Diu-Daman

દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલને બે વર્ષની સજા

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
દમણમાં 2011ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં 15 વર્ષે ચુકાદો આવ્યો છે. દમણની કોર્ટે હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલને 2-2 વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા વખતે પોલીસ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરાયો હતો. જોકે, તેમને જામીન મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલને બે વર્ષની સજા

Daman news: દમણમાં વર્ષ 2011માં એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક પરીક્ષા વેળા કામગીરીમાં અવરોધ, ગેરવર્તણૂક, ઢીક-મુક્કીનો માર મારવાના ગુનામાં 15 વર્ષ બાદ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં દમણ-દીવના હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુખા પટેલને બે-બે વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા વખતે ફરજ પરના પોલીસ કર્મચારી સાથે મારામારી કરીને અંદર ઘૂસી ગયા હતા

કેસની વિગત એવી છે કે, દમણ એક્સાઈઝ વિભાગે 12-03-2011ના રોજ મોટીદમણ ફૂટબોલ મેદાન ખાતે સબ ઈન્સ્પેક્ટરની ભરતી અંતર્ગત શારીરિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા દરમિયાન દમણ-દીવના હાલ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ, દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ, ઉમેદવાર વિપુલ ભગવાન પટેલ અને અન્ય બે શખસોએ ગેટ પર પહોંચી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે બૂમાબૂમ કરી અસભ્ય વર્તન કરી ઢીક-મુક્કી કરી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તમામે હોલમાં હાજર કમિટી સભ્યો સાથે ગાળામાંળી કરી પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવવાનો આક્ષેપ કરી ઉમેદવાર વિપુલની ફરીથી ઊંચાઈ માપવાનું શરૂ કરી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સરકારી કામગીરીમાં અવરોધ, અસભ્ય વર્તન, ઢીક-મુક્કીના માર સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. દમણ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ ગોરધન પુરોહિતે અનેકની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરતા કોર્ટે સાંસદ ઉમેશ પટેલ અને સુરેશ ઉર્ફે સુખા પટેલને કસૂરવાર ઠેરવી બે-બે વર્ષની કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જોકે, ઉમેશ પટેલ અને સુરેશ પટેલને જામીન પર મુક્ત કરાયા હતા. સાંસદને સજા થતાં હવે તેઓ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવશે તો પદ બચી શકે તેવી જાણકારી મળી છે.