બગીચા, બ્રિજ છોડો : જેલ, તબેલા, કતલખાનાને પણ નેતાનાં નામ આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મગરમચ્છ માર્કેટ માટે પોતાનું નામ રખાવવા નેતાઓમાં પડાપડી થતી હોત
'એલા, સુરતવાળાએ ભારે કરી.' મ્યુનિસિપલ કોર્પોરેશનના નામકરણ ખાતાંના કારકૂને બીજા કારકૂનને કહ્યું.
'શું કર્યું? કોઈને ગાળ દીધી? વાંધો નહીં. જેમ જેન-ઝીને કોઈને પણ ગમે તેવી ગાળો દેવાનો પેઢીગત હક્ક છે તેમ સુરતીઓને ગમે ત્યારે ગાળો બોલવાનો ભૌૈગૌલિક હક્ક છે. ખરેખર તો જેમ મહારાષ્ટ્રમાં મરાઠી નહીં જાણતા રિક્ષાવાળાઓને દંડ થવા લાગ્યો છે, તેમ સુરતમાં દાયકાઓથી રહીને ઓરિજિનલ સુરતી ગાળો નહિ બોલતા લોકોને પણ દંડ થવો જોઈએ.'
'ભલા માણસ, મારી વાત ગાળોની છે જ નહીં. આ તો સુરતમાં કોઈ મચ્છી માર્કેટને વડાપ્રધાનનું નામ આપી દેવાયું એ સમાચારની વાત કરતો હતો.'
'તો? એ તે કાંઈ ગાળ છે? મોટાભાગના દેશોમાં રસ્તા, ગલી, ખૂણા, ચોક, બ્રિજ, બગીચા, એરપોર્ટ, ટાઉનહોલને જે-તે દેશના રાજકારણીઓનું નામ આપવાનો રિવાજ નથી. કમસેકમ જીવતાજીવ તો નહિ જ. આવું નામકરણ સંપૂર્ણ સ્વદેશી છે તેનું ગૌરવ થવું જોઈએ.'
'ભઈ, તમે ગૌરવની વાત કરો છો પણ સુરતમાં તો કકળાટ થયો. '
'થવો પણ જોઈએ કારણ કે માછલીઓ અને રાજકારણીઓ વચ્ચે દરેક મોટી માછલી નાની માછલીને ગળી જતી હોય છે એ એક લક્ષણ સિવાય કોઈ ખાસ સામ્ય હોતું નથી. પણ તકલીફ શું છે કે આપણા દેશમાં નાની -નાની માછલીઓનાં જ માર્કેટ છે. જો મગરમચ્છોનું માર્કેટ હોત તો તો બધી પાર્ટીઓના નેતાઓ વચ્ચે તેને પોતપોતાનું નામ આપવા માટે પડાપડી જામત એ નક્કી.'
'યાર, આ તો બહુ જોરદાર આઇડિયા છે. બ્રિજ, બગીચા તો બહુ થઈ ગયા. નેતાઓના નામ આપી શકાય તેવાં સ્થળોની યાદી વિસ્તરવી જોઈએ. પોલિટિક્સમાં હોર્સ ટ્રેડિંગ તો આમેય બહુ થાય છે તો કોઈ સારા તબેલા કે અશ્વ ફાર્મને નેતાનું નામ આપી શકાય. રાજકારણમાં ભલભલા વધેરાઈ જતા હોય છે તો પછી કતલખાનાઓને નેતાઓનું નામ આપવામાં શું વાંધો? હવે તો કોર્પોરેટરો અને ગ્રામ પંચાયતોના સભ્યો પણ ખાસ સસ્તામાં વેચાતા નથી તો મોટા અને મોંઘા મોલને પણ કોઈ નેતાના નામ આપી શકાય. નેતાઓ આમ પણ જાતભાતના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરતા હોય છે, તો કોઈ નેતાના નામે બ્યૂટી પાર્લર કેમ નહિ? નેતાઓ તો પોતાને સમગ્ર દેશના નાથ માનીને ચાલતા હોય છે તો પછી અનાથઆશ્રમોને તો નેતાઓનાં નામ ખાસ અપાવાં જોઈએ.'
'ભઈ… ભઈ… તમે આ બધાં નામ લીધાં પણ સબ્જી માર્કેટ કેમ ભૂલો છો? ત્યાં આખો દિવસ બૂમાબૂમ જ ચાલતી હોય છે ને. '
' ભલા માણસ…' પેલો કલાર્ક રડમસ થઈ ગયો. ' સબ્જી માર્કેટને નેતાનું નામ નહીં જામે. હવે મોટાભાગના સાંસદો, ધારાસભ્યો હા-જી-હા-જી કરનારા આવે છે એમાં સંસદ-ધારાસભાઓમાં પહેલાં જેવો શોરબકોર પણ ક્યાં થાય છે?'
આ વાત પર બંનેએ નિસાસા નાખ્યા.




