મુલુંડમાં 'વર્લ્ડ રેકોર્ડ'રૂપ ૧૦૬૨ માસક્ષમણો :'લહેરાયા જગમેં જિનશાસનકા તપધ્વજ સુહાના...'

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- સ્વયં શ્રમણ પરમાત્મા મહાવીરપ્રભુ હો, એમના પંથે વિચરતા સંસારત્યાગી શ્રમણ-શ્રમણી હો કે સંસારમાં રહીને સાધના કરતાં શ્રાવક-શ્રાવિકા હો : આ સહુમાં તપની ધારા અજબ-ગજબપણે પ્રવાહિત નિહાળવા મળે છે. માત્ર પૂર્વકાળમાં નહિ, આજે-અત્યારે પણ. એનું સૌથી રોમાંચક અને અદ્ભુત લાઈવ ઉદાહરણ એટલે ઇ.સ. ૨૦૨૬ ના આ વર્ષે મુંબઈ-મુલુંડમાં અમારી નિશ્રામાંથયેલ 'વર્લ્ડરેકોર્ડ'રૂપ એક હજાર બાસઠ માસશ્રમણ અર્થાત્ સળંગ ત્રીસ ઉપવાસ.
જૈન આગમગ્રન્થોમાં એક વર્ણન એવું મળે છે કે જ્યારે જ્યારે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી કોઈ જિજ્ઞાાસાની તૃપ્તિ માટે પ્રભુમહાવીરદેવ પાસે જાય ત્યારે ત્યારે તેઓ પ્રભુનો કેવો વિનય કરે, કઈ રીતે પ્રશ્ન કરે, ઉત્તર કેવી નમ્રતાથી સાંભળે અને અંતે કેવો વિનય કરે. આ સમગ્ર વર્ણન બાદ ગૌતમસ્વામી ત્યાંથી સ્વસ્થાને પધારે ત્યાંનું વર્ણન કરતાં આગમશાસ્ત્રોમાં આવી પંક્તિ મળે છે કે 'સંજમેણં તવસા અપ્પાણં ભાવેમાણેણં'. ભાવાર્થ કે તે ગણધરપ્રભુ આત્માને સંયમ અને તપથી ભાવિત કરતા વિચરે છે.
આ હૃદયંગમ મધુર વર્ણનમાં બે તત્વો મળે છે : સંયમ અને તપ. સંયમ તો શ્રમણનાં જીવનમાં હર ક્ષણ-હર શ્વાસ વણાયેલો હોય. એથી એનો ઉલ્લેખ આ પંક્તિમાં થાય એ સમજાય તેવી બાબત છે. પરંતુ એની જોડાજોડ-એનાં સમાન સ્તરે અન્ય કોઈ તત્વો નહિ, બલ્કે એકમાત્ર તપને સ્થાન અપાય ત્યારે અંતરમાં એક વાત આસાનીથી પ્રતિષ્ઠિત થઈ જાય કે આત્મકલ્યાણનાં ક્ષેત્રે તપ કેવું અગ્રિમ અને અદ્ભુત તત્વ છે !
