કેટેલોનિયાએ ફરી વખત સ્પેનથી અલગ થવાનો સંઘર્ષ આદર્યો

પૂર્વ યુરોપની સરખામણીએ પશ્ચિમ યુરોપ શાંત અને સંગઠિત મનાતું રહ્યું છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સ્પેનના કેટેલોનિયા ઉપરાંત બાસ્ક પ્રદેશ તેમજ સ્કોટલેન્ડની બ્રિટનથી જુદાં થવાની માંગ પણ ઊઠી રહી છે
નેવુંના દાયકામાં સોવિયેત સંઘના વિઘટન અને યૂગોસ્લાવિયાના લોહિયાળ સંઘર્ષ બાદ પૂર્વ યુરોપમાં અનેક નવા દેશોનો ઉદય થયો. પૂર્વ યુરોપમાં અવારનવાર થતાં આવા વિગ્રહોની સરખામણીમાં પશ્ચિમ યુરોપ કાયમ મજબૂત અને શાંત મનાતું રહ્યું. જોકે છેલ્લા થોડા વર્ષોથી પશ્ચિમ યુરોપના અનેક દેશોમાં પણ સ્વતંત્રતા આંદોલનો જોર પકડી રહ્યાં છે. આમાં સ્પેનના કેટલોનિયા નામના પ્રદેશનું સ્વતંત્રતા આંદોલન મુખ્ય છે.
ગયા અઠવાડિયે કેટેલોનિયાની આઝાદીના નિષ્ફળ પ્રયાસ કરનારા ૯ અલગતાવાદી નેતાઓને સ્પેનની અદાલતે સજા આપ્યા બાદ કેટેલોનિયામાં ફરી વખત ક્રોધ ભભૂકી ઉઠયો અને લાખો પ્રદર્શનકર્તાઓએ સ્પેનની રાજધાની બાર્સેલોના તરફ કૂચ કરીને પ્રચંડ વિરોધ નોંધાવ્યો.
બે વર્ષ પહેલાં કેટેલોનિયાએ પોતાને સ્પેનથી સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ કેટેલોનિયાની સંસદે સ્પેનથી જુદાં થવાની તરફેણમાં મતદાન કર્યું હતું. વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબરમાં કેટેલોનિયામાં આઝાદીના મુદ્દે જનમત સંગ્રહ કરવામાં આવ્યો. આ જનમત સંગ્રહમાં ૪૩ ટકા લોકોએ મતદાન કર્યું જેમાંના ૯૦ ટકા લોકોએ આઝાદીના પક્ષમાં વોટ આપ્યો.
જોકે કેટેલોનિયાના સંસદના આ નિર્ણયને સ્પેનની સરકારે ગેરબંધારણીય ઠરાવીને સંસદને જ બરખાસ્ત કરી દીધી અને પ્રદેશની સ્વાયતતા ખતમ કરીને સ્પેનનું સીધું શાસન સ્થાપી દીધું. યુરોપિયન યુનિયને કેટેલોનિયાની અલગ થવાની જાહેરાતને ટેકો ન આપવાની જાહેરાત કરીને સ્પેનના સાર્વભૌમત્વને જાળવી રાખવાનો આદેશ આપ્યો. તો બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે પણ સ્પેનની રાષ્ટ્રીય એકતાને સમર્થન આપવાનું જાહેર કરીને કેટેલોનિયાની અલગ રાષ્ટ્રની જાહેરાત ફગાવી દીધી.
હકીકતમાં કેટેલોનિયા છેલ્લા ઘણાં વર્ષોથી સ્પેનથી અલગ થવા માટે મથી રહ્યું છે. સ્પેનની કુલ ૪ કરોડ ૬૪ લાખ વસતીમાંથી ૭૪ લાખની જનસંખ્યા ધરાવતા કેટેલોનિયાની માથાદીઠ આવક સ્પેનની માથાદીઠ આવક કરતા ઘણી વધારે છે. તો સ્પેનના ૧૯.૬ ટકા બેરોજગારી દરની સરખામણીમાં કેટેલોનિયાનો બેરોજગારી દર ૧૫.૭ ટકા છે.
સ્પેનથી અલગ થવા માટે કેટેલોનિયા માટે આ આર્થિક અસમાનતા ઘણું મોટું કારણ છે. બીજું કારણ છે કેટેલોનિયાની સ્પેનથી જુદી સંસ્કૃતિ. સ્પેનનો સૌથી સમૃદ્ધ પ્રદેશ ગણાતા કેટેલોનિયાનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે.
