Dharmlok

શાહજાદી સાથેની શાદીમાં જેમને બરબાદી દેખાતી હતી તથા સત્તા-સંપત્તિ- સુંદરીની રાહે ચડવામાં જેમને ગુમરાહ થવાનું લાગતું હતું. તેવા સર્વાગસુંદર- રૂપ સુંદર

By GS Team
23 Sep 20263 mins read
શાહજાદી સાથેની શાદીમાં જેમને બરબાદી દેખાતી હતી તથા સત્તા-સંપત્તિ- સુંદરીની રાહે ચડવામાં જેમને ગુમરાહ થવાનું લાગતું હતું. તેવા સર્વાગસુંદર- રૂપ સુંદર
  • આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'તમે આ સાધુવેશ છોડી દો. અને આ ખૂબસૂરત કન્યા સાથે શાદી કરી લ્યો. તમારા આ ઉદ્ભૂત રૂપને ભૂતની જેમ કેમ વેડફી રહ્યા છો ? આ ખૂબસૂરત રૂપ આ ખૂબસૂરત કન્યા માટે જ છે.'
' આ ખૂબસૂરત રૂપ અને આ ખૂબસૂરત કન્યા કરતાંય વધુ ખૂબસૂરતી મને આ મારા સાધુવેશમાં દેખાય છે. દુનિયાની કોઈ ખૂબસૂરતી આ સાધુવેશથી વધુ ઉજળી નથી.'
'મારી ઇચ્છા છે કે તમો આ કન્યા સાથે વિવાહ કરો. હું આ સમસ્ત રાજ્યનો માલિક છું. આ કન્યાનો માલિક છું તેમ આ સમસ્ત સંપત્તિનો પણ માલિક છું. આ કન્યાનો તમે સ્વીકાર કરો, તો આ અનેક પ્રકારની સંપત્તિ પણ તમારા ચરણોમાં આળોટતી થઈ જશે.' બાકી આ તમારા રૂપનો કોઈ મતલબ નથી. ભગવાને આ રૂપ આપ્યું છે અને આ રૂપને ભોગવવા માટે આ ભૂપની રૂપસુંદરી પણ આપી છે. એના રોમ-રોમ તમારા આતમ-રામને ભજી રહેલ છે.'
'રૂપસુંદરીઓના રૂપનો સ્પર્શ ન થવાના કારણે જ મારું શરીર રૂપસુંદર બન્યું છે. હું આ રૂપસુંદરને અસુંદર કે કુરૂપ બનાવવા નથી જ ચાહતો. મારો આત્મ-રામ મારા પરમાત્માને જ ભજવા ચાહે છે.'
' આ રૂપસુંદરી તરફ જુઓ. એના રોમ-કૂપ, નાભિકૂપ અને યોનિકૂપ તમારા અંગ-અંનગને ઝંખી રહ્યા છે. એના સ્તન-યુગ્મ, બાહુ-યુગ્મ અને જંઘા-યુગ્મ તમારાજ દેહને નેહ કરવા તલસી રહ્યા છે.'
'મારા એક-એક અંગ હું સર્વાંગસુંદર દેવ-ગુરુને ચરણે સમર્પી ચૂક્યો છું. હવે આ દેહ કોઈનો નેહ નથી ઝંખે એમ.'
'હવે આ છેલ્લી વાર… તમને ઉપરીપદ પણ મળશે. સત્તા-સંપત્તિ અને સુંદરી એમ ત્રિ-વલયના સ્વામી બનવા મળશે. પકડી લો આનો હાથ.'
' જે હાથે મેં મારા ગુરુદેવના ચરણ સ્પર્શ્યા છે, એ હાથ હવે કોઈ દેવ-સુંદરીને પણ સ્પર્શે એમ નથી. મારા ગુરુદેવે મને જે સાધુવેશ આપ્યો છે, એનાથી મોટી કોઈ બાદશાહત આ દુનિયામાં નથી. તમારી સત્તા, માલ-મત્તા અને સુંદરી પત્તા તમને મુબારક.'
' તો કાન ખોલીને સાંભળી લો. કાં તો મારી વાત માનીને આ કન્યા સાથે શાદી કરો નહિતર આ રાજય-ત્યાગની બરબાદી લેવી પડશે.'


