Editorial

સરોજિની અને વીરેન્દ્રનાથ: એક ભાઈ, એક બહેન, એક સપનું...

By GS Team
29 Aug 20266 mins read
TukuTouch Logo
ભારતની બુલબુલ સરોજિની નાયડુ અને તેમના નાના ભાઈ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની અનોખી ગાથા. બહેન ખુલ્લેઆમ આઝાદીની લડતમાં જોડાયા, જ્યારે ભાઈ વીરેન્દ્રનાથ પડછાયામાં રહીને ક્રાંતિકારી બન્યા. સરોજિની નાયડુ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. વીરેન્દ્રનાથ દેશનિકાલમાં રહ્યા અને 1937માં સોવિયેત યુનિયનમાં શહીદ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

સરોજિની અને વીરેન્દ્રનાથ: એક ભાઈ, એક બહેન, એક સપનું...
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • સરોજિની નાયડુ કરતાં વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ફક્ત એક વર્ષ નાના. અત્યંત તેજસ્વી મા-બાપનાં તેઓ સંતાન. બહેને અંગ્રેજો સામે ખુલ્લેઆમ લડત આપી, તો ભાઈએ પડછાયામાં રહીને, ગુપ્ત રીતે મોરચો સંભાળ્યો. બહેનનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું, જ્યારે ભાઈ આઝાદીની લડાઈનું એક અત્યંત રોમાંચક પણ ભુલાઈ ગયેલું પાત્ર બની રહ્યા.
  • સરોજિની નાયડુ - વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

આપણે ગઈ કાલે જ રક્ષાબંધનનું પર્વ ઊજવ્યું. આજે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે અભિન્નપણે જોડાયેલી ભાઈ-બહેનની એક તેજસ્વી જોડી વિશે વાત કરવી છે. આ બેલડીમાંથી બહેનને તો ખૂબ માન-સન્માન મળ્યાં, પણ ભાઈ પર શરૂઆતથી જ ઝાઝો પ્રકાશ પડયો નથી. વાત થઈ રહી છે, સરોજિની નાયડુ અને એમના સગા નાના ભાઈ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની. એક જ અસાધારણ પરિવારનાં આ સંતાનો. મોટી બહેન 'ભારતની બુલબુલ' (નાઇટિન્ગેલ ઓફ ઇન્ડિયા) વિશેષણ પામીને વિખ્યાત બની ગયાં. તેઓ કવયિત્રી, પ્રખર વક્તા અને ગાંધીવાદી અને મહિલા અધિકારોના હિમાયતી હતાં. તેઓ કોંગ્રેસનાં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ બન્યા અને સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ હોવાનું બહુમાન પણ પામ્યાં. આ બાજુ, તેમના કરતાં એક વર્ષ નાના ભાઈ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (જેમનું હુલામણું નામ 'ચટ્ટો' હતું) એક ક્રાંતિકારી બન્યા, જેમણે પોતાની યુવાની અને મોટાભાગનું જીવન દેશનિકાલમાં વિતાવ્યું. બહેને અંગ્રેજો સામે ખુલ્લેઆમ લડત આપી, તો ભાઈએ પડછાયામાં રહીને, ગુપ્ત રીતે મોરચો સંભાળ્યો. બહેનનંમ નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું, જ્યારે ભાઈ આઝાદીની લડાઈનું એક અત્યંત રોમાંચક પણ ભુલાઈ ગયેલું પાત્ર બની રહ્યા.
સરોજિની (જન્મ: ૧૩ ફેબુ્રઆરી, ૧૮૭૯) અને વીરેન્દ્રનાથ (જન્મ: ૩૧ ઓક્ટોબર ૧૮૮૦)ની તેજસ્વિતાનાં મૂળિયાં એમના પારિવારિક માહોલમાં દટાયેલાં છે. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક વૈજ્ઞાાનિક અને શિક્ષણશાી હતા. હૈદરાબાદની નિઝામ કોલેજના તેઓ પ્રિન્સિપાલ. માતા વરદસુંદરી દેવી ઉત્તમ કવયિત્રી. એમને, અલબત્ત, બે નહીં પણ ચાર સંતાનો હતાં. સરોજિનીના બીજા નાના ભાઈ હરીન્દ્રનાથ કવિ-નાટયકાર-અભિનેતા બન્યા, જ્યારે નાની બહેન બહેન સુહાસિની કમ્યુનિસ્ટ વિચારધારા સાથે જોડાયાં.
