Editorial

2014 પહેલાંની સાલના કોઈપણ ટ્રેન્ડને દેશદ્રોહી જાહેર કરો

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
નવા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પાર્ટી કાર્યકરોમાં '80s ટ્રેન્ડ'ને લઈને ભારે ચર્ચા જાગી. એક કાર્યકરે કહ્યું કે, લોકો AI દ્વારા પોતાના જૂના ફોટા 80sના દેખાવમાં મૂકી રહ્યા છે. અન્ય કાર્યકરે તેને 'દેશદ્રોહ' ગણાવ્યો, કારણ કે તે સમયે વિરોધ પક્ષની સરકાર હતી. જોકે, મોટાભાગના કાર્યકરોએ પ્રજાને કલ્પના અને ગમ્મતમાં જ રાખવાની વાતને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

2014 પહેલાંની સાલના કોઈપણ ટ્રેન્ડને દેશદ્રોહી જાહેર કરો
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • આપણું પ્લાનિંગ તો દેશને એઈટીઝમાં નહીં, પણ એઈટીન સેન્ચુરી એટલે કે ૧૮મી સદીમાં લઈ જવાનું છે

'ચાલો… ચાલો… ફટાફટ બધા પોતાના ફોટા, રીલ મૂકી દો. જબરો ટ્રેન્ડ જામ્યો છે.' નવા ઉદ્ધઘાટન પામેલાં પાર્ટી કાર્યાલયમાં દોડતા આવેલા એક કાર્યકરે કહ્યું.
કાર્યકર ૨: મને ખબર જ હતી કે કાર્યાલયના ઉદ્ધઘાટન પછી તેના ફોટા અને રીલ મૂકવાની સૂચના આવશે જ.
કાર્યકર ૩ : અલ્યા, હમણાં તો કાર્યક્રમો જ એટલા બધા વધી ગયા છે કે આપણને પહેલાં તૈયારીના ફોટા અને પછી કાર્યક્રમની સફળતાના ફોટા ને રીલ મૂકવા માટે ૨૪ કલાક પણ ઓછા પડે છે.
કાર્યકર ૧: અલ્યા ડફોળો, હું પાર્ટીની ઈવેન્ટની વાત નથી કરતો. જરાક મંત્રીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સિવાય બીજું બધું પણ જુઓ. આખો દેશ એઈટીઝના ટ્રેન્ડમાં ગાંડો થયો છે. આપણે બધા પણ જોડાઈ જાઓ.
કાર્યકર ૪: શાંતમ્ પાપમ્… શાંતમ્ પાપમ્…. એઈટીઝનો ટ્રેન્ડ? લ્યા, દેશમાં જે કાંઈ ટ્રેન્ડ છે એ બધું ૨૦૧૪ પછી જ છે. એ સિવાયની કોઈપણ સાલના ટ્રેન્ડ ચલાવવા કે તેમાં જોડાવું એ દેશદ્રોહ જ કહેવાય. એમાંય પાછો એઈટીઝનો ટ્રેન્ડ? એ વખતે આપણી વિરોધી પાર્ટીની સરકાર હતી. એમના જમાનાનું કશું પણ ટ્રેન્ડ કરવું એ દેશ મતલબ સરકાર મતલબ પાર્ટીનો દ્રોહ જ ગણાય.
કાર્યકર : ન ચાલે. આપણે અહીં આટલાં વર્ષોથી પ્રજા એઈટીન સેન્ચુરી એટલે કે ૧૮મી સદીમાં ધકેલાઈ જાય એવા પ્રયાસો કરીએ છીએ ને પ્રજા એઈટીઝમાં અટવાયેલી રહે એ ન ચાલે.
કાર્યકર ૩: ખરેખર તો એઈટીઝમાં દેશના લોકો ભૂખે મરતા હતા, પાઈ પાઈ માટે મોહતાજ હતા, પીવા માટે પાણી ન હતું, રોડ તો શું એક કાંકરી પણ ન હતી, ઘોર અંધકાર યુગ હતો એવું બધું દર્શાવતો કોઈ ટ્રેન્ડ કરવો જોઈએ.
કાર્યકર ૫: હા યાર, આપણી પ્રજા ખરેખર બેશરમ ને બેકદર છે, પાછલાં દસ-બાર વર્ષમાં આપણી પાર્ટીની સરકારે પ્રજાને દોમ દોમ સાહ્યબી આપી તેમ છતાં આ દુષ્ટ પ્રજા એઈટીઝના અંધકાર યુગને ટ્રેન્ડ કરે છે? ધિક્કાર છે આ પ્રજાને. આ પ્રજા તો ચલણી નોટો વગર, વેક્સિન વગર, ખાંડ વગર ને ડુંગળી વગર તડપાવવાને જ લાયક છે.
કાર્યકર ૧: લ્યા, બધા જાણ્યા સમજ્યા વિના પ્રજાને ગાળો આપવા ન મંડી પડો. થોડા દિવસ પહેલાં જોયું ને આપણે બધા જેન-ઝીને કેવી ગાળો આપતા હતા અને હવે કેવા ટોપથી બોટમ બધા જેન-ઝીના જાપ જપવા પડે છે. આમાં પ્રજા કાંઈ એઈટીઝીની એ વખતની સરકારના ગુણગાન નથી ગાતી. ઈન ફેક્ટ, પ્રજા સરકારના ગુણગાન ગાયા જ કરે એવો ટ્રેન્ડ તો આપણે જ લાવ્યા છીએ. આમાં તો લોકો પોતાના પર્સનલ ફોટાને એઆઈ દ્વારા એડિટ કરાવીને પોતે એઈટીઝમાં કેવા દેખાતા હોત તેના ફોટા મૂકે છે એટલું જ. નરી કલ્પના અને બે ઘડી ગમ્મત જ.
કાર્યકર ૨: તો તો બરાબર… પ્રજા નરી કલ્પનાઓ અને ગમ્મતમાં જ રાચતી રહે એ તો આપણી પાર્ટીને ફાવતી જ વાત છે. થાવો દો ત્યારે…
આદમનું અડપલું
જ્યારે આદિમાનવ કેવી રીતે રહેતો હતો તે ટ્રેન્ડ થવા લાગશે તે દિવસે બધાને સમજાશે કે સર્વકાલીન માનવ ઇતિહાસમાં એ સૌથી સુખી હતો.