હવે નશીલા પદાર્થોની તસ્કરી-વેચાણ કરતાં આરોપીઓ સામે આર્થિક પ્રહાર, 88 લાખની મિલકત ટાંચમાં લેવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dadra Nagar Haveli Daman Diu Police Narcotics Disposal: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી(DNH) તેમજ દીવ-દમણ પોલીસ દ્વારા નશીલા પદાર્થોના કારોબાર સામે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે NDPS ઍક્ટ હેઠળ જપ્ત કરાયેલ 94.276 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો સફળતાપૂર્વક નાશ કર્યો છે. આ ઉપરાંત, ડ્રગ્સ નેટવર્કની આર્થિક કમર તોડવા માટે એક રીઢા આરોપીની ₹88 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી નશાકારક પદાર્થોનો નિકાલ
સંઘપ્રદેશના માસૂમ યુવાનોને નશાની લતમાં ધકેલતા ડ્રગ માફિયાઓ સામે પ્રશાસન અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પ્રદેશના અતિશય આદરણીય પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી.
દાદરા નગર હવેલી જિલ્લો: 22 જેટલાં NDPS ગુનાઓ સાથે સંકળાયેલ 75.654 કિલો ગાંજો તથા અન્ય માદક પદાર્થોનો નાશ કરાયો.
દમણ જિલ્લો: 05 NDPS કેસો અંતર્ગત જપ્ત કરાયેલ 18.620 કિલો નશાકારક દ્રવ્યોનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જે કાનૂની કેસોમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી અને માલ પુરાવા તરીકે રાખવાની જરૂર ન હતી તે તમામ પદાર્થોની ચકાસણી કર્યા બાદ સરકારી દિશાનિર્દેશો મુજબ નાશ કરવામાં આવ્યો છે.
ડ્રગ માફિયાઓની ₹88 લાખની મિલકત જપ્ત
નશીલા પદાર્થોની તસ્કરી અને વેચાણમાં સંકળાયેલા અસામાજિક તત્ત્વો સામે પોલીસે માત્ર ધરપકડ પૂરતી કાર્યવાહી મર્યાદિત ન રાખતા આર્થિક પ્રહાર પણ શરૂ કર્યો છે. કાયદાકીય જોગવાઈઓ હેઠળ DNH જિલ્લાના એક રીઢા ગુનેગારની આશરે ₹88 લાખની સ્થાવર-જંગમ મિલકત ટાંચમાં લેવામાં આવી છે.
દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પોલીસ પ્રશાસને જણાવ્યું હતું કે, પ્રદેશને 'ડ્રગ મુક્ત' બનાવવા માટે કડક અમલીકરણ, સતત પેટ્રોલિંગ અને જાહેર જાગૃતિ અભિયાન ચાલુ રહેશે. પોલીસની આ સફળ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









