વંદે માતરમ બાબતે ભાજપ - કોંગ્રેસ વચ્ચે મોટો વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સ્વતંત્રતાની 80મી વર્ષગાઠે દિલ્હીમાં એક વરવો વિવાદ થયો છે. ગૃહમંત્રાલયએ નવા પ્રોટોકોલ મૂજબ વંદે માતરમના તમામ છ અંતરા ગાવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસની ઓફિસે જ્યારે ધ્વજ વંદન કર્યુ ત્યારે વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. એ વખતનો એક વીડિયો દેશભરમાં વાયરલ થયો છે. ભાજપના ટેકેદારોની ટીકા પ્રમાણે વંદે માતરમ ગાતી વખતે સોનિયા ગાંધીએ નારાજ થઈને કાર્યકરોને ગીત અટકાવવા માટે કહ્યું હતું. ભાજપના પ્રવક્તાઓ કહી રહ્યા છે કે સોનિયા ગાંધીને આ ગીત સામે શા માટે વિરોધ છે. એવો આક્ષેપ છે કે, બે અંતરા પુરા થયા પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગીત અટકાવી દેવા ઇશારો કર્યો હતો. જોકે કોંગ્રેસના વરિ નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ઘટના બની નથી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ કહ્યું હતું કે, 'ઓક્ટોબર ૧૯૩૭માં કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક યોજાઈ હતી એ વખતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમના પ્રથમ બે અંતરા જ ગાવામાં આવશે ત્યારથી અમારા કાર્યકરો આ પ્રમાણે જ વંદે માતરમ ગાય છે.
'કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કરેલા નીવેદનથી વિવાદ'
કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહનન કુનુમલના એક નિવેદને કારણે વિવાદ ઉભો થયો છે. એમણે કહ્યું હતું કે જે લોકો 'વંદે માતરમ બોલવાનો વિરોધ કરે છે તેમને ખબર નથી કે એમની મા કોણ છે. એમણે આ નિવેદનથી રૂવંતપુરમના મણીવીલા ખાતે આરએસએસના એક કાર્યક્રમમાં આપ્યું હતું. કેરળમાં છેલ્લા કેટલાક સમયથી વાઇસ ચાન્સલરોની નિમણૂક અને એમના આરએસએસ સાથેના સંબંધને કારણે વિવાદ ચાલી રહ્યો છે. કુનુમલએ પોતાના ભાષણમાં ભારત માતાની વ્યાખ્યા અને બાળકોના ઉછેરમાં કુટુંબની ભૂમીકા વિશે વાત કરી હતી. એમણે કહ્યું હતું કે દેશને મધર ઇન્ડિયા કહેવામાં આવે છે અને એને જ એમણે 'વંદે માતરમના ઉપયોગ સાથે જોડયું હતું. એમના કહેવા પ્રમાણે દરેક બાળકને સારા નાગરીક બનાવવાની જવાબદારી કુટુંબના પુરુષ અને મહિલાની છે. આ જવાબદારી વધારે મહિલાઓની છે કારણ કે ભારતને પણ એક મા તરીકે જોવામાં આવે છે. એમણે કહ્યું હતું કે આજ કારણે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વંદે માતરમ કહીએ છીએ.'
ભાજપના નેતાનું નાટક
ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક સ્વતંત્રતા દિવસે તિરંગા યાત્રામાં સામેલ થયા હતા. તિરંગા યાત્રા પછી તેઓ પોતાના લાંબાચોળા કાફલા સાથે લખનૌ ફરી રહ્યા હતા ત્યારે એમની નજર એમના જુના મિત્ર ભરત તિવારી પર પડી હતી. જોકે કેટલાકનું માનવું છે કે આ આખું અગાઉથી નક્કી કરેલું નાટક હતું. પાઠકે પોતાનો કાફલો રોકી દીધો હતો અને પોતાના જુના દોસ્ત ભરત તિવારીને મળવા માટે દુકાન પર દોડી ગયા હતા. બ્રજેશ પાઠકને જોઈને ભરત તિવારીની આંખોમાં પણ આંસુ આવી ગયા હોવાની વાતો ચાલી હતી. બ્રજેશ પાઠકે પોતાના જુના મિત્રની દુકાન પર નારીયેળ પાણી પણ પીધું હતું. પત્રકારોને એવી વાત કહેવામાં આવી હતી કે, રતનલાલ નગરમાં બાળપણના દોસ્ત ભરત તિવારી નારીયેળ વેચતા હતા. એકાએક બ્રજેશ પાઠકની નજર ભરત તિવારીની આંગળી પર પડી અને એમણે પૂછયું કે આંગળી પર શું વાગ્યું છે. ભરત તિવારીએ પણ ગોખેલુ કહી નાખ્યું કે કામ દરમિયાન ચપ્પુ વાગી ગયું હતું. પાઠકે ત્યાર પછી એમને ટીટનશનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી હતી. આ આખી વાર્તા ઉત્તર પ્રદેશના પત્રકારોને આપવામાં આવી હતી.