સ્વયં શ્રમણ પરમાત્મા મહાવીરપ્રભુ હો, એમના પંથે વિચરતા સંસારત્યાગી શ્રમણ-શ્રમણી હો કે સંસારમાં રહીને સાધના કરતાં શ્રાવક-શ્રાવિકા હો : આ સહુમાં તપની ધારા અજબ-ગજબપણે પ્રવાહિત નિહાળવા મળે છે. માત્ર પૂર્વકાળમાં નહિ, આજે-અત્યારે પણ. એનું સૌથી રોમાંચક અને અદ્ભુત લાઈવ ઉદાહરણ એટલે ઇ.સ. ૨૦૨૬ ના આ વર્ષે મુંબઈ-મુલુંડમાં અમારી નિશ્રામાં થયેલ 'વર્લ્ડરેકોર્ડ'રૂપ એક હજાર બાસઠ માસશ્રમણ અર્થાત્ સળંગ ત્રીસ ઉપવાસ. કોઈ એક નગર-ઉપનગરમાં એક સાથે આટલી વિરાટ સંખ્યામાં સળંગ ત્રીસ ઉપવાસ આ પૂર્વે જૈન શાસનમાં અને વિશ્વમાં પ્રાય: ક્યાંય થતા નથી. માટે 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન' એ આ ઘટનાની નોંધ 'વર્લ્ડરેકોર્ડ' રૂપે કરી છે. ગત લેખમાં આપણે એ માસક્ષમણોના કેટલાક પ્રબળ પ્રેરણાસ્પદ પ્રસંગો મન ભરીને માણ્યા હતા. આવો, આજે આ બીજા અને અંતિમ લેખમાં અન્ય કેટલાક પ્રસંગોને પણ મન ભરીને માણીએ :
(૭) આ ચાતુર્માસમાં એજ્યુકેશન નહિ, આરાધના જ મુખ્ય :- 'ભાઈની બેની લાડલી' પંક્તિની યાદ અપાવે તેવી ભાઈ-બેનની જોડી. ભાઈ એસ.એસ.સી.માં ભણે અને બેન સી.એ.નો અભ્યાસ કરે. માસક્ષમણ માટે બન્નેની સમસ્યા સમાન હતી કે અભ્યાસનું શું ? વર્ષ ગુમાવવું બેમાંથઈ એકેય ને ન પરવડે એવો અભ્યાસ. ભાઈને માસક્ષમણના શરૂઆતના દસ ઉપવાસમાં પરીક્ષાઓની સમસ્યા હતી, તો બેનને પારણાના બીજા જ દિવસે પરીક્ષાની સમસ્યા હતી. આ કારણે જ બેને મનથી નક્કી કરી લીધું કે માસક્ષમણના સંયોગ નથી. માટે બારમી વર્ધમાનતપ ઓળી કરી લઉં. એણે ઓળીનું તપ શરૂ કર્યુ ંપણ ખરું. માસક્ષમણનના પ્રથમ પચ્ચક્ખાણદિને એને પાંચમું આયંબિલ હતું. પ્રથમ પચ્ચક્ખાણનો માહોલ જોતાં ભાઈ-બહેન ભાવુક થઈ ગયા અને માસક્ષમણમાં જોડાઈ ગયા. હવે વિચારધારા બદલાઈ ગઈ કે સમૂહ માસક્ષમણનો આ માહોલ ફરી નહિ મળે. માટે માસક્ષમણતપ મુખ્ય અને અભ્યાસ એ પછીના ક્રમે. પરીક્ષા આપવાની, પણ માસક્ષમણના ભોગે નહિ. માસક્ષમણતપ અને પરીક્ષા, બંને અદા કરનાર એ ભાઈ-બેનના નામ છે વીતરાગ અને કાવ્યા. આ પૂર્વે ઉપધાનતપ-અઠ્ઠાઈ-નવાણું યાત્રા બંનેએ સાથે જ કરી છે…
