કોકરોચના સમર્થનમાં પહાડીના રહેવાસી શાન દીપડાએ ભૂખ હડતાલ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
સિંહના દરબારથી નજીક આવેલા બંજર-ગંજરના મેદાનમાં જંગલના શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલાના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું
'જંગલના વિદ્યાર્થીઓની ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી હું બંજર-ગંજરના મેદાનમાં ભૂખ હડતાલ કરીશ!'
શાન દીપડાની જાહેરાતથી બંજર-ગંજરમાં માહોલ બદલાઈ ગયો. કોકરોચ કચવાટિયાના નેતૃત્વમાં જંગલના વિદ્યાર્થીઓ મહારાજા સિંહ સામે દેખાવો કરવા એકઠા થયા હતા. કોકરોચ કચવાટિયાનો મૂળ ઈરાદો એવો હતો કે મોટી સંખ્યામાં જંગલના વિદ્યાર્થીઓ એકઠા થઈને ઊંચા અવાજે નારેબાજી કરે તો રાજા સિંહના કાને વાત પહોંચે. રાજા સિંહ સંખ્યાબળ જોઈને કોકરોચ કચવાટિયાનું રાજકીય મહત્ત્વ સમજે. રાજા સિંહ ન સમજે તો સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા જેવા વિપક્ષના નેતાઓ કોકરોચના શક્તિ પ્રદર્શનથી પ્રભાવિત થાય ને એ રીતે કોકરોચ સમાજનું જંગલમાં રાજકીય મહત્ત્વ વધે. વિદ્યાર્થીઓનું આંદોલન તો કોકરોચ પાર્ટીના સ્થાપક કોકરોચ કચવાટિયા અને ઉપપ્રમુખ વંદા વખારીનો પ્લાન-બી હતો. પ્લાન-એ તો કોકરોચ સમાજને રાજકીય રીતે વગદાર બનાવીને યુવા નેતા તરીકે નામ કમાવવાનો હતો.
આવી ગણતરી સાથે બંજર-ગંજરના મેદાનમાં એકઠા થયેલા કોકરોચ કચવાટિયાને શાન દીપડાની જાહેરાતથી ભારે આશ્ચર્ય થયું. શાન દીપડો જો ખરેખર બંજર-ગંજરના મેદાનમાં ભૂખ હડતાલ શરૂ કરે તો તો તડાકો પડી જાય. શાન દીપડાની અલગ રેપ્યુટેશન તો હતી જ. જંગલની સરકારે અગાઉ શાન દીપડાને પાંજરે પૂર્યો હતો એટલે એ ખાસ્સો લોકપ્રિય હતો. વળી, એક જમાનામાં જંગલની અઘરી એજ્યુકેશન સિસ્ટમમાં ઊંચા માર્ક્સે પાસ થઈને શાન દીપડાએ જંગલમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે જો આ શાન દીપડો ભૂખ હડતાલ કરે તો જંગલના મિડીયા, સોશિયલ મિડીયામાં પ્રચાર થાય. જંગલમાં સામાન્ય વિરોધ પ્રદર્શનો કરતાં ભૂખ હડતાલને વધારે સન્માન મળતું. ભૂખ હડતાલમાં ભીડ વધારે ઉમટી પડતી.
શાન દીપડાએ ભૂખ હડતાલની જાહેરાત કરી પછી કોકરોચ કચવાટિયાએ ટિપિકલ રાજકીય નારા લગાવ્યાઃ
'શાન હૈ હમારી શાન સર…' ભીડમાંથી વળતો નારો લાગ્યોઃ 'જાન હૈ હમારી શાન સર…'
'ભૂખ હડતાલ છે ભાઈ ભૂખ હડતાલ..' વળતો અવાજ ગૂંજ્યોઃ 'શાન સરની છે આ ભૂખ હડતાલ..'
