Dharmlok
સાચું જ્ઞાન મિટાવે તમામ ભેદભાવ
By GS Team
6 Aug 20264 mins read

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'જાતિ ન પૂછો સાધુ કી,
પૂછ લીજિએ જ્ઞાન ।
મોલ કરો તલવાર કા
પડા રહન દો મ્યાન ।। '
સાધુ કે સંતની જાતિ પૂછો નહીં, એમના જ્ઞાન વિશે પૂછો. તલવારની કિંમત આંકો, એના મ્યાનને પડયું
રહેવા દો.
'કબીરા ખડા બાજાર મેં,
માંગે સબકી ખૈર ।
ના કાહૂ સે દોસ્તી,
ના કાહૂ સે બૈર ।।
કબીર કહે છે કે હું બજારમાં ઉભો છું અને બધાના કલ્યાણની કામના કરું છું. મારે નથી કોઈની સાથે દોસ્તી કે નથી કોઈની સાથે વેર ભાવથી ભરેલી દુશ્મનાવટ.'
'ઉંચે કુલ ક્યા જનમિયા,
જે કરણી ઊંચ ન હોય ।
સુવરન કલશ સુરા ભર્યા,
સાધુ નિંદા સોય ।।
જો આચરણ શ્રેષ્ઠ ન હોય તો ઊંચા કુળમાં જન્મ લેવાનો કોઈ ફાયદો નથી. જેમ સોનાનો ઘડો મદિરાથી ભરેલો હોય તો એ સાધુ-સંતોની નિંદાને પાત્ર બની જાય છે અર્થાત્ એનું મૂલ્ય ઘટી
જાય છે.'
- સંત કબીર
એકવાર સંત કબીર ગંગા કિનારે સ્નાન કરી રહ્યા હતા. તે સમયે ચાર બ્રાહ્મણો પણ સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા. તેમની પાસે શરીર પર જળ રેડવા માટે લોટો નહોતો. પાણીનો પ્રવાહ ઊંડો હતો. એટલે તે પાણીમાં ઉતરીને સ્નાન કરી શકે એમ નહોતા. તેથી તે કિનારે જ બેસીને પોતાની હથેળીમાં પાણી ભરીને તે શરીર પર રેડીને સ્નાન કરી રહ્યા હતા.
સંત કબીરે આ જોયું. તેમણે તો સ્નાન કરી લીધું હતું. એટલે તે બ્રાહ્મણોને મદદરૂપ થવા પોતાનો લોટો લઈ તેમની પાસે ગયા. તેમણે માટી ઃ અને ગંગાજળથી એમનો લોટો ધોઈ તેમને તે આપવા માંડયો પણ તે બ્રાહ્મણો ચાર ડગલાં પાછા હટી ગયા અને કહેવા લાગ્યા- તમે મુસ્લિમના ઘેર ઉછર્યા છો અને વણકર છો. અમારા કરતાં હલકી જાતિમાં જન્મેલા છો. અમે ન તો તમને અડકી શકીએ કે ન તો તમારા લોટાને. એમ કરીએ, તો અમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. અમને પાપ લાગે.'
આ સાંભળીને કબીરજીને હસવું આવી ગયું.
એક બ્રાહ્મણે પૂછયું ઃ 'કબીર, તમે કેમ હસો છો ?' કબીરજીએ તેનો જવાબ આપતાં કહ્યું- 'પોતાની જાતને જ્ઞાની કહેવડાવતા તમારા જેવા અજ્ઞાની પર હસવું તો આવે જ ને ! મારો કે મારા લોટાનો સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાતું હોય તો તમે અહીં સ્નાન શા માટે કરી રહ્યા છો ? તમે તો જોયું હતું કે તમે અહીં આવ્યા એ પહેલા હું અહીં જ ગંગા કિનારે સ્નાન કરી રહ્યો હતો ! મારા સ્પર્ષથી ગંગા અપવિત્ર નહીં થઈ ગઈ હોય ? તમારે પવિત્ર થવા હવે નવી ગંગા લાવવી પડશે !
આ સાંભળી બીજો એક બ્રાહ્મણ બોલી ઉઠયો. 'ગંગાજળ તો બધી જ અપવિત્રતાનો અને પાપોનો નાશ કરનારું છે.' કબીરજીએ ફરી માર્મિક રીતે સ્મિત કરતાં કહ્યું- ' તો પછી મારો સ્પર્શ કરીને તમે ગંગામાં સ્નાન કરવાના જ છો ને ? તમારી અપવિત્રતા દૂર થઈ જશે ! તમને જે લોટો આપું છું તે પણ ગંગાજળથી જ ધોઈને આપું છું ને ? તમે એવા કેવા જ્ઞાની છો કે આટલું પણ વિચારી શકતા નથી કે ખરું જ્ઞાન તો નાત-જાતના અને ઊંચ-નીચના તમામ ભેદભાવો મિટાવી દેનારું હોય છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પંડિતા ઃ સમદર્શિનઃ જ્ઞાન પુરુષો તો સમદ્રષ્ટિવાળા હોય છે. તે કોઈના તરફ ભેદભાવ રાખતા નથી. કબીરજીની એ વાત સાંભળી તે બ્રાહ્મણોનું જ્ઞાતિ પરત્વેનું અભિમાન દૂર થઈ ગયું અને કબીરજી પાસેથી તેમનો લોટો લઈ ગંગાજળથી સ્નાન કરવા માંડયું.
કબીરદાસ રમૈની ૩૩માં જ્ઞાન વિના કેવી દુર્દશા થાય છે તેનું નિરૂપણ કરતાં કહે છે - ' અંધ સો દર્પણ વેદ પુરાના, દર્બી કહાં મહારસજાના । જસ ખર ચંદન લાદૈ ભારા, પરમિલ બાસ ન જાનુ ગમારા । કહહિં કબિર ખોજૈ અસમાના, સોન મિલાજુ જાય અભિમાના ।। આંધળાની આગળ દર્પણ ધરવાની જેમ પાખંડી, અભિમાની અને અવિવેકી માણસોને વેદ પુરાણો વગેરે શાસ્ત્રોનો અભ્યાસ વ્યર્થ જાય છે. જડબુદ્ધિવાળા અભિમાની મહારસ બ્રહ્માનંદને માણી શકતા નથી. એમની દશા તો ચંદનના લાકડાથી લદાયેલા ગઘેડા જેવી હોય છે. જેમ ગધેડા પર ચંદનનો ભાર લાદવામાં આવેલો હોય તો પણ તે અજ્ઞાની ગધેડું કેવળ ભારનો જ અનુભવ કરે છે, એની સુગંધને જાણતું નથી. કબીર કહે છે કેે અજ્ઞાની લોકો ઇશ્વરને આકાશમાં શોધે છે પણ ત્યાં તે મળતા નથી, જ્યારે તેમનું અજ્ઞાન અને અભિમાન દૂર થઈ જાય છે ત્યારે ઇશ્વર પોતાની અંદર જ પ્રાપ્ત થઈ જાય છે.




