Editorial

લુચ્ચા ચીનની ગોપનીયતા .

By GS Team
26 Aug 20253 mins read
This article was originally published on 26 Aug 2025
લુચ્ચા ચીનની ગોપનીયતા                                 .

ગઈકાલે ચીનમાં પ્રચલિત એક ટેલિગ્રામ ચેનલ પર સ્ત્રીઓના સંખ્યાબંધ પ્રાઈવેટ ફોટોગ્રાફ લિક થઈ ગયા છે એનાથી ઊહાપોહ મચી ગયો છે. માત્ર કોમર્સમાં ધ્યાન આપતા આ સામ્યવાદી દેશનું સામાજિક જીવન આમ પણ ઘણા વરસોથી ઠેબે ચડેલું છે. દુનિયામાં જેટલા પણ મહત્ત્વના દેશો છે, તેનું શાસન લગભગ વન મેન શો કક્ષાના રાજનેતાઓ ભોગવે છે. વિરાટ દેશોના સંચાલન અને વ્યવસ્થાપન માટે જે પ્રકારના ટીમ નેતૃત્વની પરંપરા હતી તે હવે લુપ્તપ્રાયઃ દેખાય છે. એને કારણે એક જ વ્યક્તિ પર બધા જ નિર્ણયો લેવાનો ભાર આવે છે. એટલે એમાં ઉતાવળ કે ખોટા નિર્ણયો લેવાઈ જવાની સંભાવના વધી જાય છે. ભારત, રશિયા, ચીન, અમેરિકા સહિતના તમામ મહત્ત્વના દેશોના નેતાઓની આ પરિસ્થિતિ છે. ચીન પાસે એનો પોતાનો ટોચનો પીપલ્સ પાર્ટીનો નેતૃત્વ સમુદાય છે, પરંતુ એની ભૂમિકા બહુ મર્યાદિત છે. ભારત પાસે દ્વિસ્તરીય પ્રધાનમંડળ છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન અને સર્વોચ્ચ અદાલત પણ ભૂલ સુધારણા અને માર્ગદર્શન માટે તત્પર હોય છે. એ તત્પરતા ક્યારેક ઠપકા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તેમ છતાં સમગ્ર રાષ્ટ્રના વ્યાવહારિક સંચાલનમાં અને નીતિમત્તાઓના ઘડતરમાં રાષ્ટ્રપતિ ભવન અને અદાલતની ભૂમિકા મર્યાદિત છે.

ચીનમાં જિનપિંગ એકહથ્થુ સત્તા ભોગવે છે. તેમને રોકવા માટે પોલિટ બ્યુરો છે અને સેનેટ છે. ચીની પ્રેસિડેન્ટને બેકાબૂ બનતા રોકવા માટે ત્યાંની સામ્યવાદી પાર્ટી કટોકટીમાં પગલાં લઈ શકે છે. જિનપિંગ ભલભલા ખંધા રાજકારણીને પછાડવાની ચતુરાઈ ધરાવે છે. જિનપિંગ દેશને કંપનીની જેમ ચલાવવા ઈચ્છે છે. વર્ષો સુધી તેની વિદેશનીતિમાં પણ પ્રેસિડેન્ટ કરતા એક બિઝનેસમેનના વલણ વધુ જોવામાં આવ્યા છે. દેશને ચલાવવાની તેની પદ્ધતિ ઘણે અંશે નિષ્ફળ પુરવાર થઈ છે. તેનો અંગત અભિગમ અને પોતાના વિરોધીઓના અપમાનપૂર્વક હોઠ બંધ કરી દેવાની શૈલીએ એક સમયે તેને બહુ લોકપ્રિયતા અપાવી પણ હવે તેને તેની આ કાર્યપદ્ધતિ ભારે પડી રહી છે. તેના આ જ અભિગમને કારણે ચીન બેખબર રહ્યું. અને કોરોનાની નવી લહેર આવી પહોંચી.