'મર જાયેંગે મીટ જાયેગે…' ભીડનો અવાજ ઊંચો થયોઃ 'શાન સર પીછે નહીં હટેંગે…'
ને એ રીતે બંજર-ગંજરના મેદાનમાં શાન દીપડાની ભૂખ હડતાલ શરૂ થઈ. કોકરોચ કચવાટિયાએ દરરોજ વિડીયો મૂકીને જંગલના વિદ્યાર્થીઓને આંદોલનમાં જોડાવાની અપીલ શરૂ રાખી. શાન દીપડાનું અપડેટ આપવાનું શરૂ કર્યું. અગાઉ જે પાંચ મુખ્ય વાયદા કર્યા હતા તે પણ યાદ અપાવ્યા અને બીજા ૧૦ પેટા વાયદાઓ પણ ફરી ફરીને સમજાવ્યા. વિદેશના જંગલમાં વન સંપર્કનું ભણીને આવેલો કોકરોચ કચવાટિયો ઓનલાઈન સારું કેમ્પેઈન કરી જાણતો હતો. તેનો લાભ લઈને તેણે બંજર-ગંજરના મેદાનમાં સારી એવી ભીડ જમા કરી લીધી. જંગલના વિદ્યાર્થીઓ પહેલાં કોકરોચ કચવાટિયાના લોભામણા વાયદા સાંભળીને આવ્યા હતા. એમાં હવે શાન દીપડાની ભૂખ હડતાલનું ફેક્ટર ભળ્યું એટલે વિદ્યાર્થી ઉપરાંત યુવાપેઢીને પણ આંદોલનમાં જોડાવાનું કારણ મળ્યું.
દિવસો વીતતા ચાલ્યા. આંદોલન પણ આગળ ચાલ્યું. બે દિવસ, ચાર દિવસ, છ દિવસ.. એમ કરતાં શાન દીપડાની ભૂખ હડતાલ એક સપ્તાહ ખેંચાઈ ગઈ. શાન દીપડો દેખાવે દૂબળો થવા લાગ્યો. હડતાલ પહેલાં એકાંતરે દા'ડે એકાદ લંગૂરને આરોગી જતો હતો. તેના બદલે આખું વીક નીકળી જતાં એના પેટમાં ખાડા પડી ગયા. અધૂરામાં પૂરું બંજર-ગંજરના મેદાનમાં તેની સામે આંદોલનમાં જોડાયેલા દરેક જાતિના વિદ્યાર્થીઓ જાત-ભાતનું ભોજન આરોગતા હતા. ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી સતત શરૂ રહેતી હતી. એટલું જ નહીં, આંદોલનનો મુખ્ય નેતા કોકરોચ કચવાચિયો તો સર્વાહારી હતો. નવરા બેઠા બેઠા શું કરે? કોકરોચ તો બ્રેડથી લઈને બટર, રાઈસ, પીઝા, પાસ્તા જેવું બધું જ આખો દિવસ આરોગતો. તેનું જોઈને આંદોલનકારી વિદ્યાર્થીઓ પણ પોત-પોતાની રીતે પેટ પૂજા કરતા હતા.
આ બધું જોઈને શાન દીપડાનો જીવ બળતો હતો. તેનેય તાજેતાજું ખરગોશ કે મૂષક ફ્લેવર્ડ સૂપ યાદ આવી ગયું. એના મોંમાં પાણી આવ્યાં ને સાથે આંખના ખૂણા પણ બધા વિદ્યાર્થીઓને ખાતાં જોઈને પાણીથી ભીંજાઈ ગયા. કોકરોચ કચવાટિયાએ એક ખાસ કોકરોચને શાન દીપડાનું શૂટિંગ કરવાની સૂચના આપી રાખી હતી. એણે તરત જ આ દૃશ્યો કોકરોચને બતાવ્યાં. કોકરોચે ઉતાવળે એક ઈમોશનલ રીલ બનાવીને લખ્યુંઃ 'જુઓ! આપણાં શાન સર આપણી ચિંતામાં કેટલા ઈમોશનલ થઈ રહ્યા છે ને રાજા સિંહને તો એમની બિલકુલ પડી નથી.'
આ વિડીયો જોઈને 'જંગલ ન્યૂઝ'નો રિપોર્ટર લક્કડખોદ લપલપ બંજર-ગંજરના મેદાનમાં આવી પહોંચ્યો. તેણે સત્તાપાટ થઈને પડેલા શાન દીપડાને પૂછ્યું, 'તમે ક્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખશો?'
શાન દીપડાએ કહ્યું, 'હું મરી જઈશ! હવે આ ભૂખ હડતાલ…' એને આગળ બોલવું હતું, '…પૂરી કરો!'
પણ અધૂરું વાક્ય સાંભળવાનો લક્કડખોદ લપલપ પાસે ક્યાં સમય હતો! એણે તો ન્યૂઝ બ્રેક કર્યાઃ 'તમે સાંભળ્યું? જંગલના વિદ્યાર્થીઓના પ્યારા શાન સર. તેમના માટે મરી જવા તૈયાર છે. શાન સરે હવે આમરણાંત ભૂખ હડતાલની જાહેરાત કરી દીધી છે…'




