Editorial

પ્રાચીન ભારત (લેખાંક-13)

By GS Team
10 Sep 20197 mins read
This article was originally published on 10 Sep 2019
પ્રાચીન ભારત (લેખાંક-13)

વૈદિક કાળમાં આર્યો માંસ ખાતા, ઉત્તર વૈદિક કાળમાં તેના પ્રત્યે અરુચિ સેવવાનો પ્રારંભ થયો

ઇ. પૂ. છઠ્ઠી સદીથી ઇ.પૂ. ચોથી સદી સુધી ભારતમાં રચાયેલા ૧૬ મહાજનપદ વિશે જાણો

ગત લેખના છેલ્લા ભાગમાં આપણે આર્યો અને સૈંધવો (સિંધુ ખીણ સભ્યતાના લોકો) વચ્ચે તુલના કરી રહ્યા હતા તેને જ આગળ વધારીએ. સિંધુ ખીણના લોકો શસ્ત્રો ચલાવવામાં માહેર નહોતા. તેઓ આર્યોની જેમ કવચ અને શિરસ્ત્રાણનો ઉપયોગ નહોતા કરતા.  સિંધુ સભ્યતાના નિવાસીઓનો મુખ્ય આહાર હતો માંસ અને માછલી. આર્યો પણ માંસ ભક્ષણ કરતા, પરંતુ ઉત્તર વૈદિક કાળમાં માંસ ભક્ષણ પ્રત્યે સૂગ સેવાવાનો પ્રારંભ થયો.

સૈંધવો વાઘ અને હાથીથી સુપેરે પરિચિત હતા, પણ ઊંટ અને ઘોડા વિશે અજ્ઞાાત હતા. સુરકોટડા સાઇટ ખાતેથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે. આથી એવું તારણ નીકળે છે કે ઉત્તર વૈદિક કાળમાં અમુક સૈંધવોને ઘોડાનો પરિચય થયો હતો. તેઓ આખલાને ગાયથી પણ વધારે મહત્ત્વ આપતા હતા. વૈદિક આર્યો હાથી અને વાઘથી અપરિચિત હતા. વૈદિક આર્યો ઘોડા પાળતા. તેને રથમા જોતરતા. રણક્ષેત્રમાં તેનો ઉપયોગ કરતા. ગાયની મહત્તા આર્યોથી શરૂ થઈ.

સૈંધવો શિવ અને શક્તિની પૂજા કરતા. તેઓ મૂર્તિ પૂજક હતા. લિંગ પૂજા કરતા. અગ્નિને મહત્ત્વ ન આપતા. ઋગ્વૈદિક આર્યો મૂર્તિ પૂજક નહોતા. શિવપૂજા અને લિંગપૂજા પણ ન કરતા. તેઓ બ્રહ્મ અને અગ્નિને પૂજતા. દરેક ઘરમાં અગ્નિશાળા રહેતી. સિંધુ ઘાટીના લોકો લેખન કળાથી પરિચિત હતા. તેમની લિપિ હજુ ઉકેલી શકાઈ નથી, પરંતુ તે ચિત્રલિપિ હોવાનું અનુમાન છે. કવિતામાં વૈદિક આર્યો સૈંધવો કરતા વધારે આગળ હતા.

આર્યો યુરોપથી આવ્યા હોવા જોઈએ, મધ્ય એશિયા એટલે કે ઈરાનથી આવ્યા હોવા જોઈએ અથવા ઉત્તર ધુ્રવથી આવ્યા હોવા જોઈએ એવી ત્રણ થીઅરી અગાઉના નેટવર્કમાં આપણે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ, પણ ચોથો તજજ્ઞા વર્ગ એવું માને છે કે આર્યો મૂળ ભારતના જ હતા. તેમણે સૈંધવો પર આક્રમણ કર્યું નહોતું. સિંધુ સભ્યતા ખતમ થઈ ત્યાર પછી ત્યાં આર્ય સભ્યતા વિકસી. તેમની દલીલ સ્વીકારવી કે ન સ્વીકારવી એ પછીની વાત છે, પણ સાંભળવી તો પડે જ.

તેઓ દલીલ કરે છે કે ભારતમાં લોખંડ લાલવાનું કામ આર્યોએ કર્યું હોય અને એ જ આર્યોએ સૈંધવો પર હુમલો કર્યો હોય તો સિંધુ ખીણની એકેય સાઇટ પરથી લોખંડના ઓજારો કેમ નથી મળતા? ભારતમાં લોખંડ આર્યોએ ઇન્ટ્રોડયુસ કર્યું હોવાનું પણ ખોટું માનવામાં આવે છે. કારણ કે એ સમયમાં લોખંડનો ઉપયોગ કરતી વધારે વસ્તી દક્ષિણ ભારતમાં હતી. આર્યો લોખંડ કરતા વધારે તાંબા અને કાંસાનો ઉપયોગ કરતા.

