Editorial

સરદાર અજીત સિંહઃ ભગત સિંહના સગા કાકાનું જીવન ભવ્ય... મોત સુંદર

By GS Team
15 Aug 20266 mins read
TukuTouch Logo
શહીદ ભગતસિંહના કાકા સરદાર અજિત સિંહે 15 ઓગસ્ટ, 1947ની વહેલી સવારે 3:30 વાગ્યે ડેલહાઉસીમાં અંતિમ શ્વાસ લીધા. ચાર દાયકા સુધી દેશનિકાલ ભોગવનાર આ ક્રાંતિકારીએ આઝાદીની ઘોષણા સાંભળવા જ જાણે અંતિમ શ્વાસ બચાવ્યા હોય તેમ, તેમના નિધન બાદ તરત જ ભારતમાં આઝાદીનો સૂર્યોદય થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર અજીત સિંહઃ ભગત સિંહના સગા કાકાનું જીવન ભવ્ય... મોત સુંદર
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • ચાર દાયકા સુધી દેશનિકાલ ભોગવનાર ક્રાંતિકારી સરદાર અજિત સિંહે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની વહેલી સવારે આશરે સાડાત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. એમના મૃત્યુની થોડી જ ક્ષણો બાદ ભારતમાં આઝાદીનો સૂર્યોદય થયો. લોકવાયકા તો એવી છે કે અજીત સિંહે આઝાદીની ઘોષણા સાંભળવા માટે જ પોતાનો અતિમ શ્વાસ બચાવીને રાખ્યો હતો…

કેટલાક લોકોનું જીવન જાણે કોઈ નવલકથાકારે લખ્યું હોય તેવું અદભુત હોય છે. સરદાર અજીત સિંહનું જીવન પણ આવું જ એક ઉદાહરણ છે. તેઓ શહીદ ભગત સિંહના કાકા હતા. સગા કાકા. સરદાર અજીત સિંહની ઘણી વાર ફક્ત આટલી જ ઓળખ આપીને અટકી જવામાં આવે છે, જે એમને અન્યાય કરવા બરાબર છે. ભગત સિંહ હજુ જન્મ્યા પણ નહોતા ત્યારે અજીત સિંહ પંજાબના એક અગ્રણી રાષ્ટ્રવાદી નેતા બની ચૂક્યા હતા. તેઓ જેલમાં રહ્યા હતા, ચાલીસ-ચાલીસ વર્ષ સુધી દેશનિકાલ ભોગવ્યો, અને પછી આવ્યો તેમના જીવનનો સૌથી અદભુત અંત. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ની રાત્રે તેમણે જવાહરલાલ નેહરુનું પેલું 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' (ભાગ્ય સાથે મેળાપ)વાળું પ્રસિદ્ધ ભાષણ સાંભળ્યું, અને ૧૫ ઓગસ્ટના પરોઢિયે - જે આઝાદ ભારતનો પહેલો દિવસ હતો - અજીત સિંહે અંતિમ શ્વાસ લીધા. આ એક ક્ષણની દિવસની રાહ જોવામાં એમણે પોતાના જીવનના ચાર દાયકા ખર્ચી નાખ્યા હતા…
અજીત સિંહના જીવન પર ધ્યાનથી નજર ફેરવવા જેવી છે. એમનો જન્મ ૨૩ ફેબુ્રઆરી, ૧૮૮૧ના રોજ પંજાબના ખટકડ કલાં ગામે થયો હતો. તેમના પિતા અર્જન સિંહ રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા હતા.અજીતના મોટા ભાઈ કિશન સિંહ એટલે ભગત સિંહના પિતાજી. ત્રીજા ભાઈ સ્વર્ણ સિંહ પણ આઝાદીની લડતમાં જોડાયા હતા.
અજીત સિંહે જલંધરની સાંઈ દાસ એંગ્લો-સંસ્કૃત સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને બાદમાં લાહોરની ડી.એ.વી. કોલેજમાં અભ્યાસ કર્યો. પછી કાયદાનો અભ્યાસ કરવા બરેલી કોલેજ ગયા તો ખરા, પણ ભણતર પૂરું ન કર્યું. ૧૯૦૩માં એમનાં લગ્ન હરનામ કૌર નામની કન્યા સાથે થયાં, અને જીવનનો અત્યંત મહત્ત્વનો વળાંક આવ્યો ૧૯૦૬માં. બ્રિટિશ સરકારે પંજાબના ખેડૂતોને અસર કરતા કેટલાક કાયદાઓ લાગુ કર્યા, જેમાંથી 'પંજાબ કોલોનાઇઝેશન બિલ' નામનો કાયદો ખેતીની જમીનના વારસાઈ હકોમાં અકારણ દખલઅંદાજી કરતો હતો. આ ઉપરાંત પાણીના દરોમાં વધારો કરવામાં આવ્યો અને સાથે જ જમીન મહેસૂલ પણ વધારવામાં આવ્યું. પંજાબના ખેડૂતો માટે આ માત્ર સરકારી કાયદા નહોતા. જમીન તેમની આજીવિકા, વારસો, પરિવારની આબરૂ અને અસ્તિત્વનો સવાલ હતી.
૧૯૦૬માં કલકત્તામાં દાદાભાઈ નવરોજીના અધ્યક્ષપદે યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધા પછી, અજીત સિંહ અને તેમના ભાઈઓ લોકોને જાગૃત કરવાના દ્રઢ સંકલ્પ સાથે પંજાબ પાછા ફર્યા. તેઓ બાળ ગંગાધર તિલકની પ્રખર અને આક્રમક રાષ્ટ્રવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા. સૂફી અંબા પ્રસાદ અને અન્ય સાથીઓ સાથે મળીને તેમણે 'ભારતમાતા સોસાયટી'ની સ્થાપના કરી, જે રાષ્ટ્રવાદી સાહિત્ય વહેંચવાનું અને અંગ્રેજો સામે લોકોને જગાડવાનું કામ કરતી હતી.
માણસનેે ઘણી વાર પોતાની શક્તિઓ વિશે અંદાજ હોતો નથી. આમ પ્રજા સાથે સંપર્ક શરૂ થયો તે પછી અજીત સિંહને ખુદને અહેસાસ થયો કે સામાન્ય લોકો સાથે સીધો સંવાદ સાધવામાં તેમને સહજ ફાવટ છે. તેમણે સમગ્ર પંજાબમાં ફરીને ખેડૂતોની વિશાળ સભાઓ સંબોધી. તેમનો સંદેશ સરળ અને સ્પષ્ટ હતોઃ ખેડૂતોએ પોતાના હકો અને સ્વાભિમાન માટે લડવું જ પડશે. બ્રિટિશ સરકાર ડરી ગઈ. એમને સૌથી વધારે ફફડાટ ડર એ વાતનો હતો કે પંજાબના ખેડૂતોનો આ રોષ અંગ્રેજ સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો સુધી પહોંચી ન જાય, કારણ કે સેનામાં મોટાભાગના સૈનિકો પંજાબમાંથી આવતા હતા.
આંદોલન સફળ રહ્યું. સરકારે ઝૂકવું પડયું અને પેલા વાંધાજનક કાયદા પાછા ખેંચવા પડયા. પંજાબના ખેડૂતો માત્ર મોદી રાજમાં જ નહીં, બ્રિટિશ કાળમાં પણ ભારે લોંઠકા સાબિત થયા છે! મે ૧૯૦૭માં લાલા લજપત રાયની ધરપકડ કરવામાં આવી. થોડા જ સમયમાં અજીત સિંહની પણ ધરપકડ થઈ. કોઈ પણ જાતની અદાલતી કાર્યવાહી કર્યા વગર એમને સીધા બર્મા (મ્યાનમાર)ના માંડલે ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. અજીત સિંહ માંડલેની જેલમાં હતા તે દરમિયાન, ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ તેમના ભત્રીજાનો જન્મ થયો. આ નવજાત શિશુ એટલે ભગત સિંહ, જે આગળ જતાં ભારતના સર્વકાલીન મહાનતમ શહીદ તરીકે અમર બની જવાનો હતો!
નવેમ્બર ૧૯૦૭માં અજીત સિંહ માંડલેથી છૂટયા, પણ અંગ્રેજો સતત તેમની જાસૂસી કરતા રહ્યા. અજીત સિંહ સમજી ગયા કે ગમે ત્યારે મારી ફરીથી ધરપકડ થઈ શકે છે. તેથી ૧૯૦૯માં તેઓ સૂફી અંબાપ્રસાદ સાથે ગુપચુપ ભારત છોડીને નીકળી ગયા.
અજીત સિંહ પહેલાં ઈરાન અને તુર્કી ગયા, ત્યારબાદ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડ. તેમણે ખોટાં નામો ધારણ કર્યા, ભારતીય ક્રાંતિકારીઓ સાથે સંપર્કો વધાર્યા અને સામ્રાજ્યવાદ સામે લડતા લોકોનું એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઊભું કર્યું. યુરોપમાં તેઓ લાલા હરદયાળ, લિયોન ટ્રોત્સ્કી અને બેનિટો મુસોલિની જેવી વિવિધ વિચારધારા ધરાવતા લોકોને મળ્યા. તેઓ હવે માત્ર એક પંજાબી નેતા ન હતા, હવે તેઓ એક આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી બની ચૂક્યા હતા! ૧૯૧૪માં તેઓ બ્રાઝિલ ગયા. આજથી સો-સવાસો વર્ષ પહેલાં એક ભારતીય ક્રાંતિકારી માટે બ્રાઝિલ પહોંચે તે વાત જ ભારે રોમાંચક લાગે છે. અહીં તેમણે ૧૮ વર્ષ વિતાવ્યા, ઉત્તર અમેરિકાના 'ગદર નેટવર્ક' સહિતના ક્રાંતિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો.
અજીતસિંહ દેશ-વિદેશમાં ભટકી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ પંજાબમાં તેમની પત્ની હરનામ કૌર એકલાં પડી ગયાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું. વર્ષો સુધી હરનામ કૌરને ખબર સુધ્ધાં નહોતી કે તેમનો પતિ ક્યાં છે કે જીવે પણ છે કે નહીં. ૧૯૧૨માં પરિવારને થોડી માહિતી મળી, પણ સીધો સંપર્ક થઈ શકે તેમ નહોતો. છેવટે ૧૯૨૮માં અમેરિકન એક્ટિવિસ્ટ એગ્નેસ સ્મેડલીની મદદથી રિયો ડી જાનેરોમાં રહેતા અજીત સિંહનું સરનામું ભગત સિંહ અને તેમના સાથીઓને મળ્યું. દેશની આઝાદીની લડતમાં ઊતરી ચૂકેલા ભગત સિંહ સમાંતરે પોતાના રહસ્યમય કાકાની શોધ પણ કરી રહ્યા હતા!
ભગતસિંહ મોટા થઈ રહ્યા હતા ત્યારે અજીતકાકા ભલે એમની આસપાસ નહોતા, પણ યુવાન ભગતસિંહના વિચારો પર કાકાનો ભારે પ્રભાવ હતો. દાયકાઓ સુધી ગાયબ રહેલા આ ક્રાંતિકારી કાકા પરિવાર માટે પણ એક દંતકથા સમાન બની ગયા હતા. કાકા-ભત્રીજાએ એકબીજાનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એવા પુરાવા પણ મળે છે કે ભગત સિંહને ફાંસીથી બચાવવાની અજીતસિંહે કોશિશ સુધ્ધાં કરેલી.
