ખરી સમસ્યા કઈ? સમય નથી કે મન નથી?

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
એક યુવાન સંત પાસે સમસ્યા લઈને પહોંચ્યો. સંતને પ્રણામ કરીને તેણે કહ્યું : 'મહાત્મન્ ! મને મારા જીવનમાં ઘણી બધી ધર્મપ્રવૃત્તિ કરવી છે, પરંતુ મને એ માટે સમય જ મળતો નથી. તો મારે શું કરવું ?' સંતે વાત્સલ્યસભર સ્વરે યુવાનને કહ્યું :- 'કેમ વત્સ ? તને બાલ્યવયમાં તો ધર્મ કરવાનો સમય મળ્યો જ હશે ને ?' બિલકુલ નહિ, બાલ્યવયમાં અભ્યાસની જવાબદારીઓ- સ્કૂલ/ ટયૂશન/ હોમવર્ક/રમત-ગમત વગેરેમાં એટલો વ્યસ્ત રહ્યો કે ધર્મ કરી શક્યો જ નહિ.' યુવાને ઉત્તર આપ્યો.
'અચ્છા, પરંતુ અત્યારે તો તને સ્કૂલ-ટયૂશનની કોઈ જવાબદારી છે જ નહિ. તો પછી ધર્મ માટે સમય મળતો જ હશે ને ?' સંતે પૂછયું. 'જરાય નહિ, બાળપણમાં હું જેટલો વ્યસ્ત હતો, એથી ય વધુ વ્યસ્ત અત્યારે છું. એક તરફ પરિવારને સાચવવાનો, બીજી તરફ વ્યવહારો સાચવવાના, ત્રીજી તરફ ધંધામાં ધ્યાન આપવાનું અને ચોથી તરફ મિત્રોને તેમ જ નિક્ટના સ્નેહીજનોને પણ સમય આપવાનો. મહાત્મન ! તમે જ કહો, આટલી વ્યસ્તતા વચ્ચે ધર્મ માટે સમય ક્યાંથી નીકળે ?' યુવાને વિસ્તૃત ઉત્તર આપ્યો. સંતે એ જ પ્રેમાળ શબ્દોમાં જણાવ્યું :- 'વત્સ ! ભલે તું અત્યારે ધર્મ ન કરી શકે. પણ આજે એક સંકલ્પ કરી જ લે કે બુઢાપામાં તો હું ધર્મ કર્યા વિના નહિ જ રહું. વૃદ્ધવયમાં વળી કઈ જવાબદારી તારો પીછો કરવાની છે ?'
'શું કહું મહાત્મન્ !' યુવાન બોલ્યો :- 'બુઢાપામાં ભલે ને મારા શિર ઉપર કોઈ જવાબદારી ન હોય. પરંતુ ત્યારે શરીર નિર્બળ બની ગયું હોય- નાના/ મોટા રોગોનું આક્રમણ થયા કરતું હોય, ત્યાં વળી ધર્મ કઈ રીતે થઈ શકે ?' સંત યુવાનનો આ ઉત્તર સાંભળી રહ્યો અને 'ધર્મ માટે સમય મળતો નથી' એવી તેની સમસ્યાનું શું નિરાકરણ આપવું ? તે વિચારી રહ્યા. આખરે સંતે યુવાનને બીજા દિવસે આવવા કહ્યું. બીજે દિવસે યુવાન આવ્યો ત્યારે સંત પુસ્તકવાંચનમાં વ્યસ્ત હતા. તેમણે કહ્યું : - 'આજે હું વ્યસ્ત છું. માટે કાલે ઉત્તર આપીશ.' યુવાન ત્રીજે દિવસે આવ્યો. ચોથે દિવસે આવ્યો પણ સંત વ્યસ્ત. આખરે આ રીતે દશ દિવસ વીતી ગયા. અગિયારમાં દિવસે પણ સંત તરફથી 'કાલે આવવાનો' ઉત્તર મળતા યુવાન રહી ન શક્યો. તેણે પૂછી લીધું : 'મહાત્મન્ ! માફ કરજો. પણ રોજ આપ વ્યસ્ત હોવાનું કહીને મારો ઉત્તર ટાળો છો તો ખરેખર આપની પાસે સમય નથી ? કે ઉત્તર આપવાનું મન નથી !'
સંતે સ્મિત સાથે યુવાનને કહ્યું : ' આ જ પ્રશ્ન હું તને પૂછવા માગુ છું. તારી પાસે પ્રભુભક્તિ માટે સમય નથી, સત્સંગ માટે સમય નથી. ધર્મસાધના માટે સમય નથી. તો તારી પાસે ફરવાનો સમય ક્યાંથી આવે છે ?' મોજ-શોખ માટેનો સમય તને ક્યાંથી મળે છે ? ટી.વી. માટેનો સમય તું ક્યાંથી કાઢે છે ? મોબાઈલ માટેની રોજની બે-ચાર કલાકની લોન તને કંઈ બેંકમાંથી મળે છે ? તને સંસારની આ દરેક પ્રવૃત્તિ માટેનો સમય મળે છે અને તને ધર્મ માટે સમય નથી ? તો ખરેખર હકીકત શું છે ? ધર્મ માટેનો સમય નથી ? કે ધર્મ માટેનું મન નથી ?' સંતની ચોટદાર વાત યુવાનના મનમાં બેસી ગઈ. આપણે પણ જીવનમાં ધર્મ ન કરવાના ઘણા કારણો બતાવીએ છીએ. જે ગમે છે તે આપણે ગમે તે રીતે કરીએ છીએ અને જે આપણું જીવન બદલી શકે છે તેના માટે આપણે સમય કાઢતા નથી. આવો, હવે આ પદ્ધતિ બદલીએ. ધર્મ ન કરવા માટે બહાના બતાવવાની ઇચ્છા થાય ત્યારે જાતને સવાલ કરીએ કે ' ખરેખર સમય નથી ? કે મન નથી ?'