બ્રિટિશરો બહારથી આવેલા હતા. પોતાના આક્રમણને જસ્ટિફાઈ કરવા માટે તેમણે આર્યો બહારથી આવ્યા હોવાની સ્ટોરી ઘડી હોવાનું પણ મનાય છે. જો એવું હોય તો ભારત કરતા વધુ આર્યો આજે યુરોપમાં શા માટે વસી રહ્યા છે? હજુ ઘણા રીસર્ચની જરૂર છે. એક પ્રાચીન નદી હતી સરસ્વતી. જે લુપ્ત થઈ ચૂકી છે. તેણે માર્ગ બદલતા સિંધુ કાલીન સભ્યતા નષ્ટ થઈ હોવાનું પણ ઘણા ઈતિહાસકારો કહે છે.

સિંધુ કાલીન સભ્યતાની મોટા ભાગની વસાહતો સરસ્વતી નદીને કિનારે વસેલી હતી. આથી એ સભ્યતાને સરસ્વતી કાલીન સભ્યતા કહેવી જોઈએ એવો પણ કેટલાક ઈતિહાસકારોનો મત છે. ગમે તે હોય, કિન્તુ એક વાત તો સ્પષ્ટ છે કે સિંધુ ખીણની સભ્યતા અને આર્ય સભ્યતા વચ્ચે ૨,૦૦૦ વર્ષનું અંતર હતું. સૈંધવ સભ્યતા કાયમ માટે પોઢી ગઈ. વૈદિક સભ્યતા આજે પણ કોઈને કોઈ સ્વરૂપે જીવંત છે.

અહીંથી વાત આગળ જાય છે જનપદના ઉદય તરફ. જનપદ એક મોટું રાજ્ય રહેતું. ત્યાં રાજાનું શાસન રહેતું. ઇ. પૂ. છઠ્ઠી શતાબ્દીમાં જનપદનો આકાર મોટો થયો અને તે મહાજનપદમાં ફેરવાયા. મોટા ભાગના મહાજનપદ વિંધ્યની ઉત્તરમાં સ્થિત હતા. તે ભારતની ઉત્તર પશ્ચિમી સીમાથી લઈને પૂર્વમાં બિહાર સુધી ફેલાયેલા હતા. સૌથી પૂર્વમાં અંગ જનપદ હતું, જે બાદમાં મગધમાં સમાઈ ગયું. 

મહાત્મા બુદ્ધના જીવનકાળ દરમિયાન ભારતમાં ૧૬ મહાજનપદ હતા. તેના નામ આ પ્રમાણે હતા. ૧) અંગ, ૨) મગધ, ૩) કાશી, ૪) કોસલ, ૫) વજ્જિ, ૬) મલ્લ, ૭) ચેદિ, ૮) વત્સ, ૯) કુરુ, ૧૦) પંચાલ, ૧૧) મત્સ્ય, ૧૨) સુરસેન, ૧૩) અશ્મક, ૧૪) અવન્તિ, ૧૫) ગાંધાર, ૧૬) કામ્બોજ. પુરાણોમાંથી પણ ક્યાંક-ક્યાંકથી જનપદનો ઈતિહાસ મળી આવે છે, પણ ક્રમબદ્ધ નથી. વળી, ઘણી બધી માહિતીઓ તો વિરોધાભાસી છે.

ખાલી મહાજનપદ જ હતા એવું નથી. તદુપરાંત પણ નાના-નાના સ્વતંત્ર અને અર્ધ-સ્વતંત્ર રાજ્યો તથા ગણરાજ્યો હતા, જે અંદરો-અંદર યુદ્ધ કરતા રહેતા. ભારતમાં મહાજનપદ ઇ.પૂ. છઠ્ઠી સદીથી ચોથી સદી સુધી અસ્તિત્ત્વમાં રહ્યા. જે ૧૬ મહાજનપદ ઈતિહાસમાં ખ્યાત થયા છે તેના વિશે કેટલીક ટૂંક વિગત.

૧) અંગઃ અંગ અને મગધ વચ્ચે ચંપા નદી વહેતી હતી. અંગની રાજધાની ચંપા પણ ચંપા નદીના કિનારે સ્થિત હતી. ચંપાની ગણના બુદ્ધના સમયના છ મોટા નગરોમાં થતી. મહાભારતની કથામાં અંગના રાજા કર્ણ હતા.  

૨) મગધઃ મગધમાં આધુનિક પટના તથા ગયા જિલ્લાના તથા શાહબાદ જિલ્લાના કેટલાક ગામડાં સમાવિષ્ટ હતા. બુદ્ધના સમય પહેલા ત્યાં જરાસંઘ અને બૃહદ્રથ નામના પ્રસિદ્ધ રાજા થઈ ગયા. આરંભમાં મગધની રાજધાની ગિરિવ્રજ હતી. તે બાદમાં પાટલીપુત્ર બનાવી દેવામાં આવી.

