Editorial

તાવ અને ભાવ ચડયા પછી ઝટ ન ઉતરે

By GS Team
19 Aug 20264 mins read
TukuTouch Logo
ડો. લોચાવાળાએ દર્દીને 'ગોરી' સાથે ફરવા જવાની સલાહ આપી, જેના કારણે ઘરે ઝઘડો થયો. 65 વર્ષના ડોક્ટરે 60 વર્ષની કન્યા સાથે પુનર્લગ્ન કર્યા, જ્યાં કન્યાને તાવ હોવાનું બહાર આવ્યું. ડોક્ટરની પત્નીએ કહ્યું કે તેમને 'ફી-વર' ગમે છે, કારણ કે પતિ ઊંચી ફી વસૂલ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાવ અને ભાવ ચડયા પછી ઝટ ન ઉતરે
  • બખડજંતર-નટખટ નાગર

'તાવ રે તાવ મને ના સ-તાવ… અહીં ન આવ…'
'લાભુ, તને મગજમાં તાવ-બાવ ચડી ગયો છે કે શું? આમ તાવના જોડકણાં ગાઈને તું કેમ તાવને જાકારો આપે છે?'
'અરે ભાઈ તાવના કેવાં વાયરા છે? દવાખાનામાં તાવના દરદીઓની રીતસર ભીડ જામે છે તમને ખબર નથી? એટલે તાવને જાકારો આપતુું જોડકણું ગાઉં છું.'
'લાભુ… લાભુ તાવના આવાં જોડકણાંથી તને તાવ નહીં આવે એવું તું માને છે? '
'કેમ? કોરોના વખતે નમોજીએ કોરોનાથી બચવા થાળી પીટીને 'ગો કોરોના… ગો કોરોના..'ના ગગનભેદી નારા નહોતા લગડાવ્યા? તો હું કેમ તાવને જાકારો આપતા જોડકણાં ન ગાંઉ - 'તાવ રે તાવ, મને ના સ-તાવ, અહીં ન આવ…''
'લાભુ, મને ગઈકાલથી ઝીણો તાવ આવે છે હો? '
'શું વાત કરો છો? તાવને માથે મારી મૂકવાને બદલે આપણા ઓળખીતા સુરતી ડોકટર લોચાવાળાના દવાખાને જઈ આવોને?'
'લાભુ, ગઈ કાલે રાત્રે જ મારી વાઈફ ઈલા મન ે દવાખાને લઈ ગઈ હતી. પણ ડો. લોચાવાળાએ એવો લોચો કર્યો કે ઘરે આવીને ઈલાએ મારા સાંધા ઢીલા કરી નાખે એવો ઝઘડો કર્યો, તું માનીશ?'
'શું વાત કરો છો? ઈલાભાભી કેમ વિફયાંર્ એ તો કહો?'
'એમાં એવું થયું કે ડો.લોચાવાળાએ દવાની પડીકીઓ આપ્યા પછી સલાહ આપી કે રાત્રે ગોરી લઈને પછી જ ફરવા નીકળજો. આ સાંભળી ઈલાએ ઘરે આવી ઝઘડો કર્યો કે બોલો રાત્રે કંઈ ગોરીને લઈ ફરવા નીકળો છો? સાચું બોલજો.'
'હા-હા- હા… સુરતી ડો.લોચાવાળાએ સુરતી ભાષામાં ગોળીનો ઉચ્ચાર 'ગોરી' કર્યો એમાં જ ઘરે બબાલ થઈને? આ તો તાવ તમને આવ્યો અને તપી ઈલાભાભી ગયા એવું જ થયું ને?'
'લાભુ, તાવમાં ફેર પડે પણ વહુના વર્તાવમાં થોડો જ ફેર પડે?'
'આ વર્તાવ શબ્દ તમે સારો ગોતી કાઢ્યો હો? વહુના વ રને આવે તાવ એને વર-તાવ જ કહેવાયને?'
'લાભુ, મારા ઓળખીતા ડોકટરે પાંસઠ વર્ષે પુનર્લગ્ન કર્યા અને વળી ધામધૂમથી વિધિવત પરણ્યા હો?'
'શું વાત કરો છો? તમે લગ્ન માણવા ગયા હતા કે નહીં?'
'લાભુ હું અને ઈલા બંને ઈ વરિષ્ઠ વરરાજાની જાનમાં ગયા હતા. એમાં મને છેલ્લી ઘડીએ અણવર બનાવ્યો બોલ!'
'અણવર બનાવ્યા હતા તો પછી લગ્ન-પ્રસંગની કાંઈક વાત તો કરો?'
'લાભુ, ૬૫ વર્ષના વરરાજા અને ૬૦ વર્ષની 'કન્યા'ના વેડિંગની નહીં પણ ફરી બંધાતા સંબંધના 'વેલ્ડિંગ'ની વિધિ શરૂ થઈ. હસ્તમેળાપનો સમય થયો ત્યારે 'કન્યા'નો હાથ પકડતાંની સાથે જ ડોકટર વરરાજા બોલ્યા કે તમને તો તાવ છે. આ સાંભળતાની સાથે જ 'કન્યા'ની બાજુમાં બેઠેલી વાઈડી બહેનપણી બોલી કે સાહેબ તમારી સાથે લગ્ન નક્કી થયા ત્યારથી જ કન્યાને તાવ ચડી ગયો છે.'
'હા-હા-હા… ઓલી કહેવત છેને? ઘરના ભૂવા અને ઘરના ડાકલા એ કહેવત ફેરવીને કહેવી પડે કે ઘરના 'દાકતર' અને ઘરના દરદી, હવે ભલે આવે તાવ કે થાય શરદી…'
'લાભુ, ડોકટર અને એમનાં નવવધૂ હનિમૂન-ફનીમૂન મનાવી પાછા ફર્યા પછી એક વાર કપલનો ગાર્ડનમાં ભેટો થઈ ગયો. મેં ભાભીને હળવાશથી પૂછ્યું કે ભાભીજી તાવ ઊતર્યો કે નહીં?'
'શ ું જવાબ આપ્યો ડોકટર સ ાહેબના વાઈફે?'
'લાભુ, ચાલાક લ ાગતા ડોકટર સાહેબના વાઈફે કહ્યું કે તાવ તો ઉતરી ગયો છે. બાકી સાચું કહું તો મને ફિવર બહુ ગમે ફિવર.'
'અરે? એની ભલી થાય… ડોકટરની વાઈફને વળી ફિવર કેમ ગમતો હશે?'
'લાભુ, મેં પણ તારી જેમ જ સવાલ કર્યો ત્યારે વાઈફે લુચ્ચું હસીને જવાબ આપ્યો કે જે વર દરદીઓ પાસેથી ઊંચી ઊંચી ફી વસૂલ કરીને લાવતો હોય એવો ફી-વર કોને ન ગમે….'
'હા-હ ા-હા… તમારી વાત સાંભળીને તમારો આ મરદ મૂછાળો ડ્રાઈવર પણ મૂછોને 'ફિવર' દેતો એટલે કે તાવ દેતો કેવો હસે છે?'
' લાભુ , ચોમાસું તો ડોકટરોની કમાણીની સીઝન કહેવાય હો? એમાં હમણાં મોટા ડોકટરોએ ઈલાજ કરવાના ભાવ કેવાં વધારી દીધા છે?'
'અરે મારા ભાઈ, એટલે જ તો હું કાયમ કહું છું કે આપણાં દેશમાં તાવ અને ભાવ એકવાર ચડે પછી ઝટ ઉતરે નહીં.'
'લાભુ, તારી વાત સાવ સાચી છે હો? હમણાં મેં વાત કરી એ ફી-વર પ્રેમી તબીબી બીબીની જેમ બધી બીબીઓને પૈસાની છૂટ થોડી જ હોય? મોંઘવારીમાં વધતાં ભાવ, કરે ઉંડા ઘાવ અને એ ની પીડામાં આવે તાવ, આમાં કોને કહીએ કે ઈલાજ બ-તાવ?'
'અગાઉ તો સાત દિવસ, એકવીસ દિવસ કે એકતાલીસ દિવસના મુદતિયા તાવમાં દરદીઓ પટકાતા યાદ છે? હવે આવા મુદતિયા તાવ કેમ નહીં આવતા હોય?'
'લાભુ, આજના જમાનામાં આવાં મુદતિયા તાવ તારા મારા જેવા સારા માણસોને નથી આવતા પણ મિનિસ્ટરોને આવે છે મિનિસ્ટરોને…'
'અરે ભાઈ, મુદતિયા તાવને અને મિનિસ્ટરને શું સંબંધ? જરા ફોડ પાડીને કહોને?'
'લાભુ, ધ્યાનથી સાંભળ. સાંસદ અને વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી જેને પ્રધાન બનવાનો મોકો મળે એના પછી ગાદીની ગરમીને લીધે એકદમ 'તાવમાં' એટલે કે ભાઈ સાબ સત્તાના મદમાં જ રહે છે. પ્રધાનપદ ગુમાવે અથવા પ્રધાનપદની મુદત પૂરી થાય અને જ્યારે ગાદી પરથી ઉતરે ત્યારે જ ભેગો તાવ ઉતરે. એટલે જ કહેવું પડે કે-
પરધાનુંનો ઉતરે
મુદતિયો તાવ,
પછી ભોજીયો ભાઈ પણ
પૂછે નહીં ભાવ.'
ફન કી બાત
દવા કામ ન આવે
ત્યાં દુઆ કામ આવે છે
ફોઈ કામ ન આવે
ત્યાં ફુઆ કામ આવે છે.
ભૂત કામ ન આવે
ત્યાં ભૂવા કામ આવે છે.ાૃ


કાલે કરો સો કરો આજ
ઈલાજમાં શેની લાજ?


કાં તાવ આવે એ સ-તાવે
કાં સત્તા પર આવે એ સ-તાવે.


પત્ની: ડોકટર સાહેબ મારા પતિ તાવમાં સતત બોલ બોલ કરે છે એનો શું ઈલાજ?
ડોકટર: સાજા થાય ત્યારે પતિને બોલવા દેજો.


ગાદી ખસે સત્તાની કે મણકાની
ત્યારે શરૂઆત થાય સણકાની.