Editorial

કચ્છડો લીલોછમ્મ .

By GS TEAM
20 Nov 20254 mins read
કચ્છડો લીલોછમ્મ                             .

કચ્છમાં આ વખતે ધોધમાર વરસાદ પડયો છે. એને કારણે હજારો એકર જમીન તો એવી જેમાં એના માલિકોએ પહેલીવાર વાવણી કરી છે. હાજી પીરથી કાળા ડુંગરના રસ્તે આવી નવવિકસિત કેટલીક ખેડ જોવા મળે છે. એ સિવાય પણ સમગ્ર કચ્છમાં હરિયાળી છવાયેલી છે. કચ્છની ભૂગોળ એક યુગયુગાંતરના આરાવારામાં ફરતી રહેતી ભૂગોળ છે. કચ્છની પ્રજા માટે સંઘર્ષ એક જ સ્થિર છે, બાકી બીજું બધું પરિવર્તનશીલ છે. એક પ્રચલિત માન્યતા છે કે આગામી પચીસેક વરસમાં અરબી સમુદ્ર સફેદ રણ પર ફરી વળશે. સમગ્ર ગુજરાતમાં કચ્છડો બારેમાસ માફક આવે એવું ફક્ત કચ્છ માટે કહી શકાય છે. કચ્છ ગુજરાતના બધા જિલ્લાઓમાં વડીલ જિલ્લો છે. મોટા ભાઈ જેવો કચ્છ બાકીના ગુજરાતના નાના ભાઈ સમા જિલ્લાઓને પાકિસ્તાનથી સુરક્ષિત રાખે છે. રણની ગરમી અને દરિયાની ખારાશ પચાવીને બેઠેલો કચ્છ ખરા અર્થમાં વડીલપણાને લાયક છે.

સફેદ રણ, પીળું રણ, યાયાવર પક્ષીઓના વેકેશન હાઉસ જેવાં રમણીય સરોવરો અને પ્રાણીઓનાં અભયારણ્ય બધું એક જ જિલ્લામાં છે. એક નાના દેશની જે લાક્ષણિકતાઓ હોય અને એમાં જે વૈવિધ્ય હોય એ બધું કચ્છમાં છે. શિયાળામાં ઠરી જતો અને ઉનાળામાં તપી ઉઠતો કચ્છ ભારે નાટકીય છે. છતાં પણ એ વિસ્તારની સાદગી અને પીઢતા દિલને સ્પર્શી જાય તેવી છે. અહીંના લોકજીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર દર વરસે લોકહિતનાં કાર્યો માટે જે અનુદાન ફાળવે છે તેમાંની મહત્ રકમ તો વપરાયા વિના કેન્દ્ર અને રાજ્યની તિજોરીમાં પાછી ફરે છે. એનો નિયમિત ઊહાપોહ ચાલુ હોય છે પણ ફેર કંઈ પડતો નથી. આ વરસે કચ્છમાં એટલો વરસાદ થયો છે હજુય રસ્તાની બન્ને બાજુ છલકછાલક મેઘજળ ભરેલા છે. હતાં તે બધાં સરોવર છલકાયેલાં છે ઉપરાંત કેટલીક પડતર અને ખરાબાની જમીનોમાં નવાં સરોવરો અસ્તિત્વમાં આવ્યાં છે.

કચ્છનું ભૂસ્તર ભૂકંપ પછી સંપૂર્ણ બદલાઈ ગયેલું છે. એ હતું એનાથી તો ક્યાંય અધિક ફળદ્રુપ થઈ ગયંસ છે. ભૂકંપ પહેલાંનાં વરસોમાં કચ્છની કેરીને કોઈ ઓળખતું ન હતું, પણ પછી તો કચ્છી કેસરે દેશ અને વિદેશમાં પોતાનો એક અલગ જ ચાહક વર્ગ ઊભો કર્યો. ભૂકંપ પછી કચ્છના ખાદ્ય કૃષિ ઉત્પાદનોની ગુણવત્તામાં એકાએક વધારો થયો. કચ્છી શાકભાજીનો ટેસ્ટ પણ અપગ્રેડ થઈ ગયો. કચ્છમાં દૂધાળાં પશુઓની સંખ્યા પણ નાનીસૂની નથી. ઘાસચારો પણ બદલાયો છે. એને કારણે દૂધની મીઠાશ પણ વધી. કચ્છની કૃષિમાં કેટલાક ચમત્કારિક ફેરફારો થયા છે પણ એ એક અલગ પ્રકરણ છે.