૩) કાશીઃ વૈશાલીની સમીપે કાશી જનપદ હતું. તેની રાજધાની હતી વારાણસી. રાજઘાટ પાસે ખનન કરવામાં આવતા જાણવા મળ્યું કે ઈ.પૂ. ૭૦૦માં લોકોએ કાશીની ભૂમિ પર વસવાટ શરૂ કર્યો. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં વારાણસી નગરને માટીની દીવાલોથી કિલ્લેબંધ કરવામાં આવ્યું હતું. આરંભમાં કાશી સૌથી શક્તિશાળી મહાજનપદ હતું. બાદમાં તેણે કોસલની શક્તિ સામે શરણાગતિ સ્વીકારી લીધી.

૫) વજ્જિ સંઘઃ ગંગાની ઉત્તર બાજુએ તિરહુત વિસ્તારમાં વજ્જિઓનું રાજ્ય હતું. તે આઠ જનોનો સમૂહ હતો. તેમાં લિચ્છવિ સર્વાધિક શક્તિશાળી હતા. તેની રાજધાની વૈશાલી હતી. ઇતિહાસ કાલીન વૈશાલી એટલે વર્તમાન વૈશાલી જિલ્લામાં આવેલું બસાઢ ગામ. પુરાણમાં તેને અતિ પ્રાચીન નગર ગણવામાં આવ્યું છે, પરંતુ પુરાતત્ત્વવિદ્દો તે ઈ.પૂ. છઠ્ઠી  સદી પહેલા અસ્તિત્ત્વમાં ન હોવાનું કહે છે. વૈશાલીની નગરવધુ આમ્રપાલીની કથા પણ એટલી જ જાણીતી છે.

૬) મલ્લઃ કોસલના પડોશમાં મલ્લોનું ગણરાજ્ય હતું. તેની સીમા વજ્જિ રાજ્યની ઉત્તરી સીમા સાથે જોડાયેલી હતી. મલ્લોની રાજધાની હતી કુસીનારા. કુસીનારા એટલે એ જગ્યા જ્યાં બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુસીનારા એટલે વર્તમાન સમયનું કસિયા. મલ્લ ગણરાજ્યની બીજી રાજધાની હતી પાવા.

૭) ચેદિઃ આધુનિક બુંદેલખંડ અને તેની આસપાસનો પ્રદેશ એક સમયે ચેદિ મહાજનપદ કહેવાતું. તેની રાજધાની હતી શક્તિમતી. જાતક કથાઓમાં જે સોત્થવતી નગરી આવે છે તે આ જ. ચેદિ રાજ્યનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. શિશુપાળ ચેદિનો જ રાજા હતો. કૃષ્ણે તેનો વધ કરેલો-ની કથા અજાણી નથી.

૮) વત્સઃ પશ્ચિમ તરફ યમુનાના તટ પર વત્સ જનપદ હતું. તેની રાજધાની કોશામ્બી હતી. વત્સના નિવાસીઓ એ જ કુરુજન હતા, જે હસ્તિનાપુર છોડીને પ્રયાગ સમીપે કોશામ્બીમાં જઈને વસ્યા હતા. તે ગંગા-યમુનાની નિકટ હતું. એટલે જ કુરુજનો ત્યાં વસ્યા હતા. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં કોશામ્બીને મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી હતી.

૯) કુરુઃ વર્તમાન દિલ્હી તથા મેરઠની આસપાસના પ્રદેશ કુરુરાજ્ય અંતર્ગત આવતા હતા. તેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. મહમૂતસોમ જાતક પ્રમાણે તે રાજ્યમાં ૩૦૦ સંઘ હતા. પાલી ગ્રંથો પ્રમામે ત્યાંના શાસક યુધિષ્ઠિતા ગોત્રના હતા. ભારત કરતા અધિક માત્રામાં પ્રાચીન પાલી ગ્રંથો ચીને સાચવ્યા છે. તેના પર ગહન સંશોધન પણ ત્યાં જ થઈ રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ બાદ ત્યાંનું બીજું મહત્ત્વનું નગર હતું હસ્તિનિપુર. એવું કહેવાય છે કે મહાભારત વખતે જે નગરનું નામ હસ્તિનાપુર હતું તે જ વખત જતા હસ્તિનિપુર બની ગયું.