૧૯૩૦ના દાયકામાં અજીત સિંહ યુરોપ પાછા ફર્યા. ફ્રાન્સ, સ્વિટ્ઝલેન્ડ અને જર્મનીમાં રહીને ક્રાંતિકારીઓ સાથેના સંપર્કો પુનઃ જીવિત કર્યા. સુભાષચંદ્ર બોઝને પણ મળ્યા. બીજું વિશ્વયુદ્ધ નજીક આવતાં અજીત સિંહ ઇટાલી ગયા અને 'ફ્રેન્ડ્સ આફ ઇન્ડિયા સોસાયટી'ની સ્થાપના કરી. આજે કદાચ ઇટાલી અને સાથી રાષ્ટ્રો સાથેનો તેમનો સંબંધ વિવાદાસ્પદ લાગી શકે, પરંતુ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવાનો હતો - સુભાષચંદ્ર બોઝની જેમ! ઇટાલીની હાર થતાં અજીત સિંહની ધરપકડ થઈ. તેમને પહેલાં ઇટાલી અને પછી જર્મનીની જેલમાં રાખવામાં આવ્યા. વર્ષોના દેશવટા, કેદ અને અપાર કઠણાઈઓને કારણે એમની તબિયત ન લથડે તો જ નવાઈ.
આ બાજુ ભારતમાં પરિસ્થિતિ ઝપાટાભેર બદલાઈ રહી હતી. અંગ્રેજો ભારત છોડવાની તૈયારીમાં હતા. અજીત સિંહની બગડતી તબિયતના સમાચાર મળતાં ભારતીય નેતાઓએ જવાહરલાલ નેહરુને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. સદનસીબે આ પ્રયાસો સફળ રહ્યા. સરદાર અજીત સિંહને મુક્ત કરવામાં આવ્યા. વાયા લંડન થઈને તેઓ ભારત આવ્યા. ૭ માર્ચ, ૧૯૪૭ના રોજ, લગભગ ૩૮ વર્ષ પછી, ૬૬ વર્ષની ઉંમરે અજીત સિંહે માતૃભૂમિ પર પગ મૂક્યો. જરા કલ્પના કરો. ૧૯૦૯માં જે યુવાન વિદ્રોહી બનીને દેશ છોડીને ભાગ્યો હતો તે હવે એક વૃદ્ધ અને બીમાર માણસ બનીને પાછો ફર્યો હતો. ભત્રીજા ભગત સિંહને ફાંસી અપાયાને ૧૬ વર્ષ વીતી ચૂક્યાં હતાં. તેમનું પોતાનું યૌવન સમાપ્ત થઈ ગયું હતું… પણ જે સપના માટે તેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું, તે આઝાદી હવે નજર સામે હતી.
૧૯૪૭ના એપ્રિલ મહિનામાં તેઓ લાહોર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. પરંતુ તેમની તબિયત ઝપાટાભેર બગડતી જતી હતી. પહાડોની ચોખ્ખી હવામાં સ્વાસ્થ્ય સુધરશે તેવી આશા સાથે તેમને જુલાઈમાં ડેલહાઉસી લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું આયુષ્ય હવે અંત તરફ આગળ વધી રહ્યું હતું.
…અને પછી આવ્યો ૧૪ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ. દેશ આઝાદ થઈ રહ્યો હતો. અજીત સિંહે જવાહરલાલ નેહરુનું ભાષણ સાંભળ્યું. જે દેશ માટે તેમણે આખી જિંદગી કુરબાન કરી દીધી હતી તે દેશ આખરે મુક્ત થઈ ગયો છે તે વાતની પ્રતીતિથી તેઓ અત્યંત ભાવુક થઈ ગયા. તઓ માત્ર આટલું જ બોલી શક્યાઃ 'જય હિન્દ…'
…અને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની વહેલી સવારે આશરે ૩ઃ૩૦ વાગ્યે સરદાર અજીત સિંહે અંતિમ શ્વાસ લીધા. એમના મૃત્યુની થોડી જ ક્ષણો પછી ભારતમાં આઝાદીનો સૂર્યોદય થયો. લોકવાયકા તો એવી છે કે અજીત સિંહે આઝાદીની ઘોષણા સાંભળવા માટે જ પોતાનો અતિમ શ્વાસ બચાવીને રાખ્યો હતો.
કેવું ભવ્ય જીવન… કેવું સુંદર મોત!