પહેલાં ટ્રમ્પનું ટેમ્પલ બાંધ્યું, હવે તેરમાની વિધિ કરી

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સંપ ત્યાં જંપ અને ટ્રમ્પ ત્યાં બમ્પ. ટ્રમ્પ ત્યાં બમ્પ એટલે વગર કારણે આંચકા અને ઊછાળા આપ્યા જ કરે. ટ્રમ્પ જેવાના હાથમાં સત્તા આવે એટલે ઈ દુનિયા આખીને 'સતાવે' એટલે જ અમેરિકાએ ભારત પર લાદેલી ૫૦ ટકા ટેરિફના વિરોધમાં થોડા દિવસ પહેલાં જ ભોપાલમાં ટ્રમ્પના પૂતળાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા પછી ભારતીય ગણવાર્તા પાર્ટી તરફથી ટ્રમ્પ 'દાદા'નું તેરમું પણ કરવામાં આવ્યું હતું. તેરમાની વિધિ માટે લોકોને આમંત્રણ આપવા માટે બેનરો-પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં. એની ઉપર લખ્યું હતું ગદ્દાર ટ્રમ્પની ત્રયોદશી વિધિ. તેરમાનું ભોજન લઈ સહુ ટ્રમ્પ પર ફિટકાર વરસાવી છૂટા પડયા હતા. આ એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે , જેણે અગાઉ ભારત સાથે સારાસારી દાખવી હતીત્યારે દક્ષિણ ભારતમાં ટ્રમ્પ ભક્તો તરફથી ટ્રમ્પ-ટેમ્પલ બાંધવામાં આવ્યું હતું જેમાં ટ્રમ્પની પ્રતિમાની સ્થાપવામાં આવી હતી. પણ હવે યુએસ પ્રેસિડેન્ટે પોત પ્રકાશતાં ભારતીયોની નજરમાંથી ઉતરી ગયા છે. એટલે જ કહેવું પડે કેઃ
સખણા રહો તો પામો સત્કાર
અપલખણ દેખાડો તો પામો ફટકાર
ભીખ માટે લંબાતા હાથમાં આવ્યાં પુસ્તક
રેલવે સ્ટેશનો, ફૂટપાથો, ધર્મસ્થાનોની બહાર તેમ જ શહેરોમાં ટ્રાફિક સિગ્નલો પર નાના બાળકો ભીખ માટે હાથ લંબાવતા હોય છે. મા-બાપો જ ઝાઝા હાથ રળિયામણા એ કહેવત પ્રમાણે વધુ ભીખની કમાણી માટે બાળકોને સ્કૂલને બદલે ભીખ માગવાને ધંધે લગાડે છે.
મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેની એક સ્કૂલમાં આઠમા ધોરણની બાળકી અચાનક સ્કૂલે આવતી બંધ થઈ ગઈ. સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે બાળકીને ઘરે જઈ તપાસ કરી તો ખબર પડી કે બાળકીની માતા બાળકી સહિત ત્રણ ભાઈ-બહેનોને ભીખ માગવા લઈ જાય છે એટલે સ્કૂલે આવવાનું બંધ કર્યું છે.
પ્રિન્સિપાલે પોલીસના દામિની પથકની માર્શલ અયોધ્યા ચેચરનો કોન્ટેકટ કર્યો. માર્શલે માતાને જઈ સમજાવી અને બાળકીને ફરીથી સ્કૂલમાં બેસાડી. આમ, ભીખ માગવા માટે લંબાતા હાથમાં ફરી પુસ્તકો આવ્યાં. દરેક ગામ અને શહેરમાં શિક્ષણ સંસ્થાવાળા પોલીસની મદદથી સ્કૂલ ડ્રોપ-આઉટ્સની સમસ્યા ઉકેલવા પ્રયાસ કરે તો અગણિત બાળકોનાં જીવનની ક્ષણેક્ષણ શિક્ષણથી સુધરી જાય કે નહીં?
બનેવી ભાગ્યા સાળી સાથે, સાળો ભાગ્યો બનેવીની બહેન સાથે
સાલી આધી ઘરવાલી એવી હિન્દી કહેવત છે, પણ બરેલીમાં એક 'જલ્સેરી' જીજાજી પોતાની સાળીને આધી ઘરવાલી નહીં પણ પૂરેપૂરી ઘરવાલી બનાવવા માટે સાથે લઈને ભાગી છૂટયા હતા. જીજાજીની આ હરકતથી રાતા-પીળા થઈ ગયેલા સાળાએ શું કર્યું ખબર છે? સાળો બનેવીની બહેનને લઈને બિન્ધાસ્ત ઈલુ ઈલુ કરવા નાસી છૂટયો હતો.
આ અજબગજબ ભાગાભાગીના કિસ્સામાં બરેલીમાં રહેતો બે બાળકોનો પિતા પોતાની ૧૯ વર્ષની સાળીને લઈને ભાગી ગયો હતો. તેના એક દિવસ બાદ સાળો બનેવીની ૧૯ વર્ષની બહેનને લઈને રફુચક્કર થઈ ગયો હતો. સપનામાં પણ કલ્પી ન હોય એવી આ ઘટનાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવ્યા બાદ લગભગ પખવાડિયા બાદ પોલીસ ભાગેડુઓને શોધી લાવી હતી. જો કે પછી પરિવારજનોએ બદનામીના ડરને લીધે આપસમાં પતાવટ કરી લીધી હતી.
