તમે દુનિયાના દીવા છો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'વીજલડીને ચમકારે મોતીડાં પરોવે પાનબાઈ, અચાનક અંધારાં થાય રે…' એ ગંગાસતીના ભજનમાં ધ્યાન અને જ્ઞાાન દ્વારા અજવાળાને વાચા આપેલી છે. એમાં વીજળીના ચમકારારૂપી પ્રકાશનું મહત્વ સૂચવાયેલું છે. જેમ આંખો વિના અંધારાં તેમ અજવાળા વિના જિંદગી ભવાટવીના અંધારામાં આથડે છે. અંધારપટમાં ઉજાસનો ચમકારો થાય ત્યારે આંખનાં બંધ પડળો ઊઘડી જાય છે. પ્રકાશનો જેટલો ઉપયોગ કરી લેવાય તેટલો કરવા જેવો છે.
ઇસુએ પોતાના પ્રખ્યાત ગિરિપ્રવચનમાં તેનો ખાસ ઉલ્લેખ કરેલો છે કે 'તમે દુનિયાના દીવા છો.' આ બિરૂદ તેમણે માત્ર ખ્રિસ્તીઓને આપેલું છે એવું નથી. આ ઉદ્બોધન સમયે તો ખ્રિસ્તી સંપ્રદાયની સ્થાપના પણ થયેલી ન હતી. તે વખતે જોર્ડન નદીના સામેના કિનારાના પ્રદેશના લોકોનાં ટોળેટોળાં વિશાળ સંખ્યામાં ત્યાં હાજર હતાં. તે સર્વને ઇસુએ સંબોધન કર્યું હતું કે 'તમે દુનિયાના દીવા છો.'
એ જોતાં સમષ્ટિની પ્રત્યેક વ્યક્તિ દીવારૂપ છે. તેઓએ પોતાનું અજવાળું અન્યો સમક્ષ અને પરસ્પર પ્રસરાવવાનું છે. સત્ય, દયા, પ્રેમ અને ક્ષમા એ અજવાળાનાં કિરણો છે. જગતમાં કેટલાક દીવા બુઝાઈ ગયા છે. તેઓ પોતાનો પ્રકાશ ખોઈ બેઠા છે. ઘણા લોકો સાંસ્કારિક અંધારામાં ફાંફાં મારે છે. પ્રભુના અનુયાયીઓ તો દીવા છે. તેઓએ અંધારમાં ઉજાસ ઝળકાવવાનો છે. દીવો કોઈ વાસણ કે ઢાંકણા નીચે મુકાતો નથી. પણ દીવી (સ્ટેન્ડ) પર મુકાય છે. (વીજળી આવતાં આ વીસરાઈ ગયું છે) જો દીવો દીવી પર ઊંચે મુકાય તો આજુબાજુના વધારે વિસ્તારમાં તે લોકોને પ્રકાશ આપી શકે છે. એ રીતે દીવારૂપ માણસોએ પણ સદવર્તન અને સેવાની ઊંચાઈએ રહીને પોતાનું અજવાળું એવી રીતે વિસ્તારવાનું છે કે એ જોઈને લોકો ઇશ્વર પ્રતિ આકર્ષાય, તેમની ભક્તિમાં જોડાય અને તેમનું શરણગ્રહણ કરે.
આજકાલ તો ઠેર ઠેર સમુદાયની ભીડ જામેલી હોય છે. પણ એ ભીડમાં કોઈ દીવડા હોતા નથી. તેથી જગતમાં કેટલેક સ્થળે દીવડાં વિનાનાં અંધારાં જામેલાં છે. આંધળે બહેરું કુટાય છે. આવામાં ચાલો આપણે દુનિયાના ટમટમતા દીવડા બનીએ અને આલમમાં અજવાળાના વાહક બનીએ.
- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી









