Editorial

જીવનની સેકન્ડ ઇનિંગ્સ ક્યારેક અકલ્પ્ય સુખ લઈને આવતી હોય છે...

By GS Team
12 Sep 20266 mins read
TukuTouch Logo
પોલિયોગ્રસ્ત શર્મિલા ધનખડને ક્રૂર પતિએ બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. 26 વર્ષની ઉંમરે માતા-પિતાના ઘરે પરત ફરેલી શર્મિલાએ બીજા લગ્ન કર્યા. પતિ અજીતસિંહે તેને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહિત કરી. 34 વર્ષની ઉંમરે ગોળાફેંક શરૂ કરી, અને 2026માં ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જીવનની સેકન્ડ ઇનિંગ્સ ક્યારેક અકલ્પ્ય સુખ લઈને આવતી હોય છે...
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • બે વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બનેલી શર્મિલા ધનખડ કાયમ માટે અપંગ થઈ ગઈ. એના રાક્ષસ જેવા પતિએ એને ઢોરમાર મારીને, નિર્વસ્ત્ર કરીને બન્ને દીકરીઓ સાથે ઘરની બહાર ફેંકી દીધી… પણ શર્મિલાનો બીજો પતિ એના જીવનમાં દેવદૂત બનીને આવે છે.
    એ શર્મિલાને સ્પોર્ટ્સમાં રસ લેતાં કરે છે, ને શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દે છે!
  • શમલા ધનખડ

માણસ પોતાના જીવનમાં રિ-સ્ટાર્ટનું બટન ક્યારે દબાવી શકે? કેવી સ્થિતિમાં દબાવી શકે? જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એમ લાગતું હોય, આંખ સામે છવાયેલા ઘનઘોર અંધકારમાં પ્રકાશના એકાદ કિરણનો સળવળાટ પણ દેખાતો ન હોય તેવી પરિસ્થિતિમાં માણસ કેવી રીતે જિંદગીની લગામ પોતાના હાથમાં લઈ શકે? કેવી રીતે પોતાનું સઘળું આંતરિક બળને સમેટીને જીવનને ઊંચાઈ પર લઈ જઈ શકે?
આ સવાલના જવાબ મેળવવા હોય તો શમલા ધનખડના જીવનને નજીકથી નિહાળવું પડે. શર્મિલા ધનખડ (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે ધનખર) એટલે કોમનવેલ્થ ગેમ્સની પેરા-એથ્લેટિક્સની ગોલ્ડ મેડલ વિજેતા. એ શોટપુટ એટલે કે ગોળાફેંકની ખેલાડી છે. ૪૦ વર્ષીય શર્મિલાએ જુલાઈ ૨૦૨૬માં ગ્લાસગોમાં આ ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીત્યો.
હરિયાણાના ચિત્રૌલી નામના નાનકડા ગામના એક ગરીબ પરિવારમાં શર્મિલાનો જન્મ. પિતા ખેડૂત, ને માતા અંધ. માંડ માંડ બે છેડા ભેગા થાય, પણ અંધ માતા સતત દીકરીની પડખે અડગ ઊભી રહે. શર્મિલાની પડખે આમેય ઊભા રહેવું પડે એમ હતું. એ બે વર્ષની થઈ ત્યાં એના એક પગે પોલિયો થઈ ગયો હતો. એ આખી જિંદગી માટે અપંગ થઈ ગઈ. પગમાંથી ભલે ચેતના શોષાઈ ગઈ, પણ એની બુદ્ધિ સતેજ હતી. ભણવામાં એ સતત પહેલા નંબરે પાસ થાય. આ તો ગરીબી નડી એટલે દસમા ધોરણ પછી નિશાળમાંથી ઉઠી જવું પડયું, નહીં તો એને ભણવાની ખૂબ હોંશ હતી.
વિચાર કરો કે પોલિયો જેનો એક પગ ખાઈ ગયો છે એવી છોકરી આગળ જતાં સ્પોર્ટ્સવુમન બને છે! બાકી એણે કદી ખુદની સ્પોર્ટ્સપર્સન તરીકે કલ્પના પણ કરી નહોતી. કેવી રીતે કરે? પોલિયોને કારણે જે છોકરી સરખું ચાલી શકતી ન હોય તે ખેલકૂદ શું કરવાની?
શમલા હજુ માંડ અઢારેક વર્ષની થઈ ત્યાં એને પરણાવી દેવામાં આવી. એને ખબર નહોતી કે એ પતિગૃહે નહીં, પણ નર્કમાં જઈ રહી છે. એનો વર નશાખોર નીકળ્યો. વાતવાતમાં શર્મિલાને ધીબેડે. તારા બાપના ઘરેથી દહેજમાં ફલાણું કેમ ન લાવી? ઢીંકણું કેમ ન લાવી? એમ કહીને એના પર આકરા અત્યાચાર કરે. આટલું ઓછું હોય તેમ શર્મિલાએ ઉપરાઉપરી બે દીકરીઓ જણી. જડબુદ્ધિ પતિનો અત્યાચાર ઔર વધી ગયો: તું મને એક દીકરો પણ આપી શકતી નથી, હરામખોર?
