Dharmlok

દાન-ધર્મના પુણ્ય પ્રભાવે એ દેવ પણ બન્યા અને દેવાધિદેવ પણ બન્યા

By GS Team
1 Jul 20263 mins read
દાન-ધર્મના પુણ્ય પ્રભાવે એ દેવ પણ બન્યા અને દેવાધિદેવ પણ બન્યા
  • અસંભવને સંભવ કરનારા સંભવ-ખડકી અમદાવાદના સંભવનાથપ્રભુ
    આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
    દ્રશ્ય-૧: એક મા પોતાના સગા દીકરાને મુઠ્ઠીભર ચણા માટે કરીને વેચી રહી છે.
    દ્રશ્ય-૨ : એક પિતા પોતાના હાથમાં રહેલો રોટલીનો ટુકડો ખાઈ રહ્યો છે અને એનો સગો દીકરો આ દ્રશ્ય જોઈ રહ્યો છે, ખાવા માટે રડી રહ્યો છે છતાં તે પિતા પોતાના દીકરાને કશું આપતો નથી.
    દ્રશ્ય-૩ : સારા-સારા માણસો પણ થોડુંક અનાજ મેળવવા માટે કરીને સાધુ-સંન્યાસીઓના વેશ ધારણ કરી રહ્યા છે.
    દ્રશ્ય-૪ : ધનવાનોની હવેલીઓમાં વેરાયેલા દાણા, વીણવા માટે કરીને સારી એવી ભીડ ઉમટી છે.
    દ્રશ્ય-૫ : લોકો વૃક્ષની છાલ, વૃક્ષના પાંદડા, વૃક્ષના મૂળીયાં, કંદ આદિ ખાઈ રહ્યાં છે.
    દ્રશ્ય-૬ : અમુક લોકો 'ભસ્મક રોગે' પીડાઈ રહ્યા છે. જેખાય તે બધું જ ભસ્મ થઈ જાય, એવો રોગ તન-મનમાં ઘેરાઈ ગયો હતો.
    આવા અનેક પ્રકારના દ્રશ્યો ઠેર-ઠેર ક્ષેમપુરી નામે નગરીમાં દેખાઈ રહ્યા હતા. કારણ હતુ દુષ્કાળ-વરસાદ ન વરસવાના કારણે ખેતરો લહેરાયા નહીં. અનાજ આવ્યું જ નહીં. લોકોને ખાવાનું મળવાનું બંધ થઈ ગયું. ચારેકોર હાહાકાર સર્જાઈ ગયો. છોકરાઓ વેચાવા માંડયા- સૌ પોતપોતાનું જોવા માંડયા. ધાન્ય માટે ઠેર-ઠેર લડાઈઓ-ખેંચાતાણીના દ્રશ્યો સર્જાતા.
    ક્ષેમપુરીના રાજા વિમલવાહને આ દ્રશ્યો જોયા. સાધુ-સંતોને તો અત્યારે કોણ આપતું હશે ? આ વિચાર તેના મનમાં ઘુમરાવા માંડયો. સાધુઓ જાતે રાંધે નહીં, પોતાના માટે બનાવડાવે નહીં.
    સાધુ-સંતોના શરીર લક્ષી સુવિધાનો વિચાર કરવાની ફરજ રાજા-પ્રજાની છે, અને ગૃહસ્થોના આત્માનો સ્વસ્થતાનો વિચાર કરવાની ફરજ સાધુ-સંતોની છે.
    વિમલવાહને આખી નગરીમાં ધાન્યની વ્યવસ્થા ઠેરઠેર કરાવડાવી. અને આદેશ કર્યો. સૌ આરાધના-સાધનામાં વિશેષપણે જોડાશો. દાન-શીલ-તપ-ભાવ રૂપ ચારે પ્રકારનો ધર્મ જેટલો આચરશો, તેટલો દુષ્કાળ વહેલો દૂર થશે. ધર્મ છે ત્યાં જ સંપત્તિ છે. ધર્મરૂપી સંપત્તિ બધી જ સંપત્તિને ખેંચી લાવે છે. બધાં જ અસંભવ કાર્યો ધર્મ થકી સંભવ થઈ જાય છે.
    વિમલવાહન રાજાએ આમ દુષ્કાળ ચાલ્યો ત્યાં સુધી સૌ જીવોના પેટની આગ ઠારવાનું કાર્ય સુચારૂરૂપે કર્યું. સાધુ-સંતોની પણ ખૂબ સેવા કરી.
