આજની કથા

- પાંડવોનું સ્વર્ગારોહણ - જીવનની યાત્રામાં માત્ર ધર્મ જ સાથે ચાલે છે
મહાભારતની આ કથા, દરેક મનુષ્યના અંતિમ ક્ષણના પ્રશ્નને દોહરાવે છે કે મારી સાથે શું જઈ રહ્યું છે? પાંડવોના સ્વર્ગારોહણ સમયે માત્ર યુધિષ્ઠિરનું જ સિદ્ધિ પ્રાપ્ત કરવું, એ આ કથાનો અંતિમ ઉપદેશ છે.
પાંડવોનું સ્વર્ગારોહણ
હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિતને સોંપીને, યુદ્ધના વિજય અને રાજ્યના વૈભવને પાછળ છોડીને, પાંચેય પાંડવો અને દ્રૌપદીએ એક દિવસ મહાપ્રસ્થાનનો સંકલ્પ લીધો. આ કોઈ વિદાય નહોતી, આ મુક્તિ તરફનું પ્રસ્થાન હતું. એમની સાથે એક કૂતરો પણ ચાલી નીકળ્યો, જેની ઓળખ કોઈ જાણતું નહોતું. હિમાલયની દુર્ગમ ઊંચાઈઓ તરફ આગળ વધતાં વધતાં સૌથી પહેલાં દ્રૌપદી પડયાં. ભીમે પૂછયું, 'કેમ?' યુધિષ્ઠિર બોલ્યા, 'એણે અર્જુનને અન્ય કરતાં વધારે પ્રેમ કર્યો.' પછી સહદેવ પડયા, પોતાની બુદ્ધિના અભિમાનને કારણે. નકુલ પડયા, પોતાના રૂપના ગર્વથી. અર્જુન પડયા, પોતાની વીરતાના અહંકારથી. અને ભીમ પડયા, પોતાના બાહુબળના અહંકારથી. દરેક વખતે યુધિષ્ઠિર રોકાયા, જોયું, અને પછી આગળ વધ્યા. એ ન રોયા, ન વિચલિત થયા.
અંતે યુધિષ્ઠિર એકલા ચાલતા રહ્યા. એમની સાથે માત્ર એ કૂતરો હતો. સ્વર્ગના દ્વાર પર ઇન્દ્રનો દિવ્ય રથ ઊતર્યો. ઇન્દ્રએ યુધિષ્ઠિરને સશરીર સ્વર્ગ ચાલવાનું આમંત્રણ આપ્યું. પરંતુ તેમણે કહ્યું, 'આ કૂતરો મારી સાથે ચાલ્યો છે, હું એને નહીં છોડું.' ઇન્દ્રએ અનેક દલીલો આપી. યુધિષ્ઠિર અડગ રહ્યા. ત્યારે એ કૂતરો સાક્ષાત્ ધર્મરાજ યમરાજના રૂપમાં પ્રગટ થયો. યુધિષ્ઠિરની આ પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા, અને તેઓ સશરીર સ્વર્ગને પ્રાપ્ત થયા. દેહ છૂટી જાય છે, ધર્મ નથી છૂટતો પાંડવોનું સ્વર્ગારોહણ માત્ર એક કથા નથી, આ જીવનના એ સાર્વભૌમ સત્યની ઘોષણા છે જેને મહર્ષિ વ્યાસે મહાભારતના અંતિમ પર્વમાં અંકિત કર્યું છે. એક-એક પાંડવનું પડવું પ્રતીકાત્મક છે. તેઓ માત્ર શરીરથી નથી પડયા, તેઓ પોતાના એ અવગુણના બોજ નીચે દબાયા જેને જીવનભર ઊંચકીને ચાલતા રહ્યા. દ્રૌપદીનો પક્ષપાત, નકુલનો રૂપ-ગર્વ, અર્જુનનો શૌર્ય-અહંકાર, આ બધું એમની સાથે હતું. ધર્મે એમને પાડયા નથી, એમના અંદર છુપાયેલા અહંકારે પાડયા છે.
જ્યારે બધા સાથ છોડી દે ત્યારે એકલતાની પરીક્ષા યુધિષ્ઠિરનું એકલા ચાલતા રહેવું આ કથાનું સૌથી માર્મિક દર્શન છે. જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે વહાલાં સ્વજનો, સાથીઓ, પરિજનો, બધાં છૂટી જાય છે. એ એકલતાની ક્ષણમાં મનુષ્યની અંદરથી જે બચે છે, એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે. યુધિષ્ઠિર રોકાયા નહીં. તેઓ શોકમાં ડૂબ્યા નહીં. તેઓ જાણતા હતા કે આ માર્ગ વ્યક્તિગત નથી, એ એકલો માર્ગ જ ધર્મનો માર્ગ છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, 'સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ'. બધું છોડીને માત્ર એ એક સત્યના શરણમાં જાઓ. યુધિષ્ઠિરે આ જ કર્યું.
નિષ્ઠા જ સૌથી મોટી પૂજા છે એ કૂતરો જે પૂરી યાત્રામાં યુધિષ્ઠિરની સાથે રહ્યો, એ સાધારણ પ્રાણી નહોતો. પરંતુ યુધિષ્ઠિરને આ ખબર નહોતી. તેમણે એને એટલા માટે ન બચાવ્યો કે તેઓ જાણતા હતા કે એ યમરાજ છે. તેમણે એને એટલા માટે બચાવ્યો કારણ કે તેણે એમનો સાથ આપ્યો હતો. આ જ તો ધર્મ છે. ધર્મની કસોટી ત્યારે થાય છે જ્યારે કોઈ જોતું નથી, જ્યારે કોઈ પુરસ્કાર નથી મળતો, જ્યારે માત્ર વિવેક અને સંકલ્પ જ આધાર હોય છે. આ પ્રસંગ આધુનિક જીવનમાં એ મનુષ્યની વાર્તા છે જે કોઈ અસહાયને ત્યારે પણ નથી છોડતો જ્યારે એનાથી કોઈ લાભ ન હોય.
વૈરાગ્યનો વાસ્તવિક અર્થ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે પાંડવોએ વિજય પછી રાજ્ય કેમ છોડયું? શું આ પલાયન હતું? નહીં. આ ઉપનિષદોનો એ વૈરાગ્ય છે જે ભોગ પછી આવે છે, ભયથી નહીં. જે જીવનને ભરપૂર જીવીને, પોતાની જવાબદારીઓ પૂર્ણ કરીને, સ્વેચ્છાએ સંસારની સરહદથી બહાર નીકળે છે, એ જ સાચો સંન્યાસ છે. આ આજના એ વ્યક્તિ માટે પણ સંદેશ છે જે સફળતાના શિખર પર બેસીને પણ અંદરથી ખાલીપો અનુભવે છે. સિદ્ધિ અને વિસર્જન, બંને જીવનના અનિવાર્ય ચરણ છે.
ધર્મ જ એકમાત્ર સહયાત્રી છે મહાભારતનું આ અંતિમ પર્વ એક ઊંડો દાર્શનિક જવાબ છે એ પ્રશ્નનો, જે દરેક મનુષ્ય પોતાની અંતિમ ક્ષણોમાં પૂછે છે, 'મારી સાથે શું જશે?' ધન નહીં, યશ નહીં, બળ નહીં, સંબંધો નહીં. માત્ર ધર્મ. અને ધર્મનો અર્થ અહીં માત્ર ધાર્મિક પૂજા-પાઠ નથી, આ એ આંતરિક સત્ય છે જે સત્ય, કરુણા, નિષ્ઠા અને વિવેકથી બને છે. યુધિષ્ઠિરના ચરણ અંત સુધી ન રોકાયા કારણ કે એમનો ધર્મ એમના અંતરમાં હતો, કોઈ બહારના આશ્રયમાં નહીં.