૧૯૬૫માં આવેલી 'મેરા સાયા' ફિલ્મના 'ઝુમખા ગીરા રે બરેલી કે બાઝાર મેં... ઝુમખા ગીરા રે...' ગીતે બરેલી શહેરના ઝુમખાને દેશ-વિદેશમાં મશહૂર કરી દીધા હતા. આ ગીતની અપાર લોકપ્રિયતાને પગલે બરેલી પાલિકાએ બરેલીના બજારના મુખ્ય ચોકમાં કરોડોના ખર્ચે લટકતા ઝુમખાનું સ્મારક રચ્યું છે. હવે આ સાળા-બનેવીની અજબ દાસ્તાનને લીધે આ ગીતનું મુખડું થોડું ફેરવીને ગાઈ શકાશેઃ બરેલી કે બાઝાર મેં બહેનોઈ ભાગા રે...
કાશ્મીર કી કલી હૂં મૈં, મુઝસે ના રૂઠો...
કાશ્મીર કી કલી હૂં મૈં, મુઝ સે ના રૂઠો બાબુજી... કાશ્મીરનાં રંગબેરંગી ફૂલો, કોમળ કળી જેવી સુંદર કન્યાઓ અને કુદરતી સૌંદર્યને ફિલ્મી પડદે અઢળક વાર ઝળકાવવામાં આવ્યું છે. કાશ્મીરના સૌંદર્ય અને કાશ્મીરી સુંદરીની પ્રણયકથાને વર્ણવતી વિતેલા જમાનાની સુપરહિટ ફિલ્મ 'કાશ્મીર કી કલી'ને કોણ ભૂલી શકે? ફિલ્મનો હીરો શમ્મી કપૂર કાશ્મીર ફરવા આવે છે અને ફૂલ વેંચનારી કાશ્મીરી કન્યા શર્મિલા ટાગોરને દિલ દઈ બેસે છે. કાશ્મીરી સ્ત્રીઓનું સૌંદર્ય આટલું આકર્ષક હોવા છતાં વરવી વાસ્તવિકતા શું છે, જાણો છો? કાશ્મીરમાં અડધો અડધ મહિલાઓ અપરિણીત છે. બે વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલા સરકારી રિપોર્ટ-૨૦૨૩માં જણાવ્યા મુજબ કાશ્મીરની ૪૪ ટકાથી વધુ મહિલાઓ પરણી નથી. શા માટે લગ્ન નથી કર્યાં એનું કોઈ કારણ જાણવા નથી મળ્યું. એવું કહેવાય છે ને કે લગ્નો તો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે, ને વળી કાશ્મીર તો ધરતી પરનું સ્વર્ગ જ છે, તો ત્યાં કેમ મહિલાઓ આટલી ંમોટી સંખ્યામાં અપરણિત રહી જાય છે? સવામણના આ સવાલનો કોણ જવાબ આપે?
મહાબલી ખલી લંબુને જોઈ ગયો હલબલી
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (ડબલ્યુડબલ્યુઈ)માં ભારતના નામનો ડંકો વગાડી ચૂકેલા મહાબલી ખલી જેને જોઈ હલબલી ગયો એ શખસ કેવો લંબુ હશે? કહેવત છે ને કે શેરને માથે સવાશેર હોય જ, એમ તાડના ત્રીજા ભાઈ જેવા ખલી કરતાં પણ લંબુ કોઈ હોય જ ને? ખુદ ખલી પોતાનાથી એક ફૂટ ઊંચા કરણસિંહને જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો.
મેરઠના માત્ર ૧૬ વર્ષની ઉંમરના કરણસિંહની અને ખલીની મુલાકાતની વીડિયો સોશિયલ મીડિયામાં વીજળી વેગે વાઈરલ થઈ હતી. ખલીએ પોતે જ આ વીડિયો વહેતો મૂકીને એવી ટકોર કરી હતી કે મને પહેલી જ વાર કોઈ એવો મળ્યો જેની સાથે મારે માથું ઊંચુ કરીને વાત કરવી પડે છે, કારણ ખલીની ઊંચાઈ ૭ ફૂટ ૧ ઈંચ અને કરણસિહની ૮ ફૂટ ૨ ઈંચ છે. ખલીએ મેરઠના આ તાડના ત્રીજા ભાઈ જેવા ટીનએજરને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ ફિલ્ડમાં આગળ વધવા માટે દરેક રીતે માર્ગદર્શનની ખાત્રી આપી છે.
આ જ દેખાડે છે કે ખુલ્લા મનના ખલીમાં ઊંચાઈ છે પણ લુચ્ચાઈ નથી. ૧૯૬૫માં આવેલી અશોકકુમાર અને રાજકુમારની 'ઉંચે લોગ' ફિલ્મનું ટાઈટલ યાદ કરીને કહી શકાય કે, ઉંચે લોગ રખે ઊંચી સોચ. બાકી તો ટીનએજર લંબુજીને પહેલીવાર નજરોનજર જોઈને ખલીની આંખો ચાર થઈ ગઈ. એ વિશે હળવાશથી કહી શકાય કે-
વીડિયો ક્લિપ એવી ચાલી એવી ચાલી
મહાબલી ખલી લંબુને જોઈ
ગયો હલબલી.
પંચ-વાણી
છલ કા ફલ છલ
આજ નહીં તો કલ.