અંતે ૨૦૧૨માં બધું તૂટી પડયું. પતિએ એક વાર ક્રોધમાં પાગલ થઈને શર્મિલાને જંગલીની જેમ ઢોરમાર માર્યો. લગભગ નિર્વસ્ત્ર કરીને ઘરની બહાર ફેંકી દીધી. બન્ને નાની દીકરીઓનાં કપડાં ફાડી નાખ્યાં ને તેમને પણ બહાર કાઢી મૂકી. પાડોશીઓ એકઠા થઈ ગયા. કોઈએ દોડીને શર્મિલાના શરીરે રજાઈ વીંટાળી દીધી. રોતી-કકળતી શર્મિલા બન્ને દીકરીઓને લઈને માતા-પિતા પાસે પાછી ફરી. એ વખતે એની ઉંમર હતી ૨૬ વર્ષ.
એક તો પહેલેથી જ વિકલાંગ શરીર. ગરીબ માતા-પિતા. નર્ક જેવા લગ્નજીવનની હેબતાવી દેતી હિંસક યાદો. બબ્બે દીકરીઓને ઉછરેવાની જવાબદારી, ને આટલું જાણે ઓછું હોય તેમ સગા-સંબંધીઓ અને ઓળખીતા-પાળખીતાઓનાં મેણાં-ટોણાં: આ જો, શર્મિલા પાછી આવી. ન ઘરને સાચવી શકી, ન વરને. શર્મિલાને કેટલીય વાર થતું કે હું આત્મહત્યા કરીને મરી જાઉં… પણ પછી નાની બાળકીઓના નિર્દોષ ચહેરા જોઈને થંભી જાય. હું મરી જઈશ તો આ બેયનું શું થશે? મારી આંધળી મા એમને કેવી રીતે મોટી કરશે?
…પણ કહે છેને કે રાત ગમે તેટલી અંધારી કેમ ન હોય, સવારનો સૂર્ય તો ઊગે જ છે. ૨૦૧૮માં, માતા-પિતાના ઘરે પાછા ફર્યાંનાં છ વર્ષ પછી, શમલાએ ફરી લગ્ન કર્યાં. તેના બીજા પતિનું નામ છે, અજિત સિંહ. એમણે બન્ને દીકરીઓ સહિત શર્મિલાને સ્વીકારી. શર્મિલાનું જીવન હવે તદ્દન અણધારી રીતે ઉર્ધ્વ ગતિ કરવાનું હતું. લગ્ન કર્યાં એ જ વર્ષે હરિયાણા રોડવેઝના કર્મચારીઓની હડતાળ પડી હતી ત્યારે શમલાને ત્રણ મહિનાના કોન્ટ્રેક્ટ પર બસ કંડક્ટરની નોકરી મળી હતી. સંભવત: એ હરિયાણની પ્રથમ મહિલા બસ કંડક્ટર બની.
પતિ અજિતે કહ્યું: તું આ બધું છોડ અને સ્પોર્ટ્સમાં રસ લે. શર્મિલા કહે: હું અને સ્પોર્ટ્સ? જિંદગીમાં હું ક્યારેય કશું રમી નથી… ને હું હવે ૩૪ની થઈ. આ કંઈ મારી ઉંમર છે ખેલકૂદ વિશે વિચારવાની? અજિત સિંહ કહે: કેમ નહીં?
અજિત શર્મિલાને હરિયાણાના રેવાડી નગરના તુલા રામ સ્ટેડિયમ લઈ ગયા. અહીં શમલાને પહેલી વાર ખબર પડી કે અપંગ લોકો માટે પરા-એથ્લેટિક્સ જેવું પણ કશુંક હોય છે. અહીંના કોચનું નામ હતું ટેકચંદ. તેઓ પેરાલિમ્પિયન અને પેરા-એથ્લેટિક્સ કોચ હતા. અજિત સિંહે એમની પાસે શર્મિલાની ગોળાફેંક અને ડિસ્ક થ્રોની ટ્રેનિંગ શરૂ કરાવી દીધી. એક જ વર્ષમાં શર્મિલા એવી કાબેલ બની ગઈ કે ૨૦૨૧ની પેરા નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો.