એક હજાર વર્ષના આ સમયગાળા દરમિયાન ઘણો ખરો સમય કેટેલોનિયા સ્પેનથી સ્વતંત્ર રહ્યું છે. જ્યારે જ્યારે કેટેલોનિયા સ્પેનના આધિપત્ય હેઠળ રહ્યું ત્યારે ત્યારે તેમની ભાષા પર નિયંત્રણો લદાયા અને સંસ્કૃતિનું દમન થયું. સ્પેનના ગૃહયુદ્ધ પહેલા આ પ્રદેશ સ્વાયત હતો પરંતુ જનરલ ફ્રાન્સિસ્કો ફ્રેન્કોની સરમુખત્યારશાહી હેઠળ ૧૯૩૯થી ૧૯૭૫ દરમિયાન તેની સ્વાયતતા ખતમ કરી નાખવામાં આવી હતી. ફ્રેન્કોના શાસન દરમિયાન સ્પેનના બીજા પ્રદેશોમાંથી ૨૦ લાખ જેટલા નાગરિકોને લાવીને કેટેલોનિયામાં વસાવવામાં આવ્યાં. આ લોકો જ અત્યારે કેટેલોનિયાને સ્પેનથી જુદા કરવાનો વિરોધ કરી રહ્યાં છે.
ફ્રેન્કોના મૃત્યુ બાદ કેટેલોનિયાને આઝાદ કરવાની માંગ ફરી વખત પ્રબળ બની જેના પરિણામે ૧૯૭૮માં સ્પેનના બંધારણમાં આ પ્રદેશને ફરી સ્વાયત જાહેર કરવામાં આવ્યો. એ પછી સ્પેનમાં ૨૦૦૬માં કાયદા હેઠળ કેટેલોનિયાના વધારે સત્તાઓ આપવામાં આવી. જોકે ૨૦૧૦માં સ્પેનની અદાલતે કેટેલોનિયાની સત્તાઓ પાછી લઇ લીધી જેના બાદ ત્યાં ફરી વખત સ્પેનથી અલગ થવાની માંગ ઊઠી. ૨૦૧૫માં સ્પેનમાં થયેલી ચૂંટણીમાં કેટેલોનિયાના અલગતાવાદીઓને જીત મળી. આ અલગતાવાદી નેતાઓએ કેટેલોનિયાને સ્પેનથી આઝાદ કરાવવા માટે જનમત સંગ્રહ કરાવવાનું વચન આપ્યું હતું.
આમ તો સ્પેન સાથે જોડાયેલા હોવા છતા અલગ રાષ્ટ્ર તરીકે હોવી જોઇએ તેવી ઘણી વ્યવસ્થા કેટેલોનિયામાં મોજૂદ છે. આ પ્રદેશને પોતાનો ધ્વજ છે, અલગ સંસદ છે અને પોલીસફોર્સ પણ છે. ઉપરાંત વ્યાપાર અને રોકાણ માટે કેટેલોનિયાના વિદેશોમાં પોતાના પ્રતિનિધિઓ પણ છે. વળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સાર્વજનિક સેવાઓનું નિયમન પણ આ પ્રદેશ પોતે કરે છે.
ખરું જોતા કેટેલોનિયા સ્પેનના અન્ય પ્રાંતો કરતા વધારે સમૃદ્ધ અને સંપન્ન છે. અહીંયા સ્પેનની કુલ વસતીના ૧૬ ટકા હોવા છતાં સ્પેનની જીડીપીમાં ૧૯ ટકા અને નિકાસમાં ૨૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. સ્પેનના પર્યટન ઉદ્યોગમાં પણ કેટલોનિયાનું ખાસ્સું વર્ચસ્વ છે.
કેટલોનિયામાં આવેલું ટારાગોના સમગ્ર યુરોપમાં રાસાયણિક ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. તો બાર્સેલોના યુરોપિયન યુનિયનના ૨૦ સૌથી મોટા બંદરોમાં સ્થાન ધરાવે છે. સ્પેનથી અલગ થવા માગતા કેટેલોનિયનવાસીઓનું માનવું છે કે તેમના પ્રદેશની આવકનો મોટો હિસ્સો સ્પેનના રાજકોષમાં જતો રહે છે.
વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબરમાં કેટેલોનિયા નામે અલગ રાષ્ટ્ર રચવાના નિષ્ફળ પ્રયાસ બાદ કેટેલોનિયાના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી તો બીજા કેટલાંયે નેતાઓ દેશ છોડીને નાસી ગયા હતાં. ગયા સોમવારે સ્પેનની સુપ્રીમ કોર્ટે જે નેતાઓને લાંબી સજા ફરમાવી એમાં કેટેલોનિયાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઓરિયોલ ખુનકુરાસ અને કેટેલોનિયા સંસદના ભૂતપૂર્વ પ્રમુખ કાર્મે ફોર્કાડેલનો સમાવેશ પણ થાય છે. હિંસક બનેલા આંદોલનના કારણે સ્પેનના માર્ગ અને રેલવ્યવહારને પણ ભારે અસર થઇ છે તો ઉદ્યોગધંધાને પણ મોટું નુકસાન જઇ રહ્યું છે.
આમ તો બે વર્ષ પહેલાં કેટેલોનિયાના સંઘર્ષને દબાવી દીધાં બાદ રાખ નીચે રહેલાં અંગારની જેમ કેટેલોનિયાવાસીઓનો રોષ દબાઇ રહ્યો હતો જે તેમના નેતાઓને થયેલી સજા બાદ ફરી વખત ભભૂકી ઉઠયો છે અને એ સાથે જ કેટેલોનિયાને સ્પેનથી આઝાદ કરાવવાની માંગ પહેલા કરતા પણ વધારે જોરથી ઊઠી રહી છે.