વિહિપના વિરોધ પછી દિલ્હીની સ્કૂલમાં જેએનયુના પ્રોફેસરનું ભાષણ પડતું મૂકાયું
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના પ્રો. એમરીટા જોયા હસનએ દિલ્હીની એક સ્કૂલમાં સ્વતંત્રતા દિવસનું સંબોધન કરવાનું હતું. એમનું સંબોધન છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું હતું. આ માટે સુરક્ષાના કારણો આગળ કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યો સ્કૂલની બહાર વિરોધ કરવા ભેગા થયા હતા. જોયા હસનને સરદાર પટેલ વિદ્યાલયના સ્વતંત્રતા દિવસ અને ઇનામ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એમણે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાનો હતો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું હતું. કાર્યક્રમ સવારે ૧૦.૦૦ વાગ્યે લોધી એસ્ટેટ સ્થિત સ્કૂલના કમ્પાઉન્ડમાં શરૂ થવાનો હતો. સ્કૂલની બહાર ફક્ત ૧૦-૧૫ જેટલા વિહિપના સભ્યો ભેગા થયા હતા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી હતી.
હવે બેંગલુરુની યુનિવર્સિટીમાં પણ સીજેઆઇનો વિરોધ
બેંગલુરુ સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઇયુ)ના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ સૂર્યકાંત અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)ના ચેરમેન મનનકુમાર મિશ્રા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં હાજર રહેવાના હોવાથી વિરોધ કર્યો છે. થોડા દિવસો પહેલા જ નાલસર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સીજેઆઇનો બહિષ્કાર કર્યો હતો. બેકફુટ પર ગયેલા સીજેઆઇએ વિદ્યાર્થીઓનો વિરોધ વ્યાજબી હોવાનું કહ્યું હતું. હવે એનએલએસઆઇયુના વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે અમે નાલસરના વિદ્યાર્થીઓ સાથે અમારી એકતા બતાવવા માટે તૈયાર છીએ. ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ એક નિવેદન બહાર પાડયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 'નાલસરના વિદ્યાર્થીઓ સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર છે. આ માટે બીસીઆઇ તથા એના ચેરમેનની જવાબદારી નક્કી થવી જોઈએ.'
તુકારામ મુંડેના નિશાન પર હવે બોલીવુડ
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનના વડા તુકારામ મુંડએ હિન્દી ફિલ્મના અભિનેતા અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને વિમલ એલચીની જાહેરાત માટે કારણદર્શક નોટીસ આપી છે. એમ કહેવાય છે કે આ જાહેરાત રાજ્યમાં પ્રતિબંધીત વિમલ પાનમસાલાની પરોક્ષ જાહેરાત છે. એફડીએએ આ નોટીસ એ સમયે આપી છે કે જ્યારે રાજ્યમાં તમાકુના વેચાણ અને પ્રચાર વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. ડિરેક્ટરે એફએસએસ એક્ટની કલમ ૨૪ અને ૫૩નો હવાલો આપતા જાહેરાત માટે ત્રણે અભિનેતાઓની જવાબદારી માટે તપાસ શરૂ કરી છે. મહારાષ્ટ્ર એફડીએનું કહેવું છે કે પહેલી વખત સરોગેટ જાહેરખબરની તપાસ રાજ્યમાં કરવામાં આવશે. ભૂતકાળમાં કેટલાક દારૂની બ્રાન્ડ માટે પણ સરોગેટ જાહેરખબર કરવામાં આવતી હતી. ભવિષ્યમાં કોઈપણ જાહેર જીવનની વ્યક્તિ આ રીતે હાનીકારક પ્રદાર્થોની જાહેરાત નહીં કરે એ માટે આ પગલું લેવાઈ રહ્યું છે.
કાશ્મીરના શીંગોડાથી કેન્સર થવાનો ડર
કાશ્મીરના સુંદર તળાવો પર્યાવરણની રીતે જોખમી બની રહ્યા છે. થયેલા એક અભ્યાસ પ્રમાણે ડાલ સરોવર, હોકર્સસર વેટલેન્ટ, માનસબલ અને વુલરમાં ઉગતા શીંગોડાના ફળોમાં મોટા પ્રમાણમાં ખનીજો મળી આવ્યા છે. સૌથી વધુ પ્રદુષણ ડાલ લેકમાં જોવા મળ્યું છે. અહીં મળતા શીંગોડાના ફળમાં કૈડમીયનની માત્રા સુરક્ષીત સીમા કરતા લગભગ ૫.૫ ઘણી વધારે મળી છે. 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશીત થયેલા એક અહેવાલ પ્રમાણે આ તળાવોમાં ઉગતા ફળોની અંદર કૈડમીયમ, ક્રોમીયમ, કોપર, કોબાલ્ટ, આઇરન, મેગેનીઝ, નીકલ અને ઝીંક સહીત આઠ ખનીજોની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં શીંગોડાના મૂળ તેમજ ફળનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ચાર વોટર સોર્સમાંથી શીંગોડાના નમૂના લેવામાં આવ્યા હતા. આ શીંગોડા ખાવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.









