નવી ગુજરાતી ફિલ્મઃ માર્ક ઝુકરિયા માફી માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ફેસબુક લેખકમંડળ દ્વારા ફિલ્મની સ્ક્રિપ્ટ લખાશે, ફેસબુકના રિવ્યુકારો ડિરેક્શન આપશે
'ચાલો, ચાલો… માફી મગાવવાનો સમય આવ્યો છે.' ફેસબુક લેખક મંડળના પ્રમુખે એલાન કર્યું.
'કોની માફી મગાવવાની છે? તમારી પાછલી ચાર પોસ્ટ લાઈક નહિ કરનારની કે તમારી ગયા મહિનાની પોસ્ટ પર આ લેખ નબળો છે તેવી કોમેન્ટ કરનારની,' ઉપપ્રમુખે ક્વેરી કાઢી.
'એલા મારા ભાઈ, ઓલ્યા માર્ક ઝુકરબર્ગની માફી મગાવવાની છે. અત્યારે એની માફી મગાવવાનું ટ્રેન્ડમાં છે. એણે આખા દેશની માફી માગવાની છે. દેશ એટલે જનતા ને આ સોશિયલ મીડિયાના જમાનામાં તો જનતા એટલે ફેસબુક. હવે આ દેશનું ભાવિ સ્કૂલોની બુક કે ચૂંટણી પંચની મતદાર બુક નહિ પણ ફેસબુક જ નક્કી કરે છે. ઝુકરિયા પાસે આપણે સૌ માફી મગાવીશું…' પ્રમુખે ખાંડાં ખખડાવ્યાં.
'ઝુકરબર્ગનો વાંક શું , ગુનો શું?' બીજા ઉપપ્રમુખે જિજ્ઞાાસા વ્યક્ત કરી.
'આ આપણા જેવા હાલતા-ચાલતા કંઈકને ફેસબુક પર લેખક બનાવી દીધા એ માર્કનો સૌથી મોટો ગુનો.' એક અસંતુષ્ટ સભ્યની કોમેન્ટ આવી.
'પ્લીઝ, ઝુકરબર્ગ માફી ન માગે તો તેના વિરોધમાં ફેસબુકના બહિષ્કારનું એલાન ન આપતા. મારે હજુ મારા લેખો પર પાંચ-પાંચ ડઝન લાઈકો ઉઘરાવવાની બાકી છે.' એક નવોદિત લેખક રડું રડું થઈ ગયા.
ખજાનચીએ વ્યવહારુ સવાલ કર્યો. 'બધું બરાબર, પણ આ માફી ક્યાં કેવી રીતે મગાવવાની છે. મંડળના હોદ્દેદારો વિદેશ પ્રવાસે જવાના છે? કે ઝુકરબર્ગને ઈમેઈલ કે એની પોસ્ટ પર કોમેન્ટમાં પતાવવાનું છે? ફોડ પાડો તો બજેટની જોગવાઈ કરવાની ખબર પડે. હજુ ગયા ચોમાસાની ચા-ભજીયાં પાર્ટીનું અમુક સભ્યોનું કન્ટ્રીબ્યુશન પણ બાકી છે.'
પ્રમુખ કહે, 'આપણે નબળું કાંઈ વિચારતા જ નથી. જુઓ, આપણે નક્કી કર્યું છે કે જેમ નોટબંધીને વાજબી ઠેરવવા 'ધુંરધર' ફિલ્મ બની તેમ ઝુકરબર્ગની માફી જરુરી છે એવું સાબિત કરવા 'માર્ક ઝુકરિયા માફી માગ' એ નામની ગુજરાતી ફિલ્મ બનાવવાની. આપણે સૌ ફેસબુક લેખકમંડળના સભ્યો એનું સહિયારું સ્ક્રિપ્ટ રાઇટિંગ કરશું. ઝુકરિયાએ કઈ કઈ બાબતોની માફી માગવાની છે એની યાદી બનાવી, એ પ્રમાણે પ્રસંગો અને સંવાદો તૈયાર કરશું. પબ્લિક આપણી ફિલ્મના એક એક સીનના રીલ વાયરલ કરી દેશે. ઝુકરિયો એ જોઈને ઊંચોનીચો થઈ જશે.'
પેલા અસંતુષ્ટ લેખક કહે, 'ખાલી લખવાથી તો ફેસબુકની પોસ્ટ બને. ફિલ્મ નહીં. ફિલ્મ ડિરેક્ટ કોણ કરશે?'
મંત્રીને આઇડિયા આવ્યો. 'અરે ભાઈ, ગુજરાતી ફિલ્મોના તો જેટલા દર્શકો નથી તેટલા ફેસબુક રિવ્યુકારો છે. એ બધાને જ સંયુક્ત રીતે ડિરેક્શન આપી દેશું એટલે આપણી ફિલ્મ બેસ્ટ જ બની છે એવું એ બધા રિવ્યુકારો એક ઝાટકે કહી દેશે.'
ઉપપ્રમુખે ફરી સવાલ ઉઠાવ્યો. 'અરે, પણ ઝુકરબર્ગ પાસે માફી મગાવવાથી આપણા ફેસબુક લેખક મંડળને શું ફાયદો?'
ખજાનચી કહે,'એ તો ઝુકરબર્ગ માફી માગવા આવે એટલે એને કહી દેશું કે હવે આ ફિલ્મની સીકવલ બનતી અટકાવવી હોય તો અમારા લેખક મંડળના દરેક સભ્યને થોડા થોડા ટાઈમે પેમેન્ટ કરતા રહો…જે આપણા ફેસબુક લેખકોનું દળદર ફિટે ઈ…'
આ વાત પર તો અસંતુષ્ટ લેખકે પણ લાઈક ઠપકારી દીધી.
આદમનું અડપલું
જૂની કહેવતઃ વડ તેવા ટેટા, બાપ એવા બેટા
નવી ઉક્તિ : મેટા પર ભેગાં કરે ઘેટાં, એ બધા નેતા