સ્પેનની સુપ્રીમ કોર્ટના અલગતાવાદીઓને મહત્તમ ૧૩ વર્ષની સજા ફરમાવતા ચુકાદા બાદ સ્પેનમાં છેલ્લા અનેક દાયકાઓમાં સૌથી ગંભીર હિંસક પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકર્તાઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો સર્જાઇ જેના કારણે સ્પેનની સરકારની સાથે સાથે કેટેલોનિયાની આઝાદીસમર્થક સરકાર માટે પણ અનેક પડકારો ઊભા થયા છે.
છેલ્લા ઘણાં સમયથી યુરોપીય દેશોના ઘણાં પ્રાંતો પોતાના દેશોથી અલગ થવાની માગણી કરી રહ્યાં છે. સ્પેનની જ વાત કરીએ તો કેટલોનિયા ઉપરાંત બાસ્ક નામનો તેનો પાડોશી પ્રદેશ પણ સ્પેનથી જુદા થવાની માંગ કરી રહ્યો છે. સ્પેનનો આ એક માત્ર પ્રદેશ એવો છે જે સ્પેન સરકારને ટેક્સની રકમ આપતો નથી.
બાસ્ક પ્રદેશ પોતાની કરવસૂલી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. કેટલોનિયાની જેમ જ સરમુખત્યાર ફ્રાન્કોના શાસનમાં બાસ્કનું ભારે શોષણ કરવામાં આવ્યું જેના કારણે થયેલા આંદોલનોએ અલગતાવાદી સમૂહોને જન્મ આપ્યો. બાસ્ક પ્રદેશના આઝાદીના સંઘર્ષમાં છેલ્લા ૫૦ વર્ષમાં ૮૦૦ જણા માર્યા ગયા છે.
છેલ્લા ૩૦૦ વર્ષોથી બ્રિટનનો ભાગ રહેલું સ્કોટલેન્ડ પણ ઘણા સમયથી સ્વતંત્ર થવાની માંગ કરી રહ્યું છે. સ્કોટલેન્ડની પોતાની સંસદ પણ છે અને ત્યાંની સ્કોટિશ નેશનલ પાર્ટી પણ સ્કોટલેન્ડની આઝાદીનું સમર્થન કરે છે. ૨૦૧૪માં સ્કોટલેન્ડમાં જનમત સંગ્રહના પ્રયાસો પણ થયા હતાં જે નિષ્ફળ નીવડયાં હતાં.
જોકે બ્રેક્ઝિટ એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન જુદું થયા બાદ સ્કોટલેન્ડમાં આઝાદીની માંગ ફરી વખત પ્રબળ બની છે. સ્કોટલેન્ડમાં ફરી જનમત સંગ્રહની કોશિશો થાય એવી શક્યતા છે. આ ઉપરાંત બેલ્જિયમનો ફ્લેમિશ ભાષીઓની બહુમતિવાળો ફ્લેન્ડર્સ પ્રદેશ પણ અલગ થવાની માંગ કરી રહ્યો છે.
ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલું પડાનિયા પણ આર્થિક કારણોસર ઇટાલીથી જુદાં થવાની માંગ કરી રહ્યું છે. પડાનિયાના લોકોનું માનવું છે ઇટાલીના દક્ષિણ હિસ્સાની સરખામણીમાં તેઓ વધારે મહેનત કરીને વધારે પૈસા કમાય છે. ૧૯૯૦ના દશકમાં પડાનિયાની લીગા નોર્ડ પાર્ટીએ ઇટાલીથી અલગ થવાની માંગ કરી હતી.
તો ઇટાલીની ઉત્તરનો એક અન્ય પ્રદેશ સાઉથ ટિરોલ પણ ઇટાલીથી અલગ થવા માંગે છે. આ પ્રદેશ પહેલા વિશ્વયુદ્ધના અંત સુધી ઓસ્ટ્રિયા-હંગેરી સામ્રાજ્યનો હિસ્સો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ સાઉથ ટિરોલને વધારે રાજકીય અને ભાષાકીય સ્વતંત્રતા મળી અને આ સમૃદ્ધ ક્ષેત્રને આજે પણ પોતાની સરકારી તિજોરી નિયંત્રણમાં રાખવાની સત્તા છે.
એક તરફ એશિયામાં હોંગકોંગમાં ચીનથી સ્વતંત્ર થવાની માંગ પ્રબળ બની રહી છે તો બીજી તરફ યુરોપમાં કેટેલોનિયા આઝાદ થવા માટે થનગની રહ્યું છે. હાલ તો બંને પ્રદેશોમાં સરકારો પોતાનું આધિપત્ય જાળવી રાખવા મથી રહી છે જેના કારણે વર્ષોથી શાંતિપૂર્ણ રહેલો વિરોધ હિંસક બની રહ્યો છે એવામાં આગામી દિવસોમાં હિંસક અથડામણો વધવાની પૂરેપૂરી સંભાવના છે.




