Editorial

ક્રમિક તેજીનો યુગ .

By GS Team
28 Jul 20243 mins read
This article was originally published on 28 Jul 2024
ક્રમિક તેજીનો યુગ                              .

વડાપ્રધાને વિવિધ સોળ મંત્રાલયોના પારસ્પરિક જોડાણથી દેશની આર્થિક નવરચના માટે ગતિશક્તિ યોજનાની શરૂઆત કરી હતી પરંતુ એની અમલવારી માટે એમની પાસે પૂરતો સમય ન હતો જે સમય હવે ઉપલબ્ધ છે. આમ તો આ યોજના અન્ય સંખ્યાબંધ યોજનાઓનું ડેવલપમેન્ટ લિંકિંગ છે. અર્થશાસ્ત્રમાં જે કેટલીક ઈનોવેટિવ પ્રણાલિકાઓ છે એનો ભારતમાં ખરેખર જો અમલ થશે તો એનો ફાયદો આખા એશિયાના ઈકોનોમિક પરિદ્રષ્યને થશે. પરંતુ અમલવારી આપણે ત્યાં બહુ પડકારરૂપ હોય છે. મિસ્ટર મોદી ગતિશક્તિ માટે કેટલી ગતિ અને કેટલી શક્તિ દાખવી શકે છે એ જોવાનું રહે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના વિકાસદરનો અંદાજ સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. અગાઉ ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસદરનો અંદાજ ઘટ્ડયો હતો. જો કે વાસ્તવિકતા એ પણ છે કે કોરોનાનો બીજો રાઉન્ડ હળવો થયા પછી પ્રારંભિક તેજીને કારણે ઉત્પાદકોમાં નવી પૂછપરછ નીકળી હતી અને હવે તો અગાઉના એ દિવસો વીસરાઈ ગયા છે.

ભારત એક વિરાટ મિડલ ક્લાસ માર્કેટ છે. એટલે દુનિયાભરના ઉત્પાદકોને ભારતનું આકર્ષણ તો રહેવાનું જ છે. આટલી વિરાટ જનસંખ્યાને કારણે રૂપિયો ફરતો રહેવાનો છે. એટલે વિશ્વબેન્ક જે મંદીનું બ્યુગલ બજાવે છે તેની તો સૌથી ઓછી અસર ભારતમાં થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીની નોબત વગાડે છે. રાષ્ટ્રસંઘના અર્થશાસ્ત્રીઓ એ કહ્યું છે કે દુનિયાના તમામ દેશોની સરેરાશ સ્થિતિ છેલ્લા એક દાયકામાં સૌથી તકલીફ અનુભવવા તરફ છે. એટલે કે દુનિયાનો સાર્વત્રિક વિકાસ દર પણ ઘણો નીચો જશે. ઉપરાંત વિવિધ દેશો વચ્ચેના વૈમનસ્ય ને કારણે પણ નવી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં અનેક અંતરાય ઊભા થશે. ભારતમાં કેરળનું ચોમાસુ આ અંતવેળાએ ફરી કેરળ પહોંચીને ધૂમ મચાવી રહ્યું છે અને અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતના વૃદ્ધિદરનો અંદાજ નવેસરથી ઘટાડીને ૫.૭ ટકા જાહેર કર્યો હતો. જો કે અગાઉ ઈ. સ. ૨૦૧૯ ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થઈ ગયો હતો, જે પણ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો હતો. અલબત્ત ઈ. સ. ૨૦૧૮ -૧૯ નો વિકાસ દર ૬.૮ ટકા એટલે કે સાત ટકા જેટલો હતો. ત્યારના એટલા ઊંચા વિકાસ દરનું એક કારણ એ પણ છે કે નોટબંધી પછી નાગરિકોના પૈસા બજારમાં થોડા સમય માટે ફરતા થયા હતા. ઉપરાંત કરન્સીમાં જ બચત રાખવાને બદલે નવા નવા રોકાણોમાં શ્રીમંતો વળ્યા હતા, જેની પ્રાસંગિક સકારાત્મક અસર વિકાસદર ઉપર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્યારે પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો, સેવાઓ અને કૃષિક્ષેત્ર દ્વારા હાંસલ કરવાપાત્ર વિકાસ દર તો પાછળ જ રહ્યો હતો. નવા રોકાણોનો એ તબક્કો પૂરો થતાંવેંત જ આખરે વિકાસ દર નીચે આવી ગયો હતો. સામાન્ય બજેટ ૨૦૨૪ માટે સીતારામને વિકાસદરનો અંદાજ ઊંચો રાખ્યો છે.

બજારમાં કેટલાક એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેનાથી વેપારી આલમમાં ગભરાટ છે. લોકો માલ ઉપાડયા પછી સમયસર ચૂકવણી કરતા નથી. વળી નવા માલના ઓર્ડર આપે છે. આવા સંજોગોમાં ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિ ઉદ્યોગોના વિવિધ સેક્ટરમાં અત્યારે છે. ભારત સરકારના આપણા આંકડાશાસ્ત્ર વિભાગે તો ચાલુ વર્ષ માટે વિકાસદરનો અંદાજ માત્ર માઈનસમાં ઠરાવ્યો છે, જે વાસ્તવિકતાની બહુ નજીક છે. દુનિયાની ટોચની વિવિધ નાણાંકીય અને અર્થશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થાઓએ આગામી એક વરસ સુધી વૈશ્વિક આર્થિક ચિત્ર ૨.૫ ટકાના વિકાસથી બહુ ઊંચો કૂદકો મારી શકે એમ નથી એવી દહેશત વ્યક્ત કરી છે. રોજગારીના નવા વિકલ્પો શોધવા માટે શહેરીજનોમાં એક વ્યાકુળ દોડ ચાલુ થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

વિશ્વબેન્ક અને ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસ દરનો અંદાજ પૂર્વે ઘટાડેલો છે. ચોતરફથી ઘટતા અંદાજના પડઘા વચ્ચે શેર બજાર એની પોતાની આગવી અદામાં ચમકારા બતાવે છે. મુંબઈના ખેલાડીઓ કહે છે કે સારા વાતાવરણની આશાએ અત્યારે સામાન્ય રોકાણકારને આકર્ષવા માટેનું હવામાન છે અને બજાર બરાબર ઊંચે જઈ રહી છે ત્યારે પાછલા દરવાજે છાને પગલે વેચવાલી કરીને રીંગના કલાકારો નફો બાંધીને આબાદ છટકી ન જાય એ સેબી અને રોકાણકારોએ જોવાનું છે અને જાગતા રહેવાનું છે. શેર બજારમાંથી જ એવી હવા વહેતી કરવામાં આવી રહી છે કે આ વખતનું ચોમાસુ બહુ સારું હશે ને ચોમાસા પછી તો બજાર વધુમાં વધુ ઊંચકાશે.