફ્રિકામાં જે મોનોપોલી સર્જવા માંગે છે એ વાત શક્ય બને. ચીને ૨૦૨૮ સુધીમાં આફ્રિકામાં થતી નિકાસ વધારીને ૩૦૦ અબજ ડોલરે પહોંચાડવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. અત્યારે બંને વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં ચીનની નિકાસ ૨૨૫ અબજ ડોલર છે. આગામી દોઢ બે વર્ષમાં ચીને એમાં ૭૫ અબજ ડોલરનો વધારો કરવો હોય તો બાકીના ચાર મુખ્ય ટ્રેડ પાર્ટનરનો હિસ્સો ખેંચવો પડે. એ જ વ્યૂહના ભાગરૂપે ચીને આફ્રિકન દેશોની કંપનીઓને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની ઘોષણા કરી છે.
જિનપિંગે બીજો એક પાસો પણ આફ્રિકન દેશો સામે ફેંક્યો છે. ટેક્સમાં મુક્તિનું તીર નહીં ચાલે તો આ તીર અચૂક ચાલશે એવો જિનપિંગને વિશ્વાસ છે. આફ્રિકાના ૫૩ દેશો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ પ્રોજેક્ટમાં જોડાયા છે. જુદા જુદા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ચીને આફ્રિકન દેશોને છેલ્લાં એક દશકામાં ૧૮૦ અબજ ડોલરની લોન આપી છે. હવે જિનપિંગે માસ્ટસ્ટ્રોક મારીને જાહેરાત કરી કે આફ્રિકન દેશોએ બીઆરઆઈ પ્રોજેક્ટ માટે જે લોન લીધી છે એનું ચૂકવણુ ડોલરમાં કરવાનું રહેશે નહીં. ચીની કરન્સી યુઆનમાં પણ લોન ચૂકવી શકાશે. આની લાંબાગાળે અસર થશે. ડોલરમાં રકમ ચૂકવવાના બદલે યુઆનમાં ચૂકવે તે આફ્રિકન દેશો માટે ફાયદાનો સોદો છે. બીજું એ પણ ખરું કે ડોલરમાં વહીવટ ન થાય તો તેની અસર ડોલરને થાય.
વેલ, એક તરફ અમેરિકા ઈરાન યુદ્ધમાં બરાબર ફસાયું છે. બીજી તરફ ટ્રમ્પની ટેરિફ અને વિઝાપૉલિસી સતત બદલાતી રહે છે. આ સ્થિતિનો લાભ લઈને ચીન અત્યારે આખાય આફ્રિકાને સાધવામાં ઉર્જા ખર્ચી રહ્યું છે. આ પરિસ્થિતિથી લાંબાગાળે વેપારી સમીકરણો બદલાશે.