સરોજિની બાળપણથી જ વિચક્ષણ પ્રતિભા ધરાવતા હતાં. બાર વર્ષની ઉંમરે તો તેમણે મદ્રાસ પ્રેસિડેન્સીમાં મેટ્રિકની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી નાખી હતી. તેર વર્ષની ઉંમરે ૧૩૦૦ પંક્તિઓની કવિતા લખી હતી, અને તે પણ માત્ર છ જ દિવસમાં! મા-બાપે આવી મેધાવી પુત્રીને ઉડવા માટે પાંખો આપી. તેમણે સરોજિનીને સોળ વર્ષેની ઉંમરે ઇંગ્લેન્ડ મોકલ્યાં. અહીં તેઓ લંડનની કિંગ્સ કોલેજ લંડન અને પછી ગર્ટન કોલેજ-કેમ્બ્રિજમાં ભણ્યાં. સ્વાભાવિક રીતે જ ઇંગ્લેન્ડના એક્સપોઝરે એમની ક્ષિતિજો વિસ્તારી. તેઓ બ્રિટિશ સાહિત્યિક વર્તુળો અને તે સમયે આકાર લઈ રહેલા મહિલા મતાધિકાર આંદોલનના સંપર્કમાં આવ્યાં.
૧૮૯૮માં ભારત પાછા ફરીને તેમણે ગોવિંદરાજુલુ નાયડુ સાથે લગ્ન કર્યાં. ઓગણીસમી સદીમાં આંતરજ્ઞાાતિય લગ્ન કરવાં માટે કેટલી હિંમત જોઈએ તે તમે વિચારી શકો છો. સરોજિની કવિતામાં રમમાણ રહ્યાં. 'ધ ગોલ્ડન થ્રેશોલ્ડ','ધ બર્ડ ઓફ ટાઈમ' અને'ધ બ્રોકન વિંગ' જેવાં પુસ્તકોએ તેમને અંગ્રેજીમાં લખતાં અગ્રણી ભારતીય કવયિત્રી તરીકે સ્થાપિત કર્યાં… પણ એમના ભાગ્યમાં કવિતા ઉપરાંત બીજું ઘણું બધું લખાયેલું હતું.
સરોજિની ઇંગ્લેન્ડથી ભારત પાછાં ફર્યા તેનાં ચાર વર્ષ બાદ હવે વીરેન્દ્રનાથનો વિલાયત જવાનો વારો હતો. તેઓ ગયા હતા કાયદાનો અભ્યાસ કરવા અને પછી કાનૂનના ક્ષેત્રમાં કરીઅર બનાવવા, પણ મોટી બહેનની જેમ વીરેન્દ્રનાથના મુકદ્દરમાં પણ કંઈક જુદું લખાયેલું હતું. તે સમયે લંડન ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું એક અગત્યનું કેન્દ્ર બની ગયું હતું. તેઓ શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલા ઇન્ડિયા હાઉસ અને વિનાયક દામોદર સાવરકર સહિતના ક્રાંતિકારીઓ સાથે જોડાયા. તેઓ ક્રાંતિકારી પત્રિકાઓમાં લખવા લાગ્યા અને ક્રમશ: ગુપ્ત રાજકીય પ્રવૃત્તિઓમાં ઊંડા ઉતરતા ગયા.
સરોજિની નાયડુ પહેલાં ગોપાલ કૃષ્ણ ગોખલે, એની બેસન્ટ, બાલ ગંગાધર તિલક, રવીન્દ્રનાથ ટાગોર અને છેવટે મહાત્મા ગાંધી જેવા દેશના મોટા નેતાઓના સંપર્કમાં આવ્યાં. સરોજિનીને પોતાની અસાધારણ ક્ષમતાઓ દેશ માટે સમપત કરવાની પ્રેરણા આપનાર ગોખલે જ. માત્ર લખાતા નહીં, બોલાતા શબ્દો પણ સરોજિની નાયડુનાં સૌથી મોટાં શસ્ત્ર બની રહ્યા. તેઓ રાષ્ટ્રવાદ, મહિલા અધિકાર, સામાજિક સુધારણા અને હિન્દુ-મુસ્લિમ એકતા વિશે અત્યંત પ્રભાવશાળી અને સરળ ભાષામાં બોલી શકતાં હતાં.
ભાઈ-બહેનનું જીવન જે રીતે ઊઘડતું જતું હતું તેમાં વિરોધાભાસ દેખાવાની શરૂઆત આ રીતે થઈ. સરોજિની જાહેરમાં આવતાં, લખાયેલા નહીં, પણ મંચ પરથી બોલાયેલા શબ્દોમાં કેટલી શક્તિ છે તે જોતાં, જ્યારે વીરેન્દ્રનાથ અન્ડરગ્રાઉન્ડ નેટવર્કની તાકાત સમજી રહ્યા હતા. વીરેન્દ્રનાથ સાવ જુદી જ, આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી રાજકારણની દિશામાં આગળ વધી રહ્યા હતા. બ્રિટિશ ગુપ્તચર તંત્રનું દબાણ આવી પડતાં દેશનિકાલ પામીને તેઓ ૧૯૧૦માં ફ્રાન્સ જતા રહ્યા.
૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. બ્રિટન અને જર્મની સામસામી છાવણીમાં હતા. ભારતીય ક્રાંતિકારીઓએ આમાં તક જોઈ. દુશ્મન કા દુશ્મન દોસ્ત હો સકતા હૈ! જર્મની બ્રિટનનો દુશ્મન છે, તો કદાચ તે બ્રિટિશ શાસન સામે લડવામાં ભારતને મદદ કરી શકે! વીરેન્દ્રનાથ 'બલન કમિટી' (જે 'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કમિટી' તરીકે પણ જાણીતી થઈ)ના મુખ્ય નેતા બન્યા. આ જૂથે ભારતમાં વિદ્રોહ કરાવવા માટે જર્મની પાસેથી નાણાં, હથિયારો અને રાજદ્વારી સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો. આઝાદીની આ લડાઈ ગાંધીજીના માર્ગ કરતાં તદ્દન અલગ હતી. તેમાં કોઈ જનઆંદોલન કે જાહેર સભાઓ નહીં, પણ ગુપ્ત વાટાઘાટો, છૂપો પ્રચાર, આંતરરાષ્ટ્રીય સંપર્કો અને સરહદને પેલે પાર થતી ક્રાંતિકારી યોજનાઓ હતી. વીરેન્દ્રનાથ ક્રમશ: આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી નેતા બની રહ્યા હતા. જર્મની તેમના માટે ભારતની આઝાદીનાં લક્ષ્ય સુધી પહોંચાડતું એક માધ્યમ માત્ર હતું. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ વીરેન્દ્રનાથના વિચારો બદલી નાખ્યા. વિશ્વયુદ્ધ પૂરું થતાં તેમની રાજકીય સફરે ફરી એક નાટકીય વળાંક લીધો. ૧૯૨૦માં તેઓ ભારતની લડત માટે કમ્યુનિસ્ટ સમર્થન મેળવવા મોસ્કો ગયા. તેઓ ભારતની આઝાદીને સામ્રાજ્યવાદ વિરોધી વૈશ્વિક લડતના ભાગરૂપે જોતા હતા.
આ બાજુ,સરોજિની પોતાની પોલિટિકલ કરીઅરના સર્વોચ્ચ પદ તરફ આગળ ધપી રહ્યાં હતાં. ૧૯૨૫માં સરોજિનીને કાનપુર અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યાં. આ પદ સંભાળનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં. (કોંગ્રેસનાં પહેલાં મહિલા પ્રમુખ ઍની બેસન્ટ હતાં). બીજી તરફ, તેમનો ભાઈ હજારો કિલોમીટર દૂર દેશનિકાલ ભોગવી રહ્યા હતા, જેમને માત્ર ક્રાંતિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ જ ઓળખતી હતી. વીરેન્દ્રનાથની રાજકીય સફર યુરોપમાં ચાલુ રહી. તેઓ 'લીગ અગેઇન્સ્ટ ઇમ્પિરિયાલિઝમ' સાથે જોડાયા અને ૧૯૨૭માં બ્રસેલ્સ ખાતેની તેની મહત્ત્વપૂર્ણ પરિષદમાં ભાગ લીધો. અહીં તેમની મુલાકાત જવાહરલાલ નેહરુ સાથે થઈ હતી. ભલે થોડી વાર માટે, પણ એક આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી અને ભારતના ભાવિ વડાપ્રધાન એક સાથે સામ્રાજ્યવાદ વિરોધી મંચ પર આવ્યા!