(૮) રોગ કી ઐસી તૈસી… તપસ્યા હી કરની જૈસી :- કીડનીના અલગ અલગ છ ઓપરેશન અને હૃદયમાં સ્ટેન્ટ. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ માસક્ષમણ જેવી દુષ્કર તપશ્ચર્યાની હામ ભીડે ? બુદ્ધિ ઉત્તર આપે કે ના ભીડે. પરંતુ શ્રદ્ધાની કમાલ અદ્ભુત હોય છે એ દક્ષાબેન દેઢિયા નામે તપસ્વીએ પુરવાર કર્યું. પરિવારની આ તપ માટે ના હતી. પરંતુ એમના ભાવ દ્રઢ હતા કે થશે તો આ માહોલમાં જ થશે. નહિ તો નહિ થાય. તપ કરવાની તીવ્ર તમન્નાથી એમણે ગુરુભગવંતની જાહેર પ્રેરણાને ઉત્કૃષ્ટપણે ઝીલી અને સળંગ સોળ અને ચૌદ ઉપવાસ : આ બે જ પચ્ચક્ખાણે માસક્ષમણ કર્યું ! રોગમાં આ કલ્પનાતીત પરાક્રમ દ્વારા એ જાણે કહી રહ્યા છે કે રોગો કી ઐસી તૈસી.. તપસ્યા હી કરની જૈસી…
(૯) તીવ્ર તમન્ના આનું નામ :- 'ઝેન-ઝી' કેટેગરીનો યુવાન. સી.એ.ની કારકીર્દિ. મમ્મીએ દશ માસ પૂર્વે કહ્યું કે 'આ સાલ માસક્ષમણવાળા મહારાજનું ચાતુર્માસ મુલુંડમાં છે. એટલે સામૂહિક માસક્ષમણો થશે જ.' એ સાંભળી યુવાને મનોમન નિર્ણય કર્યો કે મારે માસક્ષમણ કરવું જ છે. એણે પ્રી-પ્લાનીંગ કરવા માંડયું કે માસક્ષમણના ત્રીસ અને બીજા સાત-આઠ દિવસ : આટલી રજા 'સર્વિસ'માં મંજૂર કરાવવી હોય તો અત્યારથી બચાવવી જોઈએ. એણે દશ મહિનાના પ્રત્યેક શનિ-રવિ 'વર્ક ફ્રોમ હોમ' કરી રજાઓ એડવાન્સમાં બચાવી ! માસક્ષમણના દિવસો નિટક આવ્યા ત્યાં નવી કસોટી આવી. તપપ્રારંભના પંદર-વીશ દિવસ પહેલાં જ એની સગાઈ થઈ. નવયુવાન વ્યક્તિઓ માટે આ આકર્ષણ મોટો અવરોધ બને. પરંતુ આની તમન્ના તીવ્ર હતી. એથી કન્યાને કહી દીધું : 'હમણાં તો માસક્ષમણ જ મારું લક્ષ્ય છે. ફરવા જવાની વાત બે મહિના પછી. માસક્ષમણતપ આ તમન્નાથી કરનાર યુવાનનું નામ છે દિવ્ય ગાંધી…
(૧૦) સંગીતના સૂરમાં… ભળ્યા તપના સૂર :- એ છે એક યુવા જૈન સંગીતકાર. માસક્ષમણના દિવસો પર્યુષણા પૂર્વેના અને એસમય એટલે જૈન સંગીતકારોની સીઝન. એ દિવસોમાં ઠેર ઠેર જૈન સંઘોમાં એમના સંગીતકાર્યક્રમો હોય. આણે પણ અગાઉથી કાર્યક્રમો બુક કર્યા હતા. એથી માસક્ષમણનો વિચારમાત્ર ન હતો. અરે ! સમૂહ પચ્ચક્ખાણના દિને એ કાર્યક્રમ નિહાળવા પણ આવ્યો ન હતો. એ તો ઘરે આરામથી નિદ્રાધીન હતો. એની માતા અને પત્ની પ્રથમ પચ્ચક્ખાણની વિરાટ મેદનીમાં સામેલ થયા હતા. પચ્ચક્ખાણ બાદ સાડા દસે ઘેર આવી બન્નેએ કહ્યું : 'અલૌકિક માહોલ હતો. તું ત્યાં આવ્યો હોત તો થોડા ઉપવાસનું પચ્ચક્ખાણ લેત જ.'