આ સંવાદ ચાલી રહ્યો હતો. મોગલ સમ્રાટ અકબરના દીકરા બાદશાહ જહાંગીર અને જગદ્ગુરુ આચાર્યસમ્રાટ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજા (જેમને વર્તમાન વર્ષે જન્મના ૫૦૦ વર્ષ અર્થાત્ અર્ધ સહસ્રાબ્દી વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ) ના શિલ્પ પંન્યાસ સિદ્ધિચંદ્ર વિજયજી મહારાજા વચ્ચે. એક રાજા અને એક સાધુ વચ્ચે.
બાદશાહ જહાંગીર અને એની બેગમ નૂરજહાં એક વખત પૂજય પન્યાસ સિદ્ધિચંદ્ર વિજયજી મહારાજનું પ્રવચન સાંભળી રહ્યા હતા. એમાં સૌંદર્યની વાત આવી.. નવરસનું વર્ણન આવ્યું.. જોરદાર વર્ણન થયું. રાજા-રાણી બને ઓતપ્રોત બનીને સાંભળી રહ્યા.
રૂપરૂપના અંબાર પાસે સૌંદર્યનું આવું. અદ્ભૂત વર્ણન સાંભળ્યા પછી એકાંતમાં બંને (જહાંગીર-નૂરજહાં) એ વિચાર-વિર્માશ કર્યો. આ સાધુના આ રૂપનો ઉપયોગ થવો જોઈએ. આપણી કન્યાને આ યોગ્ય સાધુના આ રૂપનો ઉપયોગ થવો જોઈએ. આપણી કન્યાને આ યોગ્ય મૂરત-સૂરત છે. સામ-દામ- દંડ- ભેદથી પણ સાધુનો વિવાહ કરાવી દેવો. અને બીજે જ દિવસે બંનેએ લગ્નનો પ્રસ્તાવ સાધુ આગળ મૂક્યો. લલચામણી ઓફરો પછીયે લલના તરફ ન લલચાયા તો તેમના એ લલકાર સામે પણ ન ઝૂક્યા. તેઓ મક્કમ પણે નકારીને જ રહ્યા..
વિ.સં.૧૬૭૨માં પૂજય પંન્યાસ શ્રી સિદ્ધિચંદ્રજી મહારાજે આગરા છોડી દીધું. જગત છોડવા તૈયાર, પણ જગદ્ગુરુએ આપેલ વેશને છોડવા હરગિજ તૈયારી નહિ.' 'બાદશાહ બાદમેં, ગુરુ ચાહિયે શુરુ મેં..'
૨૫-૩૦ વર્ષની યુવાની ધરાવતા એ રૂપ સુંદર યુવાન સાધુમહારાજને બાદશાહની રૂપવતી શાહજાદીમાં પણ બરબાદી દેખાતી હતી.
શાહજાદી સાથેની શાહી શાદીમાં અને બાદશાહી સત્તા-સંપત્તિની સ્યાહીમાં થતી વાહવાહીમાં એમને જે રસ નહોતો. એનાથી યે અનેકગણો રસ તેમને જગદ્ગુરુની શિલ્પ-વાહીમાં હતો.
એમને સત્તા-સંપત્તિ અને સુંદરીના રાહે ગુમરાહ થવામાં જોખમ દેખાતું હતું. જ્યારે જગદ્ગુરુના રાહે સાચો રાહ તેમને જણાતો હતો. રાજમહેલ કરતાં ગુરુ-રાજની સહેલગાહમાં મસ્તી હતી.
ઉપાધ્યાય ભાનુચંદ્રજીને પણ પં.સિદ્ધિચંદ્રજી વિના ગમતું નહોતું. બાદશાહને પણ કંઈક ઉણપ લાગતી હતી. હંસને કોઈ માનસરોવરની જરૂર નથી, માનસરોવર રાજહંસ વિના શૂન્ય છે. બાદશાહે પં.સિદ્ધિચંદ્રજીની માફી માંગી. અને ફરી પાછા પોતાના આગરાના મહેલમાં બોલાવી લીધા. સાધુવેશનો અને સાધુવંદનાનો જયજયકાર ફરી ત્યાં ગૂંજવા લાગ્યો.