૧૯૩૧માં સરોજિની નાયડુ બીજી ગોળમેજી પરિષદ માટે ગાંધીજી સાથે લંડન ગયાં, કે જ્યાં તેઓ તરૂણાવસ્થામાં વિદ્યાર્થી તરીકે ગયાં હતાં. ૧૯૩૦ના દાયકામાં વીરેન્દ્રનાથ સોવિયેત યુનિયનમાં સ્થાયી થયા અને કમ્યુનિસ્ટ રાજકારણમાં સક્રિય રહ્યા, પરંતુ સ્ટાલિનનું સોવિયેત યુનિયન હવે સામૂહિક સફાયાના ભયાનક દોરમાં પ્રવેશી રહ્યું હતું. આખું જીવન સામ્રાજ્યવાદ સામે લડનાર ક્રાંતિકારી હવે એવી વ્યવસ્થામાં ફસાયા જ્યાં માત્ર શંકા જીવલેણ સાબિત થઈ શકતી હતી. વીરેન્દ્રનાથની જુલાઈ ૧૯૩૭માં ધરપકડ થઈ અને બીજી સપ્ટેમ્બર ૧૯૩૭ના રોજ તેમને ગોળી મારી દેવામાં આવી. વીરેન્દ્રનાથ ક્યારેય વતન પરત ન આવી શક્યા. તેઓ કદી આઝાદ ભારત જોઈ ન શક્યા.
ભારત સ્વતંત્ર થયો પછી સરોજિની નાયડુની યુનાઇટેડ પ્રોવિન્સિસ (હાલનું ઉત્તર પ્રદેશ)નાં રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. બીજી માર્ચ ૧૯૪૯ના રોજ લખનૌમાં રાજ્યપાલ પદે કાર્યરત હતાં ત્યારે જ તેમનું અવસાન થયું. તેમના ભાઈનું અવસાન, અગાઉ નોંધ્યું તેમ, બાર વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું.
સરોજિની નાયડુ જનઆંદોલન, ગાંધીજી સિદ્ધાંતો, કોંગ્રેસ, અહિંસક પ્રતિકાર, સામાજિક સુધારણા, મહિલા અધિકારો અને બંધારણીય લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતાં હતાં, જ્યારે વીરેન્દ્રનાથ ક્રાંતિકારી રાષ્ટ્રવાદ, વિદેશી નેટવર્ક, આંતરરાષ્ટ્રીય જોડાણો, સશ લડત, સામ્રાજ્યવાદનો વિરોધ અને સામ્યવાદનું પ્રતિનિધિત્વ કરતા હતા. બહેન માનતી કે કરોડો ભારતીયોને નૈતિક અને રાજકીય લડતમાં જોડીને બ્રિટીશ સામ્રાજ્યને હરાવી શકાય છે, જ્યારે ભાઈ માનતો કે આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યને આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી નેટવર્ક દ્વારા જ પડકારી શકાય છે. રસ્તા ભલે જુદા હતા, પણ બન્નેનું લક્ષ્ય એક જ હતું: અંગ્રેજોની ગુલામીનો અંત! એક જ પરિવારમાં જન્મેલાં અને ઉછરેલાં આ અસધારણ ભાઈ-બહેન આખી જિંદગી એક જ સપનાં પાછળ દોડતાં રહ્યાં. બહેન જીવતેજીવ સપનું સાકાર થતું જોઈ શકી, જ્યારે ભાઈ આઝાદ ભારત જોવા જીવતો ન રહ્યો…