Editorial

લઠ્ઠાકાંડ બાદ પોલીસનું બુટલેગરો સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
લઠ્ઠાકાંડ બાદ પોલીસ મંડળી ભેગી થઈ હતી. પો.કો.ને સપનામાં ગાંધીજી આવ્યા, જેમણે લઠ્ઠાકાંડ મુદ્દે આંદોલન કરવાની વાત કરી. PSIએ બુટલેગરો સામે આંદોલન કરવાનું સૂચવ્યું, જેથી રાજ્યનો પૈસો દીવ, દમણ, આબુ ન જાય. હે.કો.એ બુટલેગરોને શોધવામાં મુશ્કેલી જણાવી, કારણ કે હવે ઓનલાઈન ઓર્ડર થાય છે. આથી, પોલીસે ઓનલાઈન આંદોલન કરવાનું નક્કી કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લઠ્ઠાકાંડ બાદ  પોલીસનું બુટલેગરો સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન
  • અગડમ્ બગડમ્ - બાબા આદમ
  • રાજ્યનો પૈસો દીવ, દમણ, આબુ ન ઘસડાઈ જાય તે માટે પોલીસ સહકાર આપે છે
    લઠ્ઠાકાંડ બાદ પો.કો., હે.કો, એએસઆઈ, પોસઈ આણિ પોલીસ મંડળી કોરીકટ હાલતમાં ભેગી થઈ.
    પો.કો. : એલા…મને ગાંધીજી સપનામાં આવ્યા.
    હે.કો. : હે? લ્યા, તો તો તું હવે મોટો નેતા થવાનો. ગાંધીજીને અને સપનાંને બહુ સંબંધ. દરેક નેતા ગાંધીજીના સપનાં પ્રમાણેનો દેશ બનાવી દેશું એમ કહેતા હોય છે.
    પોસઈ: ને એમ કહેતાં કહેતાં ગાંધીછાપ નોટો ભેગી કરતા હોય છે.
    એએસઆઈ: એકચ્યુઅલી નેતાઓ પ્રજાને ધોળા દિવસે સપનાં દેખાડી ગાંધીછાપ નોટો ભેગા કરતા હોય છે.
    પો.કો.: લ્યા, કોઈ એમ તો પૂછો કે ગાંધીજીએ મને સપનામાં શું કીધું ?
    એએસઆઈ: ડફોળ, બીજી ઓક્ટોબરના ડ્રાય ડેને હજુ વાર છે. ગાંધીજીએ કીધુ હોય એ બધું ત્યારે જ યાદ કરવાનું.
    પો.કો.: અરે યાર, આ ડ્રાય ડે વાળી જ વાત હતી. ગાંધીજીએ મને સપનામાં પૂછ્યું કે આજકાલ શું ચાલે છે ? તો મેં કહ્યું લઠ્ઠાકાંડ..મારો જવાબ સાંભળી ગાંધીજી આંદોલન..આંદોલન…એવું બોલતા રહ્યા ને ત્યાં મારું સપનું તૂટી ગયું.
    હે.કો.: ગાંધીજીના મોટાભાગનાં સપનાં તૂટી ગયાં છે, એમાં નવાઈની વાત નથી.
    પીએસઆઈ: ભઈ, લઠ્ઠાકાંડ પછી ગાંધીજીએ આંદોલન કરવાનું કીધું ? મતલબ કે ગાંધીજી આપણને લઠ્ઠાકાંડ મુદ્દે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું કહી ગયા.
    એએસઆઈ: બોસ, દેશે પ્રગતિ કરી લીધી છે. હવે ગાંધી ચિંધ્યા નહિ પરંતુ જેન-ઝી ચિંધ્યા માર્ગે આંદોલનનો જમાનો છે.
    પો.કો.: સાહેબ, આપણે લઠ્ઠાકાંડમાં કોની સામે આંદોલન કરવાનું ? પીનારા સામે ?
    પીએસઆઈ: ના..ના…પીનારાની સંખ્યા તો બહુ ઝાઝી છે એટલે એમની સામે આંદોલનમાં આપણે નહીં પહોંચી વળીએ. હું તો કહું છું કે આપણે બૂટલેગરો સામે આંદોલન કરીએ. એમને સમજાવીએ કે જેટલો દારુ વેચવો હોય તેટલો વેચો પણ આ લઠ્ઠાવાળું રહેવા દો. આપણાં રાજ્યનો પૈસો દિવ, દમણ, આબુ, રતનપુર ન ઘસડાઈ જાય તે માટે પોલીસ આટલો સહકાર આપે છે તો તમે પણ એટલો સહકાર આપો.
    હે.કો.: સર, પ્રોબ્લેમ છે. આપણે બૂૂટલેગરો સામે આ આંદોલન કરવા જશું ક્યાં ?
    એએસઆઈ: સસ્પેન્ડ કરી દો આને. પોલીસમાં ભરતી થઈને ખબર નથી કે બૂટલેગરો કોણ છે ? ક્યાં ક્યાં સ્ટેન્ડ ચાલે છે ?
    હે.કો.: સર, એ બધાં લિસ્ટ જૂનાં થઈ ગયાં. હવે ક્યાં અસલના જમાના જેવા અડ્ડા ચાલે છે? હવે તો વ્હોટસ એપ ને ફેસબૂક ચેટ પર જ ઓર્ડર અપાય છે ને ડિલિવરી ગોઠવાઈ જાય છે. બધું ઓનલાઈન થઈ ગયું છે સર…
    પો.કો.: તો બરાબર છે. આપણે આંદોલન પણ ઓનલાઈન જ કરશું. અહિંયા સ્ટેશનમાં જ બેઠાં બેઠાં જ આંદોલન પતાવી દેશું….
    એએસઆઈ: જેમ અહીં થી બહાર નીકળ્યા વગર બેઠાં બેઠાં જ કાયદો ને વ્યવસ્થા જાળવીએ છીએ તેમ….
    પોલીસ મંડળી ખિલખિલાટ હસી પડી.