ભેંસ અને ભાભી... સિરિયલ જોઈ રાજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બખડજંતર-નટખટ નાગર
'લાભુ, ઝટ જવાબ આપ કે ટીવી અને 'બીવી'માં શું ફેર છે?'
'કંટાળો આવે તો ટીવીની સ્વિચ બંધ કરી શકાય, 'બીવી'ની ન થાય.'
'લાભુ, ટીવી અને 'બીવી'માં બીજો શું તફાવત છે?'
'ટીવીમાં દૂર-દર્શન થાય અને (બાઝકણી હોય તો) બીવીમાં ક્રૂર-દર્શન થાય.'
'લાભુ, તેં ક્રૂર-દર્શન શબ્દ વાપર્યો એટલે યાદ આવ્યું કે સિરિયલ ક્લિર કોને કહેવાય?'
'જે હત્યારો એક પછી એક કેટલાયની હત્યા કરે એને સિરિયલ કિલર કહેવાય.'
'હવે લાભુ, આજના સંદર્ભમાં સિરિયલ કિલરનો બીજો અર્થ શું કાઢી શકાય?'
'બીજો અર્થ એ કાઢી શકાય કે જોવાની મજા મારી નાખે એવી સિરિયલો દર્શકોને માથે મારવામાં આવે એવી સિરિયલોને પણ સિરિયલ કિલર કહી શકાય. હા-હા-હા…'
'લાભુ, આવી કંટાળાજનક સિરિયલો લંબાતી જ જાય લંબાતી જ જાય છતાં મારી ઈલા અને તારી લીલા જેવી મહિલાઓને સિરિયલ જોયા વિના ચાલે જ નહીં એ કેવી નવાઈની વાત કહેવાય!'
'સાંભળો, અમારા કાઠિયાવાડમાં એવું કહેવાય કે ભેંસ , ભામણ ને ભાજી એ ત્રણ પાણી જોઈને રાજી, બરાબર? આના પરથી મેં સિરિયલની બંધાણી મહિલાઓને જોઈ જોડકણું બનાવ્યું છે, સંભળાવું?'
'લાભુ, વાટ શેની જુએ છે? સંભળાવી દે તું તારે… તારી કે મારી ઘરવાળી સિરિયલ જોવામાંથી ક્યાં નવરી થાય છે કે તારી વાત સાંભળીને વિફરે?'
'તો સાંભળોઃ ભેંસ, ભાભી ને માજી એ ત્રણ સિરિયલ જોઈને રાજી…'
'લાભુ, ભાભી અને માજી સિરિયલના રસિયા હોય એ જાણે સમજાયું, પણ ભેંસ કેવી રીતે સિરિયલ જુએ એ કહે તો ખરો?'
'ભેંસ પણ ટીવી સિરિયલ જોવાની બંધાણી બની જાય છે એ તમને ખબર નથી?'
'લાભુ, તું પણ શું વાંદરાને વાઈ આવે એવી વાતું કરે છે? લીલા ભાભીની જેમ ભેંસને ટીવી સિરિયલ જોવાનું બંધાણ હોય એવું વળી કોણે કહ્યું?'
'મશ્કરી નથી કરતો, હમણાં જ સોશ્યલ મિડિયામાં સિરિયલ જોતી ભેંસની વીડિયો વીજળી વેગે વાઈરલ થઈ છે એ તમને ખબર નથી?'
'લાભુ, મને તો ખબર નથી, પણ ભેંસ ટીવી સિરિયલ જોવે કેવી રીતે?'
'અરે મજેદાર વીડિયો તમનેય દેખાડું. જુઓ, ઘરની બહાર ગમાણમાં ઉભેલી ભેંસ ઘરની મહિલાને દૂધ દોહવા નથી દેતી. પણ જેવું ગમાણને અડીને આવેલા રૂમનું મોટું ટીવી ચાલુ કરી સિરિયલ શરૂ કરવામાં આવે ત્યારે ધ્યાનથી ટીવી જોવા માંડે છે અને મહિલા આસાનીથી દૂધ લદોહી લે છે. બોલ, કેવી નવાઈ લાગે?'
'લાભુ, ભેંસના માલિકનું શું કહેવું છે ભેંસના આ સિરિયલ-પ્રેમ વિશે?'
'ભેંસના માલિકનો દાવો છે કે ટીવી સિરિયલ જોવા ન મળ ે ત્યાં સુધી આ ભેંસ દૂધ દોહવા જ નથી દેતી અને બોધેણાને લાત મારી દૂર ઉડાડી દે છે.
જેવું ટીવી ઓન કરી સિરિયલ શરૂ કરવામાં આવે એટલે સ્થિર ઊભી રહે છે અને દૂધ દોહવા દે છે. માલિક કહે છે કે આ કાંઈ ભેંસ નથી, પણ અમારી વ્હાલી દીકરી છે, દીકરી.'
'લાભુ, ઓલી જૂની કહેવત છે ને કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય… એ કહેવત જરા ફેરવીને કહી શકાય કે દીકરી અને ભેંસ સિરિયલ જોઈ રાજી થાય…'
'આમ પણ આજકાલની કેટલીય સિરિયલોનું સ્તર એવું જ હોય છે જે જાઈને ભાભી અને ભેંસ જ રાજી થાય.'
'લાભુ, તારી વાત સાંભળીને જ કહેવાની હિમ્મત કરૃં છું કે પાણીમાં બેઠેલી ભેંસ અને સિરિયલ જોવા બેઠેલી ભાભીઓને ઉઠાડવી અઘરી છે.'
ફન કી બાત
કાગા ચૂન ચૂન ખાઈઓ
સબતન ખાઈયો માસ
પર દો નૈના મત ખાઈયો
મોહે સિરિયલ દેખન કી આસ.
સવાલઃ હાથમાં રિમોટ લઈને વારંવાર ચેનલો ફેરવવાની આદત હોય એને શું કહેવાય?
જવાબઃ એ આદતને ચેનચાળા નહીં, પણ ચેનલ-ચાળા કહેવાય.
ઉત્તર ભારતમાં ટીવી સિરિયલની બંધાણી પત્નીની આદત ભૂલાવવા પતિએ હાથમાંથી રિમોટ ઝૂંટવી લીધું ત્યારે વિફરેલી વહુએ લાઠી ફટકારીને ધણીનું માથું ફોડી નાખ્યું. આ કિસ્સો વાંચીને ચાર-લાઈના કહેવી પડે કેઃ
વહુના હાથમાંથી રીમોટ
ખેંચવાની કરશો ભૂલ,
તો પછી ઘરની
શાંતિ થશે ગુલ.
સવાલઃ પત્નીપીડિત પતિ કે પછી કહ્યાગરા કંથને રોજ સવારે થેલી લઈ શાક લેવા જવું પડે એ દ્રશ્ય જોઈને શું કહેવાનું મન થાય?
જઃ થેલી લઈને જતા ધણીના લાઈવ-દ્રશ્યને ટેલિવિઝન નહીં, પણ થેલી-વિઝન કહેવાય.
તોબા આ ઘર ભાંગતી સિરિયલો
અને આજના સિનેમા,
એટલે જ કહું છું કે
વાટ જુએ ઈ મા
અને વાટ લગાડે ઈ હે-મા.