હવે સમય હતો ઇન્ટરનેશનલ સ્તરે રમવાની. શર્મિલાએ ૨૦૨૨ની બમગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો. એ ચોથા ક્રમે આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતાં રહેવું આસાન થોડું જ છે? તેના માટે ફદિયાં જોઈએ. શર્મિલાને પતિએ કહ્યું: કશો વાંધો નહીં. હું બેન્કમાંથી લોન લઈશ, પણ તારી ટ્રેનિંગ અટકવી ન જોઈએ! ૨૦૨૩માં અજિત સિંહે ઘર ગિરવે મૂકીને પૈસા ઊભા કર્યા, એટલું જ નહીં, પોતાની નોકરી સુધ્ધાં છોડી દીધી. એનું સમગ્ર ફોકસ હવે પત્નીની સ્પોર્ટ્સ કરીઅર હતી. શર્મિલાએ જી-જાનથી પ્રેક્ટિસ કરવા માંડી. પરિણામ? ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં એ ચોથા ક્રમે અને ૨૦૨૫ની નવી દિલ્હીની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાંચમા ક્રમે આવી. આ વર્ષે, ૨૦૨૬માં, એ કોમનવેલ્થ ગેમ્સ રમવા ગ્લાસગો પહોંચી ત્યારે એ કંઈ સુપરસ્ટાર ખેલાડી નહોતી. આમ જોવા જાઓ તો એ કોઈની ફેવરિટ પણ નહોતી, પણ રમતના બે દિવસ પહેલાં શર્મિલાએ ઘોષણા કરી દીધી હતી: હું ગોલ્ડ મેડલ લઈને જ પાછી આવીશ!
એવું જ થયું! અગાઉ નોંધ્યું તેમ, ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-એથ્લેટિક્સ માટેની એફ-ફિફ્ટીસેવન કેટેગરીમાં ૯.૮૧ મીટર દૂર ગોળો ફેંકીને શર્મિલાએ શોટપુટ કોમ્પિટીશન જીતી લીધી. કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-એથ્લેટિક્સનો મેડલ જીતનારી એ પ્રથમ ભારતીય મહિલા બની.
શર્મિલા ધનખડે ઇતિહાસ રચ્યો એ ક્ષણ એની અંધ માતા ટીવી પર 'સાંભળી' રહી હતી. શર્મિલાની માતાને કઈ કક્ષાનો સંતોષ થયો હશે તેની કલ્પના કરી શકો છો? એક તો અપંગ દીકરી, જેની સાથે એને પરણાવી એ માણસનું રાક્ષસને શરમાવે એવું વર્તન કરવું, દીકરીનું ઘરભંગ થવું, દીકરીનેય બબ્બે દીકરીઓ હોવી… અને એ જ દીકરી પછી આગળ જઈને બીજાં લગ્નમાં સુખ જુએ છે, એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આખા દેશનું નામ રોશન કરે છે.
શર્મિલાને ખુદને પોતાના જીવનમાં આવેલા આ વળાંકો માન્યામાં આવ્યા નહીં હોય. ભયાનક પીડાદાયી પહેલાં લગ્ન પછી બીજી વાર પરણતી વખતે શર્મિલાના મનમાં કેવો ફફડાટ હશે! બીજો વર પણ પહેલા જેવો નીકળ્યો તો? મારી દીકરીઓનું શું? પણ સૌભાગ્ય નામની કોઈ ચીજ હોય છે. અજિત સિંહ એક શ્રેષ્ઠ, અસાધારણ કહી શકાય તેવા મૂંઠીઉંચેરા સાથીદાર પૂરવાર થયા. જીવનની સેકન્ડ ઇનિંગ્સ ક્યારેક વ્યક્તિગત સ્તરે સપનામાં પણ વિચાર્યું ન હોય એટલું સુખ લઈને આવતી હોય છે. કરીઅરની વાત કરીએ તો, સામાન્યપણે સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધનારા ખેલાડીઓએ સાવ કાચી ઉંમરથી તાલીમની શરૂઆત કરી દેતા હોય છે, જ્યારે અહીં શર્મિલાએ ૩૪ વર્ષની ઉંમરે જિંદગીમાં પહેલી વાર હાથમાં ગોળો પકડયો હતો… અને છતાંય એ આંતરરાષ્ટ્રીય કક્ષાની સફળતા મેળવી શકી.
ના, વાત હજુ પૂરી થતી નથી. અજિત સિંહ હવે શર્મિલાની આગલા પતિથી થયેલી દીકરીઓ અનુજ અને લક્ષ્મીને એથ્લેટિક્સ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે!
સો વાતની એક વાત. જીવનના કોઈ પણ તબક્કે રિ-સ્ટાર્ટનું બટન દબાવી શકાય છે. બધું જ ખતમ થઈ ગયું છે તેવું લાગતું હોય ત્યારે પણ જીવનમાં એક સાવ નવાનક્કોર પ્રકરણનો ઉજ્જવળ પ્રારંભ થઈ શકતો હોય છે… બસ, જરૂર હોય છે કટોકટીની ક્ષણોમાં ખુદને સાચવી લેવાની, ભરપૂર પરિશ્રમ કરવાની અને સામે આવેલી તકનો શ્રેષ્ઠોત્તમ ઉપયોગ કરવાની!