આનંદો...દેશમાં હવે વિરોધ કરવાનો પણ વિકાસ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગડમ્ બગડમ્-બાબા આદમ
દિલ્હીનાં જંતરમંતરની પેટર્ન પર બધાં નાના-મોટાં શહેરમાં ખાસ ભવ્યાતિભવ્ય આધુનિક પ્રોટેસ્ટ સાઈટ્સ ડેવલપ કરાશે
સેક્રેટરીશ્રીઃ સર, દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
મંત્રીશ્રીઃ હેં? અમે આટઆટલો વિકાસ તો કરી નાખ્યો. હવે કોનો વિકાસ કરવાનો બાકી રહી ગયો છે તે આટલો વિરોધ થઈ રહ્યો છે? અમે તો ભલભલા વિપક્ષી નેતાઓનો પણ વિકાસ કરી નાખ્યો છે. વિપક્ષમાં હતા ત્યારે ઈડી અને સીબીઆઈના ધક્કા ખાતા હતા. હવે જુઓ મસ્ત લાલ લાઈટવાળી ગાડીઓમાં ફરે છે અને મોજ કરે છે. અમે ઝનૂની વિકાસમાં માનીએ છીએ. અમારી સામે આવે કે અમારે ઠેબે ચઢે એ બધાનો મારીમચડીને પણ વિકાસ કર્યા સિવાય જંપતા નથી.
સેક્રેટરીશ્રીઃ સર,આ બધા વિરોધ કરનારા તો મોટાભાગના સ્ટુડન્ટ છે. એમને સીબીઆઈ-ઈડીની બીક નથી. હા, સોશિયલ મીડિયા જ બંધ કરાવી દઈએ તો એ સીધાદોર થાય ખરા.
મંત્રીશ્રીઃ ના, ના… સોશિયલ મીડિયા છે તો અમે છીએ. અમારાં વિકાસ કાર્યોની સ્તુતિઓ સોશિયલ મીડિયા પર જ ગવાય છે. અમારા સાથીમંત્રીઓ દિનરાત રીલ બનાવીને સરકારનાં પ્રગતિકારક કાર્યોની દુહાઈ દઈ શકે છે. વિરોધ ભલે ચાલ્યા કરતો પણ પ્રચાર બંધ ન થવો જોઈએ.
સેક્રેટરીશ્રીઃ સર, આ લોકો તો પાછા શિક્ષણપ્રધાનનું રાજીનામું માગે છે.
મંત્રીશ્રીઃ વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચાડો કે અમે તો સમગ્ર શિક્ષણનો જ ખાત્મો બોલાવવા બેઠા છીએ. એકવાર શિક્ષણના નામે દાટ વળી જશે પછી કોઈ શિક્ષણપ્રધાનની જરુર જ નહીં રહે. આને કહેવાય એડવાન્સ પ્લાનિંગ અને વિઝન…
સેક્રેટરીશ્રીઃ આ તો સર, હવે આપણે હવે દેશ વિકસિત બનશે તે માટે ૨૦૪૭ની ડેડલાઈન જ આપીએ છીએ તેવું થયું. તો તો ત્યાં સુધીમાં આવાં આંદોલનો ચાલ્યા કરશે.
મંત્રીશ્રીઃ ના, ના… અમારા શાસનમાં આમ જૂૂનવાણી રીતે આંદોલન ચાલ્યા કરે તે બિલકુલ નહીં ચલાવી લેવાય. અમારું વિઝન એવું છે કે અમે દેશમાં વિરોધનો પણ આધુનિક વિકાસ કરીશું. અત્યારે બધી ભીડ એકલાં જંતરમંતર પર છે તેને બદલે સમગ્ર દેશમાં એક લાખથી વધુ વસતી ધરાવતાં શહેરમાં જંતરમંતર જેવી ભવ્ય પ્રોટેસ્ટ સાઈટ્સ વિકસાવીશું. ત્યાં કાયમી સ્ટેજ હશે. હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ હશે. ત્યાં અમારાં મૂક તંત્રના પ્રતીકરુપ રોબોટ પોલીસવાળા મૂકાશે જે કાંઈ કારણ વગર થોડીથોડી વારે દરેક દેખાવકારોને લાકડીએ લાકડીએ ઝૂડયા કરશે. અમે ડ્રોનની મદદથી ટિયરગેસનો છંટકાવ કરાવીશું. આ પ્રોટેસ્ટ સાઈટ્સ પર બાયોમેટ્રિક ચેકિંગ ધરાવતા એન્ટ્રી ડોર હશે. આ રીતે દેશભરના વિરોધીઓનો બાયમેટ્રિક ડેટા તૈયાર થઈ જશે.
સેક્રેટરીશ્રીઃ અદ્ભૂત સર..તમારું વિઝન એટલે કહેવું પડે. મારું બસ એક જ સૂચન છે. આ પ્રોટેસ્ટ સાઈટ્સ પર વર્ષો પહેલાં સરકાર સામે આંદોલનો કરી પોતાની કરીઅર બનાવી પછી સરકારમાં ભળી ગયેલા નેતાઓના વિશાળ પોર્ટેઈટ્ર કે વીડિયો ક્લિપ્સ સતત ડિસપ્લે થયા કરે એવું પણ મૂકાવજો જેથી ભવિષ્યના તમામ આંદોલનકારીઓને પ્રેરણા મળતી રહે.
જવાબમાં મંત્રીશ્રી આંખ મિચકારીને હસી પડયા.
આદમનું અડપલું
આંદોલન નામની પરીક્ષા વિના લોકશાહીનું ભણતર અધૂરું છે