જૈનોના ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇક્ષ્વાકુ નામના રાજાનો ઉલ્લેખ મળે છે. તે કુરુ મહાજનપદના રાજા હતા. અમિશની નવલકથા સાયન ઑફ ઇક્ષ્વાકુ યાદ આવી જાય. આ રાજ્ય પહેલા રાજતંત્રાત્મક હતું. બાદમાં ત્યાં ગણતંત્રની સ્થાપના થયેલી. લોકતંત્ર અને ગણતંત્રને મિક્સ ન કરી નાખતા. ગણતંત્ર એટલે જનતામાંથી લાયક વ્યક્તિ રાજા બને. ન કે જનતા દ્વારા ચૂંટવામાં આવતી વ્યક્તિ રાજા બને. ચીન તેનું બેસ્ટ ઉદાહરણ છે.

૧૦) પાંચાલઃ વર્તમાન રુહેલ ખંડ તથા તેની આસપાસના જિલ્લા પાંચાલ પ્રદેશમાં આવતા હતા. તે બે ભાગમાં વિભાજિત હતું. ઉત્તર પાંચાલની રાજધાની અહિચ્છત્ર હતી. દક્ષિણ પાંચાલની રાજધાની કામ્પિલ્ય હતી.

૧૧)મત્સ્યઃ તેની રાજધાની હતી વિરાટનગર. તે યમુનાની પશ્ચિમ તથા કુરુ પ્રદેશની દક્ષિણમાં આવેલું હતું. પહેલા તો ચેદિ રાજ્યે મત્સ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરી. બાદમાં તે મગધને આધીન થઈ ગયું.

૧૨) સૂરસેનઃ સૂરસેન યમુના કિનારે હતું. મથુરા તેની રાજધાની હતી. બુદ્ધના સમયમાં અવન્તિપુત્ર મથુરાના રાજા હતા. તે પહેલા ગણતંત્ર રાજ્ય હતું. બાદમાં ત્યાં રાજ્યતંત્રની સ્થાપના થઈ. ગ્રીક પ્રવાસી મેગસ્થનીઝના ભારત આગમન સુધી તો સૂરસેન વંશના રાજાઓ શાંતિથી શાસન કરતા હતા. તેણે ઈ.પૂ. ૩૦૨થી ૨૮૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.

૧૩) અશ્મકઃ દક્ષિણ ભારતની પ્રમુખ નદી ગોદાવરીના તટ પર અશ્મક રાજ્ય આવેલું હતું. એ સમયે તે ભારતનું પ્રમુખ રાજ્ય હતું. પોતન તેની રાજધાની હતી. પુરાણો પ્રમાણે ત્યાંના રાજા ઇક્ષ્વાકુ વંશના હતા. જાતક કથા પ્રમાણે  આ રાજ્ય કાશી નજીક હતું. (પ્રાચીન ગ્રંથોમાં ઘણી બધી જગ્યાએ ફેક્ટ અને ફિક્શનનું મિશ્રણ થતું હોવાથી એકને એક રાજ્યની એકથી વધારે અને વિરોધાભાસી વિગતો મળે છે.)

૧૪) અવન્તિઃ મધ્ય માળવા અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારમાં અવન્તિ નગર સ્થિત હતું. તેના બે ભાગ હતા. ઉત્તર ભાગની રાજધાની ઉજ્જૈન હતી અને દક્ષિણ ભાગની રાજધાની હતી, મહિષ્મતી. બાહુબલી યાદ આવી ગયુંને!  પુરાતત્ત્વીય સંશોધનોમાં જાણકારી મળી આવી છે કે ઇ.પૂ. છઠ્ઠી સદી બાદ બંને નગરનું મહત્ત્વ વધતું ગયું. અંતે ઉજ્જૈન આગળ નીકળી ગયું. ત્યાં મોટાપાયે લોઢાકામ થવા લાગ્યું અને તેની ફરતે મજબૂત કિલ્લેબંધી થઈ.

૧૫) ગાંધારઃ ગાંધાર રાજ્યમાં તક્ષશિલા,  કાશ્મીર અને પશ્ચિમોત્તર પ્રદેશ સમાવિષ્ટ હતા.  તક્ષશીલા આજે પાકિસ્તાનમાં છે. બુદ્ધના વખતમાં પુમકુસાતી ગાંધારના રાજા હતા. ગાંધાર સ્કૂલ ઑફ આર્ટ એક આખો અલગ અને ઊંડો વિષય છે.

૧૬) કામ્બોજઃ તે ગાંધારના પડોશમાં હતું. હાટક તેની રાજધાની હતી. થોડા સમય પશ્ચાત ત્યાં પણ ગણતંત્રની સ્થાપના થયેલી. 

તો આ હતા. આપણા ૧૬ મહાજનપદ. (ક્રમશઃ)

આજની નવી જોક

શિક્ષક (વિદ્યાર્થીઓને): શા માટે આપણે કોઈ સાથે ન લડવું જોઈએ?

લલ્લુ: કારણ કે પરીક્ષામાં કોણ બાજુમાં આવી જાય એ કોને ખબર?

શિક્ષક: હેં!?