    આ બધી પરમભાવના પૂર્વકની પરમ સેવાનું ફળ એ મળ્યું કે રાજા વિમલવાહન તે પછીના ભવે દેવ બન્યા અને તે પછીના ભવે દેવાધિદેવ શ્રી સંભવનાથ ભગવાન બન્યા.
    દાનના પ્રભાવે માણસમાંથી દેવ અને દેવાધિદેવ બન્યા.
    દરેક અસંભવ કાર્યોને સંભવ કરનારા આ સંભવનાથ ભગવાનનું આ જીવન-વર્ણન સાંભળીને અમદાવાદના શેઠ ઠાકર, શેઠ પુણ્યપાલ અને શેઠ નાકર એમ ત્રણે ભાઈઓએ ભેગા મળીને અમદાવાદની પોળમાં સંભવનાથ ભગવાનનું ભવ્ય જિનમંદીર ઉભું કર્યું. વિક્રમ સંવત્ ૧૬૫૮માં મહા સુદ-૫ ના રોજ સવાયા જગદ્ગુરુ હીરવિજયસૂરિ સાબિત થનારા, 'સવાઈ હીરલા'નું બિરૂદ અકબરના શ્રીમુખે પામનારા અને જગદ્ગુરૂ હીરવિજયસૂરિજીના પટ્ટધર એવા આચાર્ય વિજયસેન સૂરીશ્વરજીના વરદહદતે આ જિનાલયની અને સંભવનાથ દાદાની પ્રતિષ્ઠા થઈ.
    'ગુજરાતનું પાટનગર : અમદાવાદ' પુસ્તકના લેખક રત્નમણિરાવ જોરે કહે છે કે અમદાવાદનું આ સૌથી પ્રાચીન મંદિર ગણાય છે.
    શહેરમાં દુષ્કાળ આવે નહિ અને આવે તો ય શહેરીજનોની દુષ્કાળમાં સુચારૂ વ્યવસ્થા આ સંભવનાથ દાદાના પ્રભાવે થઈ જાય એ હેતુથી આ શુભ પ્રતિષ્ઠા શુભ પળે કરવામાં આવી હતી. જેનો શુભ પ્રભાવ આજ સુધીના અમદાવાદના ઇતિહાસે જોયો છે. - જાણ્યો છે.
    'અમદાવાદના ઝવેરીવાડના જિનાલયો'ના લેખિકા પ્રવીણાબેન અને પારૂલબેન કહે છે- અમદાવાદનું આ મોટું જિનલાય છે વિશેષતા આ જિનાલયની એ છે કે આ જિનાલય બે ભોંયરાવાળું અને પાંચ ગભારાવાળું છે. આવું એકમાત્ર જિનાલય મનોહર મૂર્તિ ધરાવે છે. જોતાં મન ધરાય નહીં, એવું આ જિનાલય ૪૨૫મું વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, એ પણ એક પ્રમુખ વિશેષતા છે.
    પ્રભાવના
    ૬૦૦ થી વધુ પોળો ધરાવતી પોળનગરી (અમદાવાદ) કર્ણાવતી નગરીની એક પોળ-તળિયાની પોળમાં જીવન જીવીને સંયમ સ્વીકારી ગચ્છાધિપતિ બનનારા આચાર્ય શ્રી રાજશેખર સૂરિ મહારાજા (જેમનો ૭૩મો જન્મદિવસ જેઠ વદ-૫, પાંચ જુલાઈએ આવી રહ્યો છે તેમણે) દાદાગુરુ આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરિજી મહારાજાના તળિયાની પોળના ચાતુર્માસને યાદ કરતાં જણાવ્યું- ' જે દાદાગુરૂ શાંતિચંડસૂરિ મહારાજાનો દીક્ષા શતાબ્દી વરસ હમણાં આ વરસે ઊજવાયું અને આ જેઠ વદ-૪, ૪ જુલાઈનો રોજ જેઓશ્રીની ૫૩મી પુણ્યતિથિ છે, તે દાદાગુરૂએ અમદાવાદના ઝવેરીવાડના સંભવના થતી ખડકીના જિનાલયના ભોયરામાં રહેલા સંભવનાથ ભગવાનનો મહિમા ફરમાવ્યો હતો. આપણા અસંભવ કાર્યો આ પ્રભુના દર્શન-પૂજનથી સંભવ થઈ જાય. વિશાળકાય આ પ્રતિમાજીના પ્રભાવે આપણા કાર્યો અને આપણે વિશાળતાને પામી જાય છે.