અહીં રણ છે પણ રેતી નથી. આ વખતના વારંવારના વરસાદને કારણે કચ્છના વિખ્યાત સફેદ રણમાં અત્યારે વરસાદી જળ ભરાઈ ગયા છે. આ જળ સૂકાતાં હજુ એકાદ મહિનો લાગશે. સફેદી કી ચમકાર અત્યારે નામશેષ થઈ ગઈ છે. સામખિયાળીનો પુલ આઠ લેનનો કરવાની જુની દરખાસ્ત હજુ એમને એમ પડી છે. કામ ચાલે અને ન પણ ચાલે. એને કારણે બહુ જ લાંબા પુલ પર સદાય ટ્રાફિક જામ રહે છે. અત્યારે જ અંતરિયાળ વિસ્તારમાં નાના તળાવોની ચારેકોર પ્રવાસી પંખીઓના ઉડ્ડયનો છે. શિયાળો પંખીઓની પ્રવાસી મોસમ છે. આ શિયાળામાં કચ્છમાં લાખો પંખીઓના અવતરણ થશે. કચ્છનું હવામાન હવે બદલાઈ રહ્યું છે. કચ્છના ભૂસ્તર, જળવાયુ કે વનસૃષ્ટિ પર ધ્યાન આપવામાં ગુજરાત સરકાર ઘોર ઉદાસીન છે. ખુદ કચ્છના નેતાઓનો ફ્લોપ શો કચ્છી પ્રજાએ અનેકવાર જોયો છે. અને હજુ પણ જુએ છે.

કચ્છ ફિનિક્સ પંખી જેવું છે. રાખમાંથી બેઠું થાય એવું. ભૂકંપે જમીનદોસ્ત કરી નાખેલું કચ્છ આજે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અને ખાસ કરીને વ્યાપારીઓને આકર્ષે છે. ઈ. સ. ૨૦૦૧ના ભૂકંપ પછી બિલ ક્લિન્ટને કચ્છની મુલાકાત લીધી હતી. તેઓ જો આજે ફરીથી એ પ્રદેશની મુલાકાત લે તો ઓળખી ન શકે. કચ્છે અદભુત પ્રગતિ કરી છે. કોઈ પણ પ્રદેશના વિકાસ માટે પાણી અનિવાર્ય તત્ત્વ છે. જળત્તત્વ હંમેશા કચ્છ પ્રદેશથી રિસાયેલું રહ્યું છે. છતાં પણ કચ્છ હરણફાળ ભરતું રહે છે. અરબી સમુદ્ર, પાકિસ્તાન સાથેની સરહદ અને કચ્છના અખાત વચ્ચે આવેલો આ પ્રદેશ પોતાની અંદર ભાતીગળ સંસ્કૃતિ સાચવીને બેઠો છે. કચ્છી ભાષાને પોતાનું આગવું લાવણ્ય છે. કચ્છી માડુને મળતા પોતીકાપણું મહેસૂસ થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી આજ સુધી કચ્છ વિવિધ માનવોની વસાહતોનું સાક્ષી રહ્યું છે. કચ્છી કહેવત અને લોકગીતોમાં અગ્રેસર છે. કચ્છમાં રહેવું એક લહાવો છે. ત્યાંની ગ્રામ્ય સંસ્કૃતિ બાકીના ગુજરાત કરતા અલગ પડે છે.