જેમ બેજવાબદારોનો આદર્શ બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાઓનો હિસાબ રાખવા માટે સુપરકમ્પ્યુટર પણ નાનું પડતું હતું એમ જિનપિંગની સતત ગાફેલ રહેવાની વૃત્તિ અને પોતાની ભૂલોને સરકારી સાધનોના ભોગે પણ ઢાંકપિછોડો કરવાની વૃત્તિ આજે આખા ચીનને ભારે પડી રહી છે. આજે ચીનમાં કોરોનાનો પાંચમો વેવ ચાલુ થઈ ગયો છે. તેના માટે કોઈ એક જ વ્યક્તિને જવાબદાર ગણવી હોય તો તે ખુદ ચીની પ્રેસિડેન્ટ છે. વિશ્વ મીડિયા સમક્ષ ખડકેલા તેના જુઠાણાના પહાડની ઊંચાઈ એવરેસ્ટને આંબી ગઈ છે. મલ્ટી નેશનલ કંપની જેવી ઘણી કંપનીઓનું કામ ચાલુ કોરોનાએ રહેમરાહ હેઠળ ચાલુ રહ્યું છે. તેને કારણે કોરોનાના પોઝિટિવ કેસ ગુણકારની ઝડપે વધ્યા. હવે ગયા અઠવાડિયે થોડી છૂટછાટ અપાતા ફરીથી કેસોની સંખ્યા વધવા લાગી છે.

જિનપિંગે હમણાં એવું વિધાન પણ કર્યું કે કોરોનાની વેકસીનના લાખો ડોઝ તૈયાર છે. પણ કોઈને આ વાત પર ભરોસો નથી. ચીનમાં વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. સેંકડો યુનિવર્સીટીઓ બંધ થવાના આરે છે. શિક્ષણને કોરોના ઉધઈની જેમ કોતરી રહ્યું છે. આવા બીજા અનેક અઘરા પડકારોને પડતા મૂકીને જિનપિંગ સ્વપ્રશસ્તિમાં લાગ્યા છે. ચાલુ વેવ પૂરો થાય એની પહેલા જો ચીની સરકારી તંત્ર લોકમદદે નહીં આવે તો ત્યાં કેસોની સંખ્યા હદ વટાવીને વધશે. એક માણસનો અહંકાર આખા દેશને લઈ ડૂબશે. ચીનના વિવિધ પ્રાંતોએ જાહેરમાં સ્વીકાર્યું કે ફક્ત નામ પૂરતા રહેલા લોકડાઉનમાં થોડી પણ કાયદેસર છૂટ આપવામાં આવશે તો પોઝિટિવ કેસોની સંખ્યા આસમાન તરફ ગતિ કરવા લાગશે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તા પર હતા ત્યારે અમેરિકામાં દસ ચોરસ કિલોમીટરનો એવો વિસ્તાર શોધવો પણ મુશ્કેલ તો જ્યાં કોરોનાનો એક પોઝિટિવ કેસ ન હોય.

બેદરકાર અને અભિમાની ટ્રમ્પના પ્રતાપે કોરોના વાયરસે વાયુવેગે ગતિ કરી હતી. હાલ જિનપિંગ પોતાની અમરપટ્ટો લખાવેલી સત્તાનો કમરપટ્ટો બાંધીને અભિમાનમાં ફરે છે અને કોરોનાના કેસો ફૂંફાડા મારતા આગળ વધી રહ્યા છે. છતાં ગોપનીયતાની પરાકાષ્ઠા એ છે કે દરદીઓની સેવામાં ઓછું અને કેસની સંખ્યા જાહેર ન થાય એમાં વધુ ધ્યાન આપવામાં આવે છે. ચીનની આ લુચ્ચાઈમાં લાખો ચીનાઓ ડૂબી મરશે એમાં કોઈ શંકા નથી.