શેરડીના રસથી ગાડી દોડે એમ લાડી દોડે કે નહીં?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
'લાભુ, હમણાં એકે ચેનલિયા કથાકારે વ્યાસપીઠ પરથી કહ્યું કે ગીતાજીમાં કહ્યું છે કે ફળની આશા ન રાખો જ્યુસની આશા રાખો…'
'હા… હા… હા… ગીતાજીમાં કહ્યું છે કે ફળની આશા ન રાખો, કર્મ કર્યો જાવ… અને ચેનલિયા કથાકારે વળી જયુસની આશા રાખવાનું કેમ કહ્યું હશે?'
'લાભુ, ફળોને નીચોવી નાખો ત્યારે રસ જ નીકળેને? એમ આજે સહુ એકબીજાને નીચોવીને રસ કાઢવામાં જ મંડી પડયા હોય છેને?'
'જરા સમજાય એવી રીતે રસની વ્યાખ્યા કરો તો સહુને રસ પડે.'
'લાભુ, સાંભળ ધ્યાનથી, સરકાર મોંઘવારીના સંચામાં આમ જનતાને નાખી નિચોવે છે બરાબરને?'
'તમારી વાત સાવ સાચી હો! ૧૫મી ઓગસ્ટે દિલ્હી ગયો ત્યારે દિલ્હી સ્ટેશનની બહાર જ જનતા જ્યુસ સેન્ટરનું બોર્ડ વાચ્યું હતું.'
'લાભુ, માલિકોને એમના મજૂરો પાસે કામ કરાવી નિચોવી નાખી 'લાભ-રસ' ગટગટાવવામાં જ રસ છે.'
'ભૂલતો ન હોઉં તો એક ગઝલનો શેર થોડોઘણો યાદ આવે છે: અત્તરને નિચાવી પછી કોણ ફૂલોની દશાને પૂછે છે…'
'લાભુ, જે સરકાર આમ જનતાને આમ નિચોવે એને જ કહેવાય આમ-રસ.'
'સહુને જુદા જુદા રસમાં રસ હોય છે, નેતાઓને ગાદીમાં રસ, વકીલોને વાદી-પ્રતિવાદીમાં રસ, ગાંધીવાદીઓને ખાદીમાં રસ, વાંઢાઓને શાદીમાં રસ અને પરસાદિયા ભક્તોને પર-સાદીમાં રસ.'
'લાભુ, ઉમેદવારોને મતમાં રસ, નફાખોરોને કિંમતમાં રસ, બાલીશ હરકત કરવાવાળાને છોકરમતમાં રસ અને કર્મ કર્યા વિના ફળની આશા રાખનારાઓને કિસ્મતમાં રસ.'
'હમણાં તો મુંબઈ જેવાં શહેરોમાં મિલાવટી ખાણાં-પીણાં વેંચનારાઓ પર તવાઈ આવી છે ખબર છે ને? જ્યુસ સેન્ટરો પર ઉપરાઉપરી રેડ પાડી ત્યારે આમ-રસમાં પપૈયાના રસની મિલાવટ, મોસંબીના રસમાં મીઠા પાણીની મિલાવટ, એપલ જ્યુસમાં બાફેલા બટેટાના છૂંદાની મિલાવટ આમ જાતજાતની મિલાવટવાળા રસ પકડાયા હતા. હવે આવી સ્થિતિમાં ચેનલિયા કથાકાર કહેતા'તા કે ફળની નહીં રસની આશા રાખો એ વાત કેમ મનાય?'
'લાભુ, તને ખબર છે? નવરસ કયા છે?'
'નવરસ એટ લે બીજું શું હોય? મોસંબીનો રસ, ગાજરનો રસ, કારેલાનો રસ, સફરજનનો રસ, જ્વારાનો રસ, લીંબુનો રસ, દ્રાક્ષનો રસ, કલિંગરનો રસ અને છેલ્લે શેરડીનો રસ, બોલો થઈ ગયાને નવ રસ?'
'લાભુ… લાભુ… શેરડીના રસમાંથી બનતા ઈથેનોલના ઈંધણની તો અત્યારે રામાયણ નહીં પણ રસાયણ થઈ છેને? પણ હું તે કીધા એ નવરસની વાત નથી કરતો.'
'તો પછી તમે વળી કયા નવરસની વાત કરો છો? સમજાવો તો ખરા?'
' લાભુ, ભારતીય કાવ્યશાસ્ત્ર, કલાશાસ્ત્ર અને નાટયશાસ્ત્રમાં આ નવરસ વર્ણવ્યા છે. ભરત મુનિના નાટયશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ નાટક કે નૃત્ય જોઈએ છીએ અથવા સંગીત કે કવિતા સાંભળીએ છીએ ત્યારે આ નવરસની અનુભૂતિ થાય છે: શ્રૃંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વીરરસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભૂત રસ અને શાંતરસ.'
'મારી લીલા તો આમાંથી બે જ રસના દર્શન કરાવે છે.'
'લાભુ, તારી લીલા કયા બે રસના દર્શન કરાવે છે?'
'લીલા છે ને ઈ મને મૂરખ ગણી મારી બધી વાત હસી કાઢે છે એટલે હાસ્યરસના દર્શન થાય છે અ ને કોઈ વાર રાત્રે બારમાં જઈ ઠુંગાપાણી કરીને ડોલતો ડોલતો મોડો ઘરે આવું ત્યારે લીલા રૌદ્રરૂપ દેખાડી રૌદ્રરસના દર્શન કરાવી મારા સાંધા ઢીલા કરી નાંખે છે.'
'લાભુ, બારમાંથી ડોલી ડોલીને જાણે 'બાર-ડોલી'થી આવતો હોય ત્યારે પછી લીલા રૌદ્રરસ દેખાડી તારા સાંધા જ ઢીલા કરી નાખેને? બાકી લીલાને શેમાં રસ છે એ કહે તો ખરો?'
'લીલા દર પહેલી તારીખે પગાર-રસ દેખાડે છે. લીલાને મારા તનમાં નહીં વેતનમાં જ રસ હોય પછી સંસારમાં રસ-કસ ક્યાંથી રહે? રસાકસી જ થાયને?'
'લાભુ, તું એકલો એકલો બારમાં જઈ બારો-બાર 'દ્રાક્ષનો રસ' ગટગટાવીને ઘરે આવે છે તો કોઈ દિવસ લીલાને રાત્રે જમીને શેરડીનો રસ પીવડાવવા કેમ નથી લઈ જતો?'
'અરે ભાઈ એવું જોખમ ન લેવાય હો?'
'લાભુ, લીલા જેવી લાડીને પ્રેમથી શેરડીનો રસ પીવડાવવામાં વળી શેનું જોખમ?'
'અરે મારા રાજ્જા હમણાં જ વાત થઈને કે શેરડીના રસમાંથી ઈંધણ બને છે? તો શેરડીના રસમાંથી બનતા ઈંધણથી ગાડી દોડે છે એમ શેરડીનો રસ પીવડાવ્યા પછી મારી લખણવંતી લાડી મારમાર કરતી પિયર દોડી જાય તો મારે શું કરવું?'
'હા… હા… હા… લાભુ તેં તો લાડી અને ગાડી 'દોડાવવાનો ગજબનો તુક્કો સંભળાવ્યો હો?'
'એમ? મારો તુક્કો જો ગમ્યો હોય તો અત્યારે જ મને ઠંડો શેરડીનો રસ પીવડાવવા શેરીના નાકે લઈ જાવ.'
'પણ લાભુ, અત્યારે તને શેરડીનો રસ પીવાનું કેમ મન થયું?'
'અરે ભાઈ, આખો દિવસ તીખ્ખું તમતમતું અને તેલ વાળું બહારનું ખાઈ ખાઈને પેટમાં બળતરા થાય છે, એટલે ડબલ બરફવાળો શેરડીનો રસ પીધો હોય તો ટાઢક થાયને?'
'લાભુ, તારી દશા કેવી છે ખબર છે? રાતે કરવાની મજા અને સવારે સહેવાની સજા.'
'એટલે જ હું ગાતો હોઉં છું કે બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે?'
'લાભુ, સવારે શું તકલીફ થાય છે?'
'અરે ભાઈ, તમે નવ રસ વર્ણવ્યાને? એમાં એક ઉમેરો તો દસમા રસનો વસમો અનુભવ થાય છે હો?'
' લાભુ, આ દસમો રસ વળી કયો જે તને વસમો લાગે છે? '
'તમે સમજ્યા નહીં દસમો રસ એટલે હ-રસ. હાસ્યરસમાં હર્ષના આંસુ આવે અને કરૂણરસમાં હ-રસના આંસુ આવે.'
ફન કી બાત
જુદા જુદા પ્રકારના રસ
કેરીનો આમ-રસ
વેરીનો ડન્જ-રસ.




