Editorial
મનમાં જમા થયેલો નકામો કચરો દૂર કરવાની કળા
By GS Team
27 Jun 20266 mins read
જાપાનના 77 વર્ષીય પ્રખ્યાત નવલકથાકાર હારુકી મુરાકામી રોજ સવારે 4 વાગ્યે ઉઠીને 4-5 કલાક કામ કરે છે. ત્યારબાદ તેઓ 10 કિલોમીટર દોડે છે અથવા 1500 મીટર સ્વિમિંગ કરે છે. 30થી વધુ મેરેથોન અને 1 અલ્ટ્રા મેરેથોન દોડેલા મુરાકામીનું કહેવું છે કે દોડવા માટે શિસ્ત અને સ્વાસ્થ્ય બંને જરૂરી છે. તેમની નવી નવલકથા 'ધ ટેલ ઓફ કાહો' 3 જુલાઈએ પ્રકાશિત થશે.
Summarized by AI; it may make mistakes. Check important info
જાપાનના 77 વર્ષીય પ્રખ્યાત નવલકથાકાર હારુકી મુરાકામી રોજ સવારે 4 વાગ્યે ઉઠીને 4-5 કલાક કામ કરે છે. ત્યારબાદ તેઓ 10 કિલોમીટર દોડે છે અથવા 1500 મીટર સ્વિમિંગ કરે છે. 30થી વધુ મેરેથોન અને 1 અલ્ટ્રા મેરેથોન દોડેલા મુરાકામીનું કહેવું છે કે દોડવા માટે શિસ્ત અને સ્વાસ્થ્ય બંને જરૂરી છે. તેમની નવી નવલકથા 'ધ ટેલ ઓફ કાહો' 3 જુલાઈએ પ્રકાશિત થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- વાત-વિચાર-શિશિર રામાવત
- 'તમારામાં ભલે સેલ્ફ-મોટિવેશનની કોઈ કમી ન હોય, પણ સવારે પથારીમાંથી બહાર આવીને શૂઝની દોરી બાંધતી વખતે મોટું બગાસું ખાઈને પાછું રજાઈમાં લપાઈ જવાનું મન તો થવાનું જ! માણસ નવનિશાળીયો હોય કે વિશ્વકક્ષાનો દોડવીર, અંદરથી તો બધા સરખા જ હોય છે!'
- હારુકી મુરાકામી
એમની ઉંમર ૭૭ વર્ષ છે. સવારે ચાર વાગ્યે એ ઉઠી જાય છે અને તરત કામે ચડી જાય છે. ચાર-પાંચ કલાક એકધારું કામ કરે, અને પછી રનિંગ શુઝ પહેરીને બહાર નીકળી જાય. કમસે કમ ૧૦ કિલોમીટર દોડે. શિયાળો હોય ને વધારે પડતી ઠંડી હોય તો બંધ સ્વિમિંગ પૂલના હૂંફાળા પાણીમાં તરવા જાય. એક સેશનમાં ૧૫૦૦ મીટર જેટલું સ્વિમિંગ કરે. ક્યારેક વારાફરતી રનિંગ અને સ્વિમિંગ બન્ને કરે. રોજેરોજ. અચૂકપણે.
ત્રીસ જેટલી ફુલ મેરેથોન અને એક અલ્ટ્રા મેરેથોન દોડી ચૂકેલા આ જપાની મહાશયનું નામ છે, હારુકી મુરાકામી. ના, એ દોડવીર નથી, બલ્કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સેલિબ્રિટી નવલકથાકાર છે. આરામદાયક ચેર કે સોફા પર ગોઠવાઈને કૉફી પીતાં પીતાં હારુકી મુરાકામીનું પુસ્તક વાંચી રહ્યા હોય એવો ફોટો પડાવવાની અને પછી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવાની ફેશન છે. ઇવન ફિલ્મો, ટીવી, વેબ શોઝ, એડ્ઝ વગેરેમાં હારુકી મુરાકામીનું પુસ્તક એક જરુરી 'એસેસરી' બની ગયું છે. ડ્રાઇંગરુમ કે બેડરુમ કે કૉફી ટેબલનો સીન હોય એટલે હારુકી મુરાકામીનું પુસ્તક દેખાવું જ જોઈએ!
વિશ્વ સાહિત્યની દુનિયામાં છેલ્લા બે દાયકાથી ઑર એેક ફેશન ચાલે છે. દર વર્ષે 'આ વખતે તો હારુકી મુરાકામી નોબલ પ્રાઇઝ માટે હોટ ફેવરિટ છે' એવી ચર્ચા કરવાની! સાહિત્યના નોબલ પ્રાઇઝ વિનરની ઘોષણા થવાની હોય તે દિવસે ટોકિયોની અમુક રેસ્ટોરાંમાં મુરાકામીના ચાહકો રીતસર એકઠા થાય. જાણે ઇન્ટરેસ્ટિંગ મેચ ચાલતી હોય કે ચૂંટણીનાં પરિણામો ઘોષિત થઈ રહ્યાં હોય એટલી ઉત્સુકતાથી તેઓ ટીવી સામે ગોઠવાઈ જાય, પણ દર વખતે કોઈ બીજા જ સાહિત્યકારનું નામ જ અનાઉન્સ થાય. હારુકી મુરાકામીને બીજાં કેટલાંય મહત્ત્વનાં પારિતોષિકો મળી ચૂક્યાં છે, પણ નોબલ પ્રાઇઝ એમનાથી અત્યાર સુધી દૂર જ રહ્યું છે. ખેર, મુરાકામીની કક્ષાના લેખકો કંઈ માન-પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને સર્જન કરતા નથી.
આવતા અઠવાડિયે જ, ત્રીજી જુલાઈએ, એમની નવીનક્કોર નવલકથા પ્રકાશિત થવાની છે, જેનું ટાઇટલ છે, 'ધ ટેલ ઓફ કાહો'. એમની ખૂબ પ્રસિદ્ધ નવલકથાઓ એટલે 'નોર્વેજીયન વૂડ', 'કાફ્કા ઓન ધ શોર', 'વનક્યુએઇટીફોર', 'આફ્ટર ડાર્ક' વગેરે. લેખક તરીકેની ૪૫ વર્ષની કરીઅરમાં એમણે ૪૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. કંઇકેટલીય ભાષાઓમાં તેના અનુવાદો થયા છે અને બધું મળીને તેમનાં પુસ્તકોની ૧૦ કરોડ કરતાં વધારે નકલો વેચાઇ ચુકી છે. સાહિત્યિક ઊંચાઇ હોવી અને સાથે સાથે લોકપ્રિય પણ હોવું - બહુ ઓછા લેખકોના નસીબમાં આ પ્રકારનું કોમ્બિનેશન રચાતું હોય છે.
હારુકી મુરાકામીએ એક બહુ જ રસપ્રદ નોન-ફિક્શન પુસ્તક લખ્યું છે - 'વોટ આઇ ટોક અબાઉટ વ્હેન આઇ ટોક અબાઉટ રનિંગ'. નવલકથાઓ લખવી અને મેરેથોન દોડવી - આ બન્ને માટે જબરદસ્ત શિસ્ત જોઈએ. આ પુસ્તકમાં મુરાકામીએ પોતાનાં વ્યક્તિત્વના આ બન્ને સ્વરૂપો વિશે મજા પડી જાય એવી વાતો લખી છે. લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ ટોકિયોમાં રેસ્ટોરાં-કમ-બાર ચલાવવતા હતા. ફુલટાઈમ રાઈટર બનતાંની સાથે જ તેમને સમજાયું કે જો લેખક તરીકે વધારે વર્ષો સક્રિય રહેવું હશે તો હેલ્થ ટિપટોપ રાખવી પડશે. આથી તેમણે ૩૩ વર્ષની ઉંમરે દોડવાની શરૂઆત કરી. તલબ કે ૪૪ વર્ષોથી તેઓ નોનસ્ટોપ દોડી રહ્યા છે અને લખી રહ્યા છે.
મુરાકામી કહે છે, 'સદ્નસીબે મારું શરીર નાનપણથી જ સ્ટ્રોંગ અને હેલ્દી છે. આ જ કારણ છે કે હું વર્ષોથી રોજ નિયમિતપણે દોડી શક્યો છું. પગ દુખવાને કારણે દોડયો ન હોઉં એવું ક્યારેય બન્યું નથી. જેમ જેમ વધારે દોડતો ગયો તેમ તેમ શારીરિક તાકાત વધારે નિખરતી ગઈ.'
તરત વિચાર આવે કે દાયકાઓથી રોજેરોજ દોડવાની નિયમિતતા જાળવી રાખવા માટે માણસમાં કેટલું તગડું આત્મબળ જોઈએ. મુરાકામી આ વાતનો છેદ ઉડાડી દે છે. તેઓ કહે છે કે ડેઈલી રનિંગ અને વિલ પાવર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેઓ દોડી શક્યા, કારણ કે ઈટ સ્યુટ્સ હિમ! એમને ફાવે છે રોજેરોજ દોડવું! આપણે જીવનમાં આખરે તો એ જ વસ્તુઓ કરતા હોઈએ છીએ જેમાં આપણી કુદરતી ફાવટ હોય. એમ જ હોવું જોઈએ. કોઈ વસ્તુ પરાણે કરતા રહેવામાં મજા નથી. તમે એક વાર કાયદેસર રનર બની જાઓ એટલે દોડવાની ક્રિયા શ્વાસ લેવા જેવી સહજ બની જાય એવુંય નથી. મુરાકામી એક વાર તોશીહીકો સીકો નામના એક ઓલિમ્પિક રનરનો ઈન્ટરવ્યુ લેવા ગયા. સવાલ પૂછયો: 'સર, તમારી કક્ષાના રનરને ક્યારેય આળસ આવે ખરી? તમને ક્યારેય સવારે વહેલા ઉઠતી વખતે કંટાળો આવ્યો છે ખરો કે રહેવા દે, આજે નથી જવું દોડવા? ને પછી રજાઈમાંથી બહાર નીકળવાની ઇચ્છા જ ન થાય એવું ક્યારેય બન્યું છે?'
પેલા દોડવીર મુરાકામીને તાકવા લાગ્યા. એમની નજર કહી રહી કે આ કેવો મૂરખ જેવો સવાલ કર્યો તેં? એમણે જવાબ આપ્યો: 'મને ક્યારેય દોડવા જવાનો કંટાળો આવે કે કેમ એવું પૂછો છો મને?અફકોર્સ, ઓલ ધ ટાઈમ!'
'વોટ આઈ ટોક અબાઉટ વ્હેન આ ટોક અબાઉટ રનિંગ' પુસ્તકમાં આ કિસ્સો ટાંકીને મુરાકામી કહે છે, 'હું અંદરથી જાણતો હતો કે શું જવાબ મળશે, છતાંય મારે આ તોશીહીકોના મોઢેથી સાંભળવું હતું. આ જ હકીકત છે. ભલે તમારામાં વર્લ્ડકલાસ રનર જેવી સ્ટ્રેન્થ હોય, ભલે તમે ચિક્કાર એકસરસાઈઝ કરતા હો કે ભલે તમારામાં સેલ્ફ-મોટિવેશનની કોઈ કમી ન હોય, પણ સવારે પથારીમાંથી બહાર આવીને શૂઝની દોરી બાંધતી વખતે મોટું બગાસું ખાઈને પાછું રજાઈમાં લપાઈ જવાનું મન તો થવાનું જ! ટૂંકમાં, માણસ નવનિશાળીયો હોય કે વિશ્વકક્ષાનો દોડવીર, અંદરથી તો બધા સરખા જ હોય છે!'
મુરાકામીએ યુવાનીમાં દોડવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં પંદરથી વીસ મિનિટ માંડ દોડાતું. હાંફી જવાતું. સવારે ટ્રેક પેન્ટ ચડાવીને નીકળતા ત્યારે પાડોશીઓ વિચિત્ર નજરે જોયા કરતા. એમને બહુ ઓકવર્ડ લાગતું. 'મેં પહેલી વાર મારા નામની પાછળ કૌંસમાં 'નવલકથાકાર' શબ્દ વાંચ્યો હતો ત્યારે પણ મને આવી જ ઓકવર્ડ ફીલિંગ થઈ હતી!' મુરાકામી કહે છે, 'મેં દોડવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે શરીર ટેવાતું ગયું, અંતર વધતું ગયું. જોકે સ્પીડ કે ડિસ્ટન્સ કરતાં વધારે મહત્ત્વનું છે એક પણ દિવસનો બ્રેક પાડયા વિના રોજેરોજ, નિયમિત દોડવું. તો જ સ્નાયુઓ ટેવાશે અને શરીર તમારું કહ્યું માનશે. વળી, મેરેથોન રનિંગ કંઈ બધા માટે નથી. આ બાબતમાં કોઈની ભલામણ કે આગ્રહ ન ચાલે. આ ઇચ્છા અંદરથી ઊગવી જોઈએ અને પછી એની તાલીમ વગેરેની દિશામાં તમે કુદરતી રીતે ખેંચાવા જોઈએ. નવલકથાનું પણ એવું જ છે. કોઈ તમને ભલામણ કે આગ્રહ ન કરી શકે કે ભાઈ, તું હવે નોવેલિસ્ટ બન! ૩૩ વર્ષની ઉંમરે મેં દોડવાની શરૂઆત કરી. એક નવલકથાકાર તરીકેની મારી ખરી શરૂઆત પણ ત્યારે જ થઈ.'
એક તરફ મુરાકામી નવલકથાકાર તરીકે ઊંચાઈઓને આંબતા ગયા, તો બીજી બાજુ એક દોડવીર તરીકે પણ નીખરતા ગયા. હાફ મેરેથોન (લગભગ ૨૧ કિલોમીટર), ફુલ મેરેથોન (૪૨ કિલોમીટર)માં અફલાતૂન પ્રદર્શન કર્યા પછી તેમણે દુનિયાની સૌથી કઠિન ગણાતી અલ્ટ્રા મેરેથોન (અધધધ ૮૯ કિલોમીટર) અને ઈવન ટ્રાયથ્લોનમાં પણ ભાગ લીધો. ટ્રાયથ્લોનમાં સ્વિમિંગ, સાઈક્લિંગ અને રનિંગ આ ત્રણેય વસ્તુ અટક્યા વગર એક પછી એક કરીને શરીર અને મનની તાકાત અજમાવવાની હોય છે.
મુરાકામી કહે છે, 'આ ઉંમરે હવે મારી દોડવાની ઝડપ વધારવાની નથી. મારા માટે દોડવું એ 'મૂવીંગ મેડિટેશન' છે. હું એક પ્રકારની શૂન્યતા અથવા કહો કે 'સ્ટેટ ઓફ વોઇડ' અનુભવતો હોઉં છું. હું દોડતો હોઉં ત્યારે મારા મનમાં જમા થયેલી તમામ નકારાત્મકતા ધોવાઈ જાય છે.'
હારુકી મુરાકામી પાસેથી ક્રિયેટિવ અને શારીરિક - એમ આ બન્ને પ્રકારની શિસ્તના પાઠ શીખવા જેવા છે.




