VIDEO: દમણમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના ટળી, દરિયામાં ડૂબતા યુવકને માછીમારોએ મોતના મુખમાંથી ઉગાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman News : દમણના દરિયા કિનારે આવેલી જેટી ખાતે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત થતાં રહી ગઈ હતી. દોઢ દિવસના શ્રીજીની પ્રતિમાના વિસર્જન વેળાએ એક યુવક અચાનક દરિયામાં પડી ગયો હતો અને પાણીના પ્રચંડ પ્રવાહમાં ડૂબવા લાગ્યો હતો. જોકે, કિનારે હાજર સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા દાખવીને બોટની મદદથી યુવકનું રેસ્ક્યૂ કરી તેનો આબાદ બચાવ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેટી કિનારે આસ્થાપૂર્વક શ્રીજીનું વિસર્જન ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક આ યુવક દરિયામાં ખાબક્યો હતો. પાણીનો વહેણ વધુ હોવાના કારણે તે તણાવા લાગ્યો હતો, જેને જોઈને દરિયા કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને માછીમારોએ તાત્કાલિક પોતાની બોટ દરિયામાં ઉતારી હતી અને ડૂબી રહેલા યુવકને સલામત રીતે બહાર કાઢી કિનારે લાવ્યા હતા.
યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા બાદ તેને વધુ પૂછપરછ અને તપાસ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. યુવકનો પગ લપસી જવાથી તે અકસ્માતે દરિયામાં પડ્યો હતો કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે, તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. હાલ પોલીસે આ મામલે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.