સંગીતકાર એ સમયે પૂજાવસ્ત્રોમાં સજ્જ થઈ પ્રભુપૂજા માટે જવાની તૈયારીમાં હતો. એણે હજુ અન્ન-પાણી એ દિવસે વાપર્યા ન હતા. એમે મન બતાવ્યું કે 'ચલો, આજે એક ઉપવાસ કરીશ.' જિનાલયે વાસુપૂજ્યદાદાની પૂજા માટે જ્યાં એણે સ્પર્શ કર્યો તે જ ક્ષણે કોઈએ ઘંટ બજાવ્યો અને બરાબર નવ વાર રણકાર થયો. આણે વિચાર્યું કે 'શુકન થયા. જાણે પ્રભુ કહે છે કે આગળ વધ.' એણે હવે સળંગ ત્રણ ઉપવાસનો નિર્ણય કર્યો. ત્યાંથી એ ઉપાશ્રયે આવ્યો ત્યારે ગુરુભગવંત મંડપમાંથી ઉપાશ્રયે પધારી ગયા હતા. અહીં પણ પચ્ચક્ખાણનો જ ઉપક્રમ ચાલતો હતો. ગુરુભગવંતને ખબર પણ ન હતી કે આ વ્યક્તિ કોણ છે ? એણે અટ્વમના પચ્ચક્ખાણ માંગ્યા તો ગુરુભગવંતે સહજતાથી કહ્યું : 'અટ્વમ નહિ, અઠ્ઠાઈ કરો. સળંગ આઠ દિવસના ઉપવાસનાં પચ્ચક્ખાણ લેવાય.' તેણે તત્ક્ષણ ગુરૂવચનની તહત્તિ કરી આઠ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા ! ક્યાં નવકારશી અને ક્યાં આઠ ઉપવાસનાં અચાનક પચ્ચક્ખાણ !
એનું નામ છે ગૌરવકુમાર. માસક્ષમણના બાવીશમા-પચીસમા દિવસે પણ એ નિત્ય સાંજે ગુરૂભગવંતો દ્વારા જિનાલયમાં થતી ભક્તિસંધ્યામાં આવે અને ભક્તિગીતો ઝિલાવે છે. એના પરિવારમાં ત્રણ સભ્યો છે અને એ ત્રણેય ને માસક્ષમણ છે…
(૧૧) ન કારણ હૈ, ન બહાના હૈ… માસક્ષમણ તો કરના હૈ :- એક ભાઈ ટ્વેલ્થમાં ભણે અને બીજો ભાઈ સી.ઈ.એ.નો અભ્યાસ કરે. નાનો ભાઈ સત્તર વર્ષનો અને મોટો ભાઈ પચીશેક વર્ષનો. નાનો ભાઈ કોલેજ માટે રોજ મુલુંડથી પાર્લા મીઠીબાઈ કોલેજ જાય. આ પરિસ્થિતિમાં માસક્ષમણ શે થાય ? પણ બન્ને ભાઈઓનો નિશ્ચય દ્રઢ હતો કે 'માસક્ષમણ તો કરના હૈ'. પ્રારંભના પંદર દિવસ ઉપવાસ સાથે એ નિત્ય પાર્લા અભ્યાસ માટે જાય. એમને ટેકો આપવા એમના પિતા પણ માસક્ષમણમાં જોડાયા. એમની માતાને ઓલરેડી વર્ષીતપઆરાધના ચાલે જ છે. ઘર એક, સભ્ય ચાર, ત્રણ માસક્ષમણ અને એક વર્ષીતપ. એમના નામ છે કેતનભાઈ, કોમલબેન, જૈનમ અને પરમ. એમના બિલ્ડીંગમાં એક-બે નહિ, સત્તર-સત્તર માસક્ષમણો થયા છે..
(૧૨) અજૈન પૂજારીનું માસક્ષમણતપ :- મુલુંડ વીણાનગર જૈન સંઘમાં જિનાલયભક્તિ અજૈન પૂજારી કરે છે. નામ એનું ઉત્સવ. માસક્ષમણ એટલે કેટલા ઉપવાસ એ ય એને ખબર ન હતી. પરંતુ ગુરૂભગવંતના સત્સંગથી એ માસક્ષમણમાં જોડાયો અને ૧૧-૩-૧૬ : આ ત્રણ પચ્ચક્ખાણથી એ માસક્ષમણ કરે છે. તેમાં નિત્ય પ્રભુપૂજા, નિત્ય એકવાર પ્રતિક્રમણ, એક બાંધી માળા અને 'ઁ હ્રીં અર્હં નમ:'ની એક માળા : આ આરાધના એ નિત્ય કરે છે !
છેલ્લે, સામૂહિક માસક્ષમણના આ દશમા અધ્યાયની ઝલકોનું સમાપન કરતાં એ જ કહીશું કે :-
પ્રભુકૃપાનો જ આ છે સાક્ષાત્કાર…
ગુરૂકૃપાનો જ આ છે ચમત્